રાજકોટ શહેર પોલીસ કમિશનરે ગણેશોત્સવના આયોજકો સાથે કરી બેઠક.
રાજકોટ શહેર તા.૨૯/૮/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરમાં ૨૫૦થી વધુ જગ્યાએ ગણેશોત્સવના પંડાલ ઉભા કરવામાં આવનાર છે ત્યારે તેના આયોજકો સાથે પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, DCP ક્રાઈમ સહિતના ઉચ્ચ અધિકારીઓએ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ૨૫૦ જેટલા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પોલીસ કમિશનરે આયોજકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી કરજો પરંતુ તેમાં કાયદાનું ઉલ્લંઘન ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. પોલીસ કમિશનર દ્વારા સૌથી પહેલાં આયોજકોના સુચનો અને રજૂઆત સાંભળવામાં આવી હતી. પોલીસ કમિશનરે જણાવ્યું કે તહેવારોની ઉજવણી કરવી જ જોઈએ અને તે આપણી સંસ્કૃતિ છે પરંતુ ઉજવણી કરતી વખતે કોઈની લાગણીને ઠેસ ન પહોંચી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમણે કહ્યું કે શહેરમાં જેટલા સ્થળ ઉપર ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હશે ત્યાંના આયોજકોને પોલીસનો પૂરતો સહકાર મળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. પોલીસ કમિશનર સાથેની બેઠકમાં લગભગ મોટાભાગના આયોજકોની રજૂઆત મૂર્તિની હાઈટમાં વધારો કરવા તેમજ ૧૦ ની જગ્યાએ ૧૨ વાગ્યા સુધી મ્યુઝિક વગાડવા અંગેની રજુઆત કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે એવી મહત્ત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી કે રાજકોટમાં આયોજિત થનારા ગણપતિ પંડાલ પૈકીના પ્રથમ ત્રણ ગણેશોત્સવને પોલીસ દ્વારા રોકડ પુરસ્કારથી નવાજવામાં આવશે. આ માટે એક ખાસ કમિટી બનાવવામાં આવશે. જેના દ્વારા પંડાલની સ્વચ્છતા, મૂર્તિની માપસાઈઝ સહિતનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવશે અને ગણેશોત્સવ સંપન્ન થયા બાદ હેમુ ગઢવી હોલમાં જ પોલીસ કમિશનર દ્વારા ઈનામ આપવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ગણેશોત્સવની ઉજવણી અંતર્ગત નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે જે પ્રમાણે તા.૩૧થી તા.૯ દરમિયાન સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વગર ગણેશ વિસર્જનના ધાર્મિક સરઘસ કાઢી શકાશે નહીં. આ ઉપરાંત પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતાં જળસ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી કૂવામાં કે અન્ય કોઈ સ્થળોએ ગણેશજીની મૂર્તિનું વિસર્જન નહીં કરી શકાય. ખાસ કરીને ગણેશજીની મૂર્તિની વિસર્જન યાત્રા દરમિયાન જાહેર જગ્યાએ આવતા-જતાં રાહદારીઓ ઉપર રંગો ઉડાડી નહીં શકાય. આ સહિતના અન્ય નિયમો પોલીસ કમિશનર દ્વારા અમલમાં મુકવામાં આવ્યા છે. આ બેઠકમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સ્પેશ્યલ પોલીસ કમિશનર ખુર્શીદ અહમદ, DCP ક્રાઈમ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, ACP ક્રાઈમ બી.બી.બસીયા, ACP ટંડેલ, ACP ગેડમ, ACP રાઠોડ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ PI વાય.બી.જાડેજા, જે.વી.ધોળા, SOG PI જે.ડી.ઝાલા ઉપરાંત તમામ પોલીસ મથકના PI ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.