શ્રી બાલ સંસ્કાર મંદિર વિદ્યાલય ડોળીયા ખાતે "માવતર વંદના કાર્યક્રમ" ની ઉજવણી કરવામાં આવી - At This Time

શ્રી બાલ સંસ્કાર મંદિર વિદ્યાલય ડોળીયા ખાતે “માવતર વંદના કાર્યક્રમ” ની ઉજવણી કરવામાં આવી


ભારતીય સંસ્કૃતિ મુજબ અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુ પૂજન કરી ગુરુ પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવામાં આવે છે. દરેક વ્યકિતના જીવનમાં ગુરુનું એક અતિ મહત્વનું સ્થાન હોય છે, ગુરુના માર્ગદર્શન, જીવનદર્શન, સદબોધ, સદજીવન અને આશિર્વાદના આધારે વ્યક્તિનો વિકાસ થતો હોય છે. દરેક વ્યકિત પોતાના શિક્ષણ ગુરુ, ધર્મ ગુરુ, વ્યવસાય ગુરુ, જીવન ગુરુ પાસેથી જ્ઞાન, સમજણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં માર્ગ મેળવતાં હોય છે જીવનમાં ગુરુની આ મહત્તાને લીધે ગુરુ હંમેશાં પૂજ્ય હોય છે. જીવનના દરેક તબક્કે વ્યક્તિ અલગ અલગ મહાનુભાવો પાસેથી જીવન ઉપયોગી ભાથું મેળવતો હોય છે. જેમાં જન્મથી લઈ અને આજીવન પોતાના માતા પિતાનું અમૂલ્ય પ્રદાન રહેલ હોય છે એ નિર્વિવાદ અને સનાતન સત્ય છે. જેથી માતા પિતા એ સૌથી પહેલાં ગુરુ છે. જેથી ગુરુ પૂનમના દિવસે માતા પિતા પ્રત્યેનો આદરભાવ સૌથી પહેલાં પ્રગટ કરવો જોઈએ.

સાયલા તાલુકાના ડોળીયા ગામે આવેલ શ્રી બાલ સંસ્કાર મંદિર, વિદ્યાલય દ્વારા ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે, વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યોનો વિકાસ થાય અને એક આદર્શ નાગરિક તરીકે રાષ્ટ્રની સેવા કરે એ રીતે શિક્ષણ સાથો સાથ સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. શિક્ષણ કાર્ય સાથો સાથ જીવનલક્ષી મુલ્યોનો વિકાસ થાય એવા સહઅભ્યાસિક કાર્યક્રમોનું નિયમિત રીતે સમયાંતરે આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે અષાઢ સુદ પુનમને (ગુરુ પૂનમ) બુધવાર તા.13/07/2022 ના રોજ શ્રી બાલ સંસ્કાર મંદિર વિદ્યાલય, ડોળીયા દ્વારા "માવતર વંદના" કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જે અંતર્ગત વિદ્યાર્થીઓના માતા પિતાને શાળાએ આમંત્રિત કરવામાં આવેલ. દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. પધારેલ વિદ્યાર્થીઓના માતા પિતાનું સ્વાગત કરી, કુમ કુમ તિલક કર્યા બાદ વિદ્યાર્થીઓએ પોતાના માતાપિતાના પગ ધોઈ પાણી માથે ચડાવી પૂજન કરેલ અને આરતી અને પ્રદક્ષિણા કરેલ. ત્યારબાદ માતા પિતા દ્વારા પોતાના સંતાનો માટે પોતાની જાત ઘસીને કષ્ટો સહન કરીને જે કાળજીપૂર્વકનો ઉછેર કરવામાં આવે છે એનાં માટે ઋણ સ્વિકાર તથા બાળકો પોતાના દ્વારા થતી ભૂલો માટે ક્ષમા યાચના અને ભવિષ્યમાં માતા પિતા પ્રત્યેની જવાબદારી નિભાવવાની પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવેલ હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કૃતિ /પ્રતિભાવ રજૂ કરવામાં આવેલ હતા. સમાપનમાં કાર્યક્રમને સફળ બનાવનાર તથા પધારેલ તમામ આમંત્રિતોની આભાર વિધિ કરવામાં આવેલ અને અલ્પાહાર બાદ કાર્યક્રમ પૂર્ણ ઘોષિત કરવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમ ખુબ જ રસપ્રદ અને ભાવપૂર્ણ રહેલ હતો. વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાઓએ ગર્વ અને સન્માનની લાગણી અનુભવેલ અને લાગણીસભર દ્રશ્યો પણ જોવાં મળેલ હતાં. પધારેલ તમામે આ કાર્યક્રમ માટે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી અને શ્રી બાલ સંસ્કાર મંદિર વિદ્યાલય, પ્રાથમિક શાળા, ડોળીયાના આ સ્તુત્ય પ્રયાસને ખુબ જ બિરદાવેલ હતો અને પોતાના બાળકોને આવા સુંદર માહોલમાં શિક્ષણ મેળવતા જોઈને આનંદ અને સંતોષ વ્યક્ત કરેલ હતો.
આંમ શાળા દ્વારા ગુરુ પુનમની સાચા અર્થમાં ઉજવણી ચરિતાર્થ થતી જોવાં મળી હતી. જેનાથી વિદ્યાર્થીઓ, માતા પિતા તથા નાગરિકોને વિશેષ પ્રેરણા મળેલ હતી.
"માવતર વંદના" કાર્યક્રમમાં શ્રી રતનગીરી બાપુ (ગુરુ) ડોળીયાવાળાની ખાસ પ્રેરણાદાયિ ઉપસ્થિતિ ઉર્જાવર્ધક રહી હતી.
*"માવતર વંદના" કાર્યક્રમને સફળ બનાવવા મનસુખભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ પરમાર અજયભાઈ, સણોથરા ખમમાબેન, મકવાણા નીરલ બેન, ઊઘરેજા સુમિત્રાબેન, મકવાણા નીલમબેન, મકવાણા અનિતા બેન, કટોસણા રાજેશભાઈ તથા શાળાના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવેલ હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon