લોકસંસ્કૃતિ, આધ્યાત્મ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ - કાર્તિકી પૂર્ણિમાના મેળાને ખૂલ્લો મૂકતાં જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા - At This Time

લોકસંસ્કૃતિ, આધ્યાત્મ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ ———— કાર્તિકી પૂર્ણિમાના મેળાને ખૂલ્લો મૂકતાં જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા ————


લોકસંસ્કૃતિ, આધ્યાત્મ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ
------------
કાર્તિકી પૂર્ણિમાના મેળાને ખૂલ્લો મૂકતાં જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા
------------
પાંચ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ સહિત 3D શૉ, ચિત્ર પ્રદર્શની, હસ્તકલા હાટ સહિત અનેકવિધ આકર્ષણના કેન્દ્ર
------------
ગીર સોમનાથ,તા.૧૧: બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથ બાયપાસના સદભાવના ગ્રાઉન્ડ ખાતે લોકસંસ્કૃતિ, આધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણીતા કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.

જિલ્લા કલેક્ટરશ્રીએ રિબિન કાપી અને મેળાને જાહેર જનતા માટે ખૂલ્લો મૂક્યો હતો. મેળાને ખૂલ્લો મૂક્યા બાદ કલેક્ટરશ્રીએ હસ્તકલા હાટની મુલાકાત લીધી હતી અને સ્ટોલધારકોને મેળાની શુભકામનાઓ પાઠવી હતી. હસ્તકલા હાટના ૫૦ જેટલા સ્ટોલમાં ભરતકામ, મોતીકામ, જ્વેલરી, વાંસકામ, હાથશાળની બનાવટની વિવિધ વસ્તુઓ વેચાણ માટે ઉપલબ્ધ છે.

સોમનાથના સાન્નિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાનું અનેરૂ મહત્વ રહેલું છે. ત્યારે કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ૨૦૦ જેટલાં ખાણી-પીણીના સ્ટોલ, રમકડાં, અને ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા-ગૃહઉદ્યોગના વિવિધ સ્ટોલ્સ, જૂનું ગામડું, 3D શો, આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ, "સોમનાથ @70" ચિત્ર પ્રદર્શની તેમજ મેળામાં બાળકો માટે ૫૦ થી વધુ મનોરંજન માટેની રાઈડસ આકર્ષણનું કેન્દ્ર રહેશે.

આ મેળા દરમિયાન રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરાયું છે. ‘સોમનાથ મહોત્સવ-૨૦૨૪’ અંતર્ગત તા.૧૧ના રોજ દેવાયત ખવડ તથા બિરજુ બારોટ લોકસાહિત્ય તથા લોકગીતની પ્રસ્તુતિ કરશે. જ્યારે તા.૧૨ના રોજ ગુજરાત સરકારના સંગીત નાટક વિભાગ દ્વારા આયોજિત ભક્તિ સંગીત મહોત્સવમાં લોકગાયક અપેક્ષા પંડ્યા-ચિરાગ સોલંકી સૂર રેલાવશે.

તા.૧૩ના રોજ કિર્તીદાન ગઢવી તેમજ તા.૧૪ના રોજ લોકસાહિત્યકાર રાજભા ગઢવી લોકડાયરાની અને તા.૧૫ના રોજ માયાભાઈ આહિર અને જાહલ આહિર લોકસાહિત્ય અને લોકગીતની પ્રસ્તુતિ કરશે.

ઉલ્લેખનીય છે કે, શ્રી સોમનાથ ટ્રસ્ટની સાથે જ સમગ્ર ગીર સોમનાથ જિલ્લા વહીવટ તંત્ર, જિલ્લા પોલીસ તંત્રના સંકલનમાં લોકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી મેળામાં પાર્કિંગ સુવિધા, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, સ્ત્રીઓ તથા પુરૂષો માટે અલગ અલગ પોઇન્ટ પર વૉશરૂમ સુવિધા, સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત અને વૉચટાવર સહિત તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબેન જાની, જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર શ્રી રાજેશ આલ, શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી પરમાર, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, અગ્રણી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના સમાજિક અગ્રણીઓ તેમજ વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.