સિવિલ કોર્ટમાં એડવોકેટનો મોબાઇલ ચોરાયો - At This Time

સિવિલ કોર્ટમાં એડવોકેટનો મોબાઇલ ચોરાયો


શહેરમાં ગઠિયાઓ યેનકેન પ્રકારે લોકોની નજર ચૂકવી ખિસ્સામાંથી મોબાઇલ તફડાવી જતા હોવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક બનાવમાં કોર્ટ સંકુલમાંથી ગઠિયો એડવોકેટના ખિસ્સામાંથી મોબાઇલ તફડાવી જતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. યુનિવર્સિટી રોડ, ઋષિકેશ સોસાયટી-2માં રહેતા અને વકીલાત કરતા કલ્પેશભાઇ ભરતભાઇ સગપરિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, શનિવારે બપોરે બાર વાગ્યાના અરસામાં પોતે સિવિલ કોર્ટ ગયા હતા. પોતાનું વાહન પાર્ક કરી સિવિલ કોર્ટના પહેલા માળે આવેલા બાર રૂમમાં જવા અન્ય એક એડવોકેટ સાથે દાદરા ચડીને જતા હતા. પહેલા માળે પહોંચતા ફોન કરવા શર્ટના ખિસ્સામાં રાખેલો અડધા લાખની કિંમતનો મોબાઇલ કાઢવા જતા મોબાઇલ ખિસ્સામાં હતો નહિ.

આમ કોઇ ભીડનો લાભ લઇ પોતાના ખિસ્સામાંથી મોબાઇલ તફડાવી જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સરકારી કચેરીઓ પણ જાણે સુરક્ષિત ન હોય તેમ કોર્ટ સંકુલમાં ગઠિયો કળા કરી જતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.