બાલાસિનોર બસ સ્ટેશન માં 10 દિવસથી પાણી ન આવતા મુસાફરો અને ડ્રાઇવર કંડક્ટરો પરેશાન - At This Time

બાલાસિનોર બસ સ્ટેશન માં 10 દિવસથી પાણી ન આવતા મુસાફરો અને ડ્રાઇવર કંડક્ટરો પરેશાન


• રાત્રી રોકાણ કરતા કંડકટર- ડ્રાઇવરોને આપદા

બાલાસિનોર સ્થિત એસ.ટી. ડેપોમાં પીવાના પાણી સહિત શૌચાલયમાં છેલ્લા દસ દિવસથી પાણી ન આવતા અવર જવર કરતા મુસાફરોને હાલાકી વેઠવાની વારી આવી હતી. મુસાફરી કરતા વિદ્યાર્થીઓ તથા અન્ય લોકો તરસ છીપાવવા પાણી ભરવા આવતા પાણી ન મળતા વિલા મોઢે પરત ફરવાની સ્થિતિ ઉભી થઇ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર એસ.ટી ડેપો એક વર્ષ અગાઉ લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવ્યું હતું. આ ડેપોમાં દિવસ દરમ્યાન 350 બસોની અવરજવર રહેતી હોય છે.
જ્યારે 3 થી 5 હજાર મુસાફરો અવર- જવર કરતા હોય છે. અને 500 જેટલા કંડકટર અને ડ્રાઇવર ડેપોમાં પ્રતિદિન આવતા હોય છે. જેમાં ડ્રાઈવર-કંડક્ટરને રાત્રી રૂટ અને સવારના વહેલા રૂટ માટે રાત્રી રોકાણ પણ કરતા હોય છે. ત્યારે છેલ્લા દસ દિવસથી પીવાના પાણી સહિત શૌચાલયમાં પાણી ન હોવાથી સમગ્ર લોકોને મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે.

આ બાબતે તાલુકામાંથી બીજી જગ્યાએ ભણવા જતા વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગને પાણી ન હોવાને કારણે પરેશાન થવાનો વારો આવ્યો હતો. ત્યારે મુસાફરો દ્વારા તાત્કાલિક ધોરણે પાણીની સુવિધાઓ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. ઉપરાંત આ સમસ્યા અંગે ડેપો સંચાલકને પૂછતા મોટર બંધ હોવાનું રટણ કરવામાં આવતું હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.