આણંદ એનિમલ હેલ્પલાઇન નં.1962 અબોલ જીવ માટે આશીર્વાદરૂપ
આણંદ એનિમલ હેલ્પલાઇન નં.1962 અબોલ જીવ માટે આશીર્વાદરૂપ છે, અઢી વર્ષમાં 71 હજારથી વધુ પશુઓને મળ્યુ જીવનદાન
આણંદ જિલ્લામાં એનિમલ હેલ્પલાઇન પશુઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. પાળતુ પ્રાણીઓ હોય કે રસ્તે રખડતા પશુઓ હોય આણંદ એનિમલ હેલ્પલાઇનને ફોનકોલ આવે એટલે એમબ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી પશુની સારવાર કરી આવે છે. આ સેવા શરૂ થતા પશુપાલકોને મોટી મદદ મળી રહી છે તેમજ જાહેર માર્ગો અને અંતરિયાળ ગામોમાં રખડતા માલિક વિહોણા પશુઓને પણ યોગ્ય સારવાર મળતાં જીવતદાન મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ એનિમલ હેલ્પલાઇન 1962 અને ફરતા પશુ દવાખાના મારફત પશુઓની સેવાનું ભગીરથ કાર્ય ગુજરાત પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થના સંયુક્ત પ્રયાસે આણંદ જિલ્લામાં અઢી વર્ષ પૂર્વે આરંભાયુ હતું. જે અન્વયે આણંદ જિલ્લામાં આણંદ તાલુકાના મોગર અને નાપાડ(તળપદ) ખાતે, આંકલાવ તાલુકાના બામણગામ ખાતે, ઉમરેઠ તાલુકાના પણસોરા ખાતે, ખંભાત ખાતે રાલજ અને જીણજ ખાતે જ્યારે પેટલાદના પાલજ ખાતે કાર્યરત સાતેય ફરતા પશુ દવાખાના દ્વારા અત્યાર સુધીમાં કુલ 71,963 પશુઓની સારવાર કરી ખરા અર્થમાં જિલ્લાના પશુધન અને પશુધનના માલિકો માટે વરદાન સાબિત થઈ રહ્યા છે.
આણંદના મોગર ખાતે આવેલ ફરતા પશુ દવાખાને તાજેતરમાં ડો.મયુર પટેલ અને પાયલોટ વિશાલભાઈ ચૌહાણ ઓનડ્યૂટી સ્ટાફ તરીકે ફરજ ઉપર હાજર હતા. તેજ સમયે વડોદ ગામના પશુપાલક પરેશભાઇએ એનિમલ હેલ્પલાઇન નં.1962 પર ઇમરજન્સી ફોનકોલ કરી તેમની બકરીની માટી ખસી ગઈ છે તેમ જણાવી બકરીની તાત્કાલિક સારવાર માટે આવવા જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફરજ પર હાજર એમ.વી.ડી(મોબાઇલ વેટરીનરી ડિસપેન્સરી) ટીમ તાત્કાલિક ધોરણે વડોદ મૂકામે પહોંચી ગઈ હતી.
મહત્વનું છે કે, એમ.વી.ડી ટીમના ડોક્ટરે વડોદ ખાતે પશુપાલકને ઘરે પહોંચી બકરીની સ્થિતીનું ત્વરિત નિદાન કરી 2 કલાકની મહેનત અને યોગ્ય સારવાર આપી બકરીની ખસી ગયેલ માટીને યોગ્ય રીતે બેસાડ્યા બાદ જરૂરી એન્ટિબાયોટીક ઈન્જેક્શન લગાવી બકરીનો જીવ બચાવી લીધો હતો. આક્સ્મિક સંજોગોમાં એનિમલ હેલ્પલાઈન નં.1962 પર કરેલા એક ફોનકોલથી બકરીને જરૂરી સારવાર સમયસર મળી રહેતા અબોલ જીવને જીવતદાન મળ્યુ હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.