મંગલ પાંડે: એક વિદ્વોહ જેણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના પાયા હચમચાવી દીધા

મંગલ પાંડે: એક વિદ્વોહ જેણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના પાયા હચમચાવી દીધા


બ્રિટિશકાળમાં ભારતમાં 1857ના સૈનિક બળવાના નાયક મંગલ પાંડેની આજે મૃત્યુતિથિ છે.

મંગલ પાંડેને 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવામાં આવી હતી. સ્થાનિક જલ્લાદોએ મંગલ પાંડેને ફાંસી આપવાનો ઇનકાર કર્યો હતો અને એ પછી કોલકાતાથી ચાર જલ્લાદોને બોલાવી મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી હતી.

જોકે, એ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે 19 જુલાઈ 1827ના રોજ જન્મેલા મંગલ પાંડેએ ફાંસીના કેટલાય દિવસો અગાઉ પોતાનો જ જીવ લેવાની કોશિશ કરી હતી અને એમાં તેઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા.

કહાણી 29 માર્ચ 1857ની

વર્ષ 1857ના માર્ચ મહિનાની 29 તારીખ હતી. મંગલ પાંડે 34મી બંગાળ નેટિવ ઇન્ફેન્ટરી બટાલિયન સાથે બૈરકપુરમાં તહેનાત હતા. એ વખતે સિપાહીઓમાં જબરદસ્તી ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા હોવા સહિતની અનેક અફવાઓ ફેલાઈ રહી હતી.

આમાં એક અફવા એ પણ હતી કે ખૂબ મોટી સંખ્યામાં યુરોપિયન સૈનિકો હિંદુસ્તાની સૈનિકોને મારવા માટે આવી રહ્યા છે.

ઇતિહાસકાર કિમ એ વૅગનરે એમના પુસ્તક 'ધ ગ્રૅટ ફિયર ઑફ 1857 - રુમર્સ, કૉન્સ્પિરસી ઍન્ડ મેકિંગ ઑફ ધ ઇન્ડિયન અપરાઇઝિંગ'માં માર્ચ 29ના ઘટનાક્રમનું વિગતવાર વર્ણન કર્યું છે.

વૅગનર લખે છે, "સિપાહીઓનાં મનમાં બેસી ગયેલા ડરને જાણીને મેજર જનરલ જેબી હિઅરસીએ યુરોપિયન સૈનિકો હિંદુસ્તાની સૈનિકો પર હુમલો કરશે, એ વાતને અફવા ગણાવી દીધી, પણ એ સંભવ છે કે હિઅરસીએ સિપાહીઓ સુધી પહોંચેલી આ અફવાની પુષ્ટિ કરીને સ્થિતિને બગાડી દીધી. મેજર જનરલના આ ભાષણથી આતંકિત થનારાઓમાં 34મી બંગાળ નેટિવ ઇન્ફેન્ટરીના મંગલ પાંડે પણ હતા.

મંગલ પાંડે 29 માર્ચની સાંજે ચાર વાગ્યે પોતાના તંબૂમાં બંદૂક સાફ કરી રહ્યા હતા.

વૅગનર લખે છે કે "સાંજના ચાર વાગ્યા હતા. મંગલ પાંડે તંબૂમાં બંદૂક સાફ કરી રહ્યા હતા. થોડી વાર પછી એમને યુરોપિયન સૈનિકો વિશે ખબર પડી. સિપાહીઓ વચ્ચેની બેચેની અને ભાંગના નશાથી પ્રભાવિત મંગલ પાંડેને ગભરામણે જકડી લીધા. પોતાની અધિકૃત જૅકેટ, ટોપી અને ધોતી પહેરેલા મંગલ પાંડે તલવાર અને બંદૂક લઈને ક્વાર્ટર ગાર્ડ બિલ્ડિંગના નજીક પરેડ ગ્રાઉન્ડ તરફ ભાગ્યા."

બ્રિટનના ઇતિહાસકાર રોઝી લિલવેલન જોન્સે પોતાના પુસ્તક "ધ ગ્રૅટ અપરાઇઝિંગ ઇન ઇન્ડિયા, 1857-58 અનટોલ્ડ સ્ટોરીઝ, ઇન્ડિયન ઍન્ડ બ્રિટિશમાં મંગલ પાંડેના બે બ્રિટિશ સૈન્ય અધિકારીઓ પરના હુમલાની ઘટનાનું વર્ણન કરે છે.

જોન્સ લખે છે, "તલવાર અને પોતાની બંદૂક સાથે મંગલ પાંડેએ ક્વાર્ટર ગાર્ડ(બિલ્ડિંગ)ની સામે ફરતી પોતાની રેજિમૅન્ટને ભડકાવવાનું શરૂ કર્યું. તે રેજિમૅન્ટના સૈનિકોને યુરોપીય સૈનિકોને ખતમ કરવાની વાત કહીને ભડકાવી રહ્યા હતા. સાર્જન્ટ મેજર જેમ્સ હ્વીસન આ બધા વિશે જાણવા માટે જ ચાલતા બહાર નીકળ્યા અને આ આખી ઘટનાના ગવાહ હવલદાર શેખ પલ્ટૂના કહેવા પ્રમાણે પાંડેએ હ્વીસન પર ગોળી ચલાવી, પરંતુ આ ગોળી હ્વીસનને ન વાગી."


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »