ભારત આવતા પહેલા હસીના સાથે શું-શું થયું?:ત્રણેય સેનાના વડા રાજીનામું લેવા પહોંચ્યા હતા, પાછળના દરવાજેથી ઘર છોડીને ભાગ્યા, જાણો 24 કલાકની કહાની - At This Time

ભારત આવતા પહેલા હસીના સાથે શું-શું થયું?:ત્રણેય સેનાના વડા રાજીનામું લેવા પહોંચ્યા હતા, પાછળના દરવાજેથી ઘર છોડીને ભાગ્યા, જાણો 24 કલાકની કહાની


તારીખ- 5 ઓગસ્ટ 2024, બાંગ્લાદેશમાં શેખ હસીના સામેનો વિરોધ હિંસક બની ગયો હતો. એક દિવસ પહેલા જ પોલીસ સાથેની અથડામણમાં કુલ 100 લોકોના મોત થયા હતા. આ દરમિયાન, ઢાકાથી 1826 કિલોમીટર દૂર ભારતની રાજધાની દિલ્હીમાં 2 અરજીઓ મોકલવામાં આવી હતી. પ્રથમ અરજીમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને થોડા સમય માટે ભારત આવવાની મંજૂરી આપવા બાબતે વિનંતી કરવામાં આવી હતી. ત્યારપછી તરત જ મોકલવામાં આવેલી બીજી અરજીમાં, બાંગ્લાદેશના અધિકારીઓ ભારતમાં પ્રવેશવા માટે લશ્કરી વિમાનો માટે મંજૂરી માંગે છે. આ બાબતે મંજુરી મળ્યા બાદ શેખ હસીનાનું પ્લેન સાંજે દિલ્હી ઉતરે છે. હસીના ભારત પહોંચતા પહેલા બાંગ્લાદેશમાં શું થયું? 15 વર્ષ સુધી સત્તામાં રહેલી શેખ હસીના રાજીનામું આપીને છાનામાના ભારત કેવી રીતે આવ્યા, 24 કલાકની કહાની... ત્રણેય સેનાના વડા બાંગ્લાદેશના પીએમના નિવાસસ્થાને પહોંચ્યા હતા...
5 ઓગસ્ટની સવારે પ્રદર્શનકારીઓ બાંગ્લાદેશની રસ્તા પર ભેગા થયા હતા. તેઓ કોઈપણ ભોગે વડાપ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હટાવવા માટે બાંગ્લાદેશના પીએમ આવાસ તરફ કૂચ કરી રહ્યા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, દેશમાં ડહોંળાતા વાતાવરણને જોઈને ત્રણેય સેનાના વડા અને પોલીસ વડા શેખ હસીનાને મળવા માટે પીએમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ સમયે તેમની બહેન શેખ રેહાના પણ ત્યાં હાજર હતી. હસીનાએ સુરક્ષા દળોના વડાને કોઈપણ ભોગે દેખાવકારોને રોકવાનો આદેશ આપ્યો હતો. જો કે, તેમણે તેને અશક્ય ગણાવ્યું હતું. આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને કહ્યું કે દેશભરમાંથી લોકો ઢાકા પહોંચી રહ્યા છે. કેટલાક લોકો વડાપ્રધાનના આવાસની નજીક પહોંચી ગયા છે. હવે વડાપ્રધાનને બચાવવાનો એકમાત્ર રસ્તો લોકોને મારવામાં આવે, નહીં તો નરસંહાર કરવો પડશે. તે પછી પણ આંદોલનકારીઓ કાબૂમાં આવશે તેની કોઈ ખાતરી નથી. સેના પ્રમુખોની ચિંતાને જોઈને રેહાનાએ હસીના સાથે ખાનગીમાં વાત કરવાનું કહ્યું. 20 મિનિટ પછી જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે હસીના મૌન હતા. જો કે, તે હજુ પણ વિરોધીઓને કાબૂમાં રાખવા પર મક્કમ હતા. આખરે આર્મી ચીફ જનરલ વોકર-ઉઝ-ઝમાને અમેરિકામાં રહેતા હસીનાના પુત્ર વાજેદ જોયને ફોન કર્યો. આર્મી ચીફે વાજેદને હસીનાને મનાવવા કહ્યું. તેમણે ફોન વડાપ્રધાનને આપ્યો. આ પછી હસીના થોડી મિનિટો સુધી મૌન રહ્યા. તેઓ પુત્રની વાત સાંભળી રહ્યા હતા. અંતે તેમણે માથું હલાવીને 'હા' પાડીને ફોન મૂકી દીધો. હસીના તેના પુત્રના આગ્રહ પર બાંગ્લાદેશ છોડવા માટે સંમત થયા હતા, જો કે તે આમ કરવા માંગતા ન હતા. બાંગ્લાદેશ છોડવા માટે માત્ર 1 કલાકનો સમય છે
દેશમાં ભડકે બળતી સ્થિતિ જોઈને આર્મી ચીફે અંદાજ લગાવ્યો કે હસીનાને બાંગ્લાદેશ છોડવા માટે 1 કલાકથી પણ ઓછો સમય છે. બપોરે લગભગ 1 વાગે હસીના તેની બહેન સાથે તેના ક્વાર્ટરમાંથી નીચે આવ્યા હતા. રેહાનાના હાથમાં એક મોટી ફોટો ફ્રેમ હતી. બાંગ્લાદેશના અધિકારીઓ તેમના જતા પહેલા હસીનાના રાષ્ટ્રને અંતિમ સંબોધનની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન થોડી મૂંઝવણ હતી. લાઈવ બ્રોડકાસ્ટ કરનારી ટ્રક પીએમના નિવાસ સ્થાનને બદલે આર્મી ચીફના હેડક્વાર્ટરમાં ગઈ હતી. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનનો આ સૌથી મોટો સંકેત હતો. હસીનાના સ્ટાફની હાજરીમાં તેમને વાહનમાં બેસાડીને પીએમ આવાસથી લઈ જવામાં આવ્યા હતા. હસીનાની સુરક્ષા માટે તેમના કાફલામાં લગભગ 12 વાહનો સામેલ હતા. તેમણે આવાસના મુખ્ય દરવાજેથી જવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેમને આવાસના મુખ્ય દરવાજેથી જવામાં સફળતા ન મળી તો તેઓ બીજા માર્ગે પાછળના દરવાજેથી ઘર છોડીને નીકળી ગયા હતા.​​​​​​ જો કે, અહીં પણ વિરોધીઓની ભીડ હાજર હતી. હસીના બખ્તરબંધ વાહનોના કાફલા સાથે એરફિલ્ડ પહોંચ્યા હતા
હસીનાની સુરક્ષા હેઠળ હાજર ટીમે મદદ માટે અપીલ કરી હતી. આ પછી સેનાના બખ્તરબંધ વાહનો ત્યાં પહોંચ્યા. ભીડને કોઈક રીતે અટકાવવામાં આવી અને હસીનાને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા. તેમને સીધા જ હેલિપેડ પર લઈ જવામાં આવ્યા. અહીંથી હસીના અને તેની બહેન હેલિકોપ્ટર મારફતે એરફિલ્ડ પહોંચ્યા. ત્યારબાદ બંનેને મિલિટરી એરક્રાફ્ટમાં બેસાડીને બાંગ્લાદેશની બહાર લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ હસીનાએ દેશ છોડ્યા બાદ આર્મી ચીફ વકારે વિપક્ષ પાર્ટીઓ સાથે ઈમરજન્સી બેઠક યોજી હતી. ત્યારબાદ તેમણે જનતાને સંબોધતા કહ્યું, "શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. અમે વચગાળાની સરકાર બનાવીશું, અમે હવે દેશની કમાન સંભાળીશું. આંદોલનમાં જેમની હત્યા થઈ છે તેમને ન્યાય અપાશે." હસીનાનું C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ 5 ઓગસ્ટે સાંજે લગભગ 6 વાગ્યે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ઉતર્યું હતું. અહીં ભારતના NSA અજીત ડોભાલે તેમનું સ્વાગત કર્યું. હસીના છેલ્લા 2 દિવસથી ભારતમાં છે. તેઓ અહીં કેટલો સમય રહેશે અને ભારત પછી તે ક્યાં જશે તેની માહિતી જાહેર કરવામાં આવી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.