જસદણના વિરનગર ગામનો સ્માર્ટ વિલેજમાં સમાવેશ થતાં સરકારની કામગીરીને બિરદાવતા રૂપારેલિયા દંપતિ - At This Time

જસદણના વિરનગર ગામનો સ્માર્ટ વિલેજમાં સમાવેશ થતાં સરકારની કામગીરીને બિરદાવતા રૂપારેલિયા દંપતિ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે રાજયમાં તાલુકા દીઠ એક ગામ સ્‍માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે પાંચ જિલ્લાના ૧૬ ગામોને સ્‍માર્ટ વિલેજ જાહેર કર્યા છે. તે પૈકી જસદણના વિરનગરને જાહેર કરતાં ભાજપના યુવા અગ્રણી અલ્પેશભાઈ રૂપારેલિયા અને જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ અનિતાબેન રૂપારેલિયાએ રાજ્યના ડાયનેમિક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની કામગીરી બિરદાવી હતી વિરનગર ગામ રાજય સરકારની સ્‍માર્ટ વિલેજ પ્રોત્‍સાહક યોજના અન્‍વયે પસંદ કરાયેલું ગામ છે. આ સ્‍માર્ટ વિલેજમાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વીરનગર ગામનો સમાવેશ થતાં ગ્રામ્યજનોમા આનંદ છવાયો છે. સ્‍માર્ટ વિલેજ પ્રોત્‍સાહક યોજનામાં પસંદ થયેલ વિરનગર ગામને સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયતમાં પાંચ લાખ રૂપિયાની પુરસ્‍કાર રકમ આપવામાં આવશે. એટલું જ નહિ, આ પુરસ્‍કાર રાશિ ગામના વિકાસ કામો માટેના સ્‍વભંડોળનો ભાગ બનશે.
વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતના ગામોને શહેરો સમકક્ષ સ્‍માર્ટ, સસ્‍ટેઇનેબલ અને સુવિધાયુકત બનાવવાની નેમ સાથે સુવિધા અને સુખનો વિચાર આપેલો છે.
ઉલ્લેખનીય છે કે સ્‍માર્ટ વિલેજ પસંદગી માટેના ધોરણોમાં ગામ રોડથી જોડાયેલું હોય, રોડથી તદ્દન નજીકમાં હોય, ગામ શક્‍ય હોય ત્‍યાં સુધી સ્‍ટેટ હાઇવે પર હોય, પ્રાથમિક સુવિધા તરીકે પાકા રસ્‍તા અને ગટર વ્‍યવસ્‍થા, સ્‍ટ્રીટ લાઇટ તેમજ સંપૂર્ણ સફાઇ થતી હોય અને ગામની વસ્‍તી ૨૦૦૦ થી ૬૦૦૦ સુધીની હોય તે માપદંડો ધ્‍યાને લેવામાં આવેલા છે.
આ ધોરણો ધરાવતા ગામોએ જે ૧૧ માપદંડો પરિપૂર્ણ કર્યા છે. તેમાં (૧) સરસ ગ્રામ વાટિકા/ગાર્ડન (૨) ફરજિયાત ડોર ટુ ડોર કલેક્‍શન (૩) દરેક ઘરે પીવાના પાણીનું નળ કનેક્‍શન (૪) પંચાયત વેરા વસુલાત (૫) રસ્‍તા પર ઉકરડા ન હોય અને રસ્‍તાઓ નિયમિત સાફ થાય (૬) સ્‍માર્ટ ઇ-ગ્રામ સેન્‍ટરની સુવિધા (૭) ગ્રામ પંચાયત કચેરી ઉપર સોલર રૂફટોપ (૮) ઓપન ડેફીકેશન ફ્રી વિલેજ (૯) ગ્રામ પંચાયત દ્વારા લાઇટબીલ ભરવાની નિયમિતતા (૧૦) ગામમાં ગટર બનાવવી (૧૧) ગામતળના પાકા રસ્‍તા વગેરેને આવરી લેવાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.