લખતર ખાતે જીલ્લાનો ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ.
લખતર તાલુકાનાં વિકાસ કામો માટે કલેકટર દ્વારા રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો
આઝાદીના ૭૮માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ, લખતર ખાતે કલેકટર કે.સી.સંપટનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા સમાહર્તા કે.સી.સંપટ દ્વારા દેશની આન,બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવીને, સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ મહામુલી આઝાદીના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વે જિલ્લા સમાહર્તા કે.સી.સંપટે સૌ નાગરીકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી તથા દેશની સ્વતંત્રતા માટે જાન ન્યોછાવર કરનારા દેશનાં પરાક્રમી સપૂતો, અનેક નામી અનામી દેશભકત શહિદોનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, આજે આપણે જે ધરા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યાં છીએ એ લખતર સહિતનો વિસ્તાર ઝાલાવાડ પરગણાની રિયાસતો હતી તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સમગ્ર દેશમાં વિકાસના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસની અનુભૂતિ સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને પણ થઈ રહી છે અવિસ્મરણીય વિકાસની દિશામાં મક્કમતાથી આગળ વધી રહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્રનાં પ્રત્યેક વિભાગ દ્વારા વિકાસના અનેક નવા શિખર સર કરવામાં આવ્યા છે જિલ્લાએ છેલ્લા એક દાયકામાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સ્વપ્નને સાચા અર્થમાં ગતિ આપવાનું કાર્ય કર્યું છે કલેકટરએ જિલ્લાની વિકાસયાત્રા વર્ણવતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં પાણીની સમસ્યાના ઉકેલ માટે અનેક મહત્વના પ્રયાસો અને યોજનાઓનું અમલીકરણ થયું તેનાથી સુકાભઠ્ઠ પ્રદેશ એવા ઝાલાવાડમાં ભૂર્ગભ જળ સપાટીનું સ્તર નોંધપાત્ર રીતે ઉંચે આવ્યું છે પાણી પુરવઠાની જુદી જુદી યોજનાઓ થકી ઓછા વરસાદનાં કારણે એક સમયે સુરેન્દ્રનગર જિલ્લો ખેતી ક્ષેત્રે પછાત ગણાતો હતો, જે હવે નર્મદાના નીર આવવાથી કૃષિ ક્ષેત્રે આગળ પડતા જિલ્લા તરીકે ગણાવા લાગ્યો છે શહેરના ધોળીધજા ડેમને પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સૌના સાથથી સાકાર કરી ભારત સાચા અર્થમાં વિશ્વગુરૂ બને તેવો ભાવ વ્યક્ત કરતાં સમાહર્તાએ કહ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લો ભૌગોલિક વિષમતા તથા કુદરતી પ્રતિકૂળતાઓ ધરાવતો હોવા છતા પણ જિલ્લાનાં પાણીદાર લોકો અને કર્મયોગી અધિકારીઓ - કર્મચારીઓની મદદથી સુશાસનનાં પથ પર ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે આ કાર્યક્રમ શૃંખલામાં કલેકટર કે.સી.સંપટનાં હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાના ૧૮ જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારજનોનું સુતરની આંટી અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, લખતર તાલુકાનાં અવિરત વિકાસ કામો માટે કલેકટર કે.સી.સંપટ દ્વારા રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિશિષ્ટ યોગદાન આપનાર ૭૫ જેટલા અધિકારીઓ, કર્મચારીઓ, વ્યક્તિ/ સંસ્થાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું સ્વાતંત્ર્ય પર્વના આ કાર્યક્રમમાં જુગતરામ દવે પે સેન્ટર શાળા નં.૨ - લખતર, મોડેલ સ્કૂલ, લખત, સર જે. હાઈસ્કૂલ, ભાવગુરૂ વિદ્યાલય, બ્રિલિયન્ટ હાઈસ્કૂલ, એ.વી.ઓઝા હાઈસ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ સાથે પરિશ્રમ સ્કૂલ, લખતર નાં ૪૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક નિયમન માઈમ કૃતિ રજુ કરવામાં આવી હતી આ તકે રજૂ થયેલ તમામ કૃતિઓને પ્રોત્સાહનરૂપે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું પરેડ કમાન્ડરની આગેવાની હેઠળ કુલ ચાર પ્લાટુને ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમે પી.આઈ. શ્રી એમ.આર.પરમારના નેતૃત્વ હેઠળ પુરુષ પોલીસ પ્લાટુન, બીજા ક્રમે પી.એસ.આઈ. એન.એસ. જોષીનાં નેતૃત્વના મહિલા પોલીસ પ્લાટુન અને ત્રીજા ક્રમે પીએસઆઈ એચ.એસ.જાડેજાના નેતૃત્વના હોમ ગાર્ડ જવાનો, ચોથા ક્રમે પીએસઆઈ એસ. જી. ગોહિલના નેતૃત્વ હેઠળ બેન્ડ પ્લાટુન જોડાયા હતા કાર્યક્રમના અંતે સર્વે મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલા સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નિવૃત્ત પ્રોફેસર ડો.મુકેશભાઈ કલોતરા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યઓ પી. કે. પરમાર, કિરીટસિંહ રાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, લખતર રાજવી દિગ્વિજયસિંહ ઝાલા, સર્વે અગ્રણીઓ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધનજીભાઈ પટેલ, જયેશભાઈ પટેલ સહિતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનાં પદાધિકારીઓ, સદસ્યઓ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક ડૉ. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા, વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુળા, જિલ્લા શિક્ષણાધિકારી એ. એમ. ઓઝા સહિત વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનો, શિક્ષકો, પ્રબુદ્ધ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.