World Social Media Day : સોશિયલ મીડિયાની આદતથી યુવાનોમાં ચિંતા-હતાશાનું પ્રમાણ વધ્યું - At This Time

World Social Media Day : સોશિયલ મીડિયાની આદતથી યુવાનોમાં ચિંતા-હતાશાનું પ્રમાણ વધ્યું


- સોશિયલ મીડિયા ઉપર સાયબર બુલિંગ અને ટ્રોલિંગથી બાળકના માનસિક સ્વાસ્થ્યને નુકશાન થાય છે : મનોચિકિત્સકોઅમદાવાદ, તા. 30 જુન 2022, બુધવારછેલ્લા કેટલાક સમયથી મોટાભાગની દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાના 'સાગર'માં હિલોળે ચઢી છે. આ સ્થિતિમાં કોઇ વ્યક્તિ એમ કહે કે તે સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી તો તેની સામે એવી રીતે જોવામાં આવે છે જાણે તે 'એન્ટિ સોશિયલ' હોય. યુવાનોમાં ચિંતા અને હતાશા જેવી માનસિક આરોગ્ય સંબંધિત બિમારીઓનું એક કારણ સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ છે તેવું મનોવૈજ્ઞાનિકો ના  અભ્યાસમાં સામે આવ્યું છે. આજે  'સોશિયલ મીડિયા ડે ' છે ત્યારે સોશિયલ મીડિયાનો વધતો દુષ્પ્રભાવ ચિંતા નો વિષય છે.એકસમય હતો કે જ્યારે અનેક લોકો સવારે આંખ ઉઘાડતાની સાથે બંને હથેળી સામે જોઇ 'કરાગ્રે વસતે લક્ષ્મી...'ના શ્લોક સાથે દિવસનો પ્રારંભ કરતા. જેની સામે આજે અનેક લોકો આંખ ઉઘાડતા  મોબાઇલમાં વોટ્સ એપ પર આવેલા મેસેજ અને ફેસબૂકમાં પોતાની કેટલી લાઇક્સ વધી તેના પર નજર કરી દિવસની શરૃઆત કરે છે. બહાર નીકળતી વખતે બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડનો,  પતિ તેની પત્નીનો કે માતા-પિતા સંતાનનો હાથ પકડે ન પકડે એ તેના હાથમાં એક પળ માટે પણ મોબાઇલને અળગો કરતો નથી.છેલ્લાં કેટલાંક વર્ષોથી તમામ વયજૂથના લોકોમાં સોશિયલ મીડિયાની આદત વધી રહી છે ત્યારે મનોવૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે લાંબા સમય સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી યુવાનોને એકલતા અનુભવાય છે અને તેમનો આત્મવિશ્વાસ ઘટે છે, જે આખરે ચિંતા અને હતાશા તરફ દોરી જાય છે.વર્લ્ડ સોશિયલ મીડિયા ડે નિમિત્તે  અમદાવાદના ચીફ સાઇકોલોજીસ્ટ પૂજા પુષ્કર્ણાએ કહ્યું  કે, “માત્ર યુવાનો જ નહીં, પરંતુ પુખ્તવયના લોકોમાં પણ સોશિયલ મીડિયાનો વપરાશ વધ્યો છે. મારી પ્રેક્ટટિસમાં મેં 15-45 વર્ષના વયજૂથના લોકોમાં સોશિયલ મીડિયાની આદતના કેસ જોયા છે. સોશિયલ મીડિયાને કારણે વ્યક્તિની ઉંઘ ઘટી જાય છે. સોશિયલ મીડિયાના વધુ પડતાં ઉપયોગથી વ્યક્તિને ઉંઘ આવવામાં વિલંબ થાય છે તથા કામના સ્થળે પુખ્તવયના લોકોનું પર્ફોર્મન્સ પણ નબળું પડે છે.”તેમણે ઉમેર્યું હતું કે, “સોશિયલ મીડિયા ઉપર લાઇક અને વ્યૂની સંખ્યાની સીધી અસર વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ ઉપર થાય છે. વધુ લાઇક અથવા વ્યૂ વ્યક્તિના મૂડ ઉપર સીધી અસર કરે છે. બાળકો અને યુવાનો સોશિયલ મીડિયા ઉપર તેમની લાઇક અને બીજા પાસાઓને અન્યો સાથે તુલના કરતાં થઇ જાય છે. તેના પરિણામે એકલતા અને લોકો પસંદ ન કરતા હોવાનો ડર પેદા થાય છે.”આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર સાયબર બુલિંગથી પણ બાળકોના માનસિક આરોગ્ય ઉપર ગંભીર અસરો પેદા થાય છે. કેટલાંક કેસમાં ઓનલાઇન બુલિંગથી ભય અને ચિંતા વધે છે તથા ઘણીવાર ટીનએજર્સ આત્મહત્યા તરફ પણ દોરાઇ જાય છે, તેમ કેટલાંક મેન્ટલ હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે. જે બાળકોનું બુલિંગ અને ટ્રોલિંગ થાય છે તેમને ઇમેજ અને પ્રતિષ્ઠાની ચિંતા થવાની સાથે-સાથે માતા-પિતાનો સામનો કેવી રીતે કરવો તેની પણ ચિંતા થાય છે, જેના કારણે તેઓ અંતિમ પગલું ભરે છે.સોશિયલ મીડિયા ઉપર હજારો મિત્રો કરતાં વાસ્તવિક જીવનમાં મિત્રો હોવા જરૂરી સોશિયલ મીડિયાને કારણે એકબીજા સાથેની વાતચીતમાં પણ નોંધપાત્ર બદલાવ આવ્યો છે. ઓનલાઇન વિશ્વમાં વ્યક્તિ કમેન્ટ અથવા બટન ક્લિક કરીને તેમના અણગમાને વ્યક્ત કરી શકે છે, પરંતુ આપણે વ્યક્તિગત અસંમતિ માટે સંવાદ કરવાનું પણ શીખવું જોઇએ.જાણકારોના મતે , “સોશિયલ મીડિયા ઉપર જોખમોને ઘટાડવા માટે માતા-પિતાએ તેમના બાળક સાથે સારા સંબંધ વિકસાવવા જોઇએ. માતા-પિતાએ બાળકોને વર્ચ્યુઅલ અને વાસ્તવિક વિશ્વ વચ્ચેના તફાવત અંગે શીખ આપવી જોઇએ. સોશિયલ મીડિયા ઉપર હજારો મિત્રો કરતાં વાસ્તવિક જીવનમાં મિત્રો હોવા જરૂરી છે. માતા-પિતાએ સ્ક્રિન ટાઇમ પણ મર્યાદિત કરીને જરૂરી માર્ગદર્શન આપવું જોઇએ.” ...તો તમે સોશિયલ મીડિયા ના ' ગુલામ ' બની ગયા છોતમને ૩૦-૩૦ મિનિટે સોશિયલ મીડિયાની સાઇટ ચકાસ્યા વિના બેચેની અનુભવતા હોવ, આસપાસ મોજુદ પરિવારના સદસ્યો કે મિત્રો સાથે વાત કરવાને બદલે મોબાઇલમાં જ રચ્યા-પચ્યા રહેતા હોવ, સ્ટેટસ બાદ ઓછી લાઇક્સ મળવાથી લઘુતાગ્રંથી અનુભવતા હોવ, વરસતા વરસાદને આનંદ માણવાને સ્થાને તેનું સ્ટેટસ મારવાનું જ યાદ આવતું હોય, કોઇ સરસ સ્થળે ગયા બાદ તેને પૂરો માણવાને સ્થાને સેલ્ફી લેવાનું જ યાદ આવતું હોય તો તમે સોશિયલ મીડિયાના ગુલામ બની ગયા છો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon