અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય મહોત્સવનો રંગેચંગે પ્રારંભ. - At This Time

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય મહોત્સવનો રંગેચંગે પ્રારંભ.


માનનીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભિખુસીંહ પરમારના અધ્યક્ષસ્થાને શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું.
અરવલ્લી જિલ્લાની રમણીય ગિરિમાળાઓ વચ્ચે સ્થિત યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે શુભારંભ થયો. રાજ્ય યુવક વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રથમ દિવસે પ્રારંભ કરાયો.

માનનીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભિખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને શામળાજી મહોત્સવ ૨૦૨૪-૨૫નો પ્રારંભ કરવામાં આવ્યો. શામળાજી મહોત્સવના પ્રથમ દિવસે ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કૃષ્ણલીલા, કૃષ્ણભક્તિ અને કૃષ્ણ ભજન ખાસ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા. લોકપ્રિય સંગીતકાર ગીતા રબારીના કોકિલકંઠી અવાજથી સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. હાસ્ય કલાકાર ભારત રાવલે લોકોને હાસ્ય રંગમાં રંગી દીધા હતા.

લોકોને સંબોધતા મંત્રીશ્રી ભિખુસિંહ પરમારે જણાવ્યું કે આજે આ પવિત્ર શામળાજીની ધરતી પર આપ સૌને જોઈને મને અપાર આનંદ થાય છે. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર આપણને એકતા અને સદભાવનાનું સંદેશ આપે છે. યાત્રાધામ શામળાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સતત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.આજે આપણે સૌ મળીને શામળાજી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. આ મહોત્સવ આપણને એકબીજા સાથે જોડે છે અને આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે. આપણે સૌ મળીને આ મહોત્સવને વધુ ને વધુ સફળ બનાવીએ.

મહોત્સવમાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરીક, જિલ્લા ન્યાયાધીશ આશા અંજારિયા, સાંસદશ્રી શોભનાબેન બારૈયા, સાંસદશ્રી રમીલાબેન બારા, ભિલોડા ધારાસભ્યશ્રી પી.સી.બરંડા , બાયડ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા, મોડાસા નગરપાલિકાના પ્રમુખશ્રી નીરજ શેઠ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ કેડિયા, નિવાસી અધિક કલેકટર શ્રી રાજેશ કુચારા , સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરાંત શામળાજી મંદિરના પ્રતિનિધી રણવીરસિંહ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા.

હજુ બીજા દિવસે પણ શામળાજી મહોત્સવ ભવ્ય રીતે ગુજરાતના ખ્યાતનામ કલાકાર ઓસમાણ મીર સહિતના કલાકારો દ્વારા ઉજવાશે. ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લા અને ઉત્તર ગુજરાતના દર્શકો આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.