આજે વહેલી સવારથી જ ડભોઇ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો - દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vsx5kqvpko7rdo1a/" left="-10"]

આજે વહેલી સવારથી જ ડભોઇ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો – દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી


રિપોર્ટ :- નિમેષ સોની, ડભોઈ

ગઈકાલે જ નગરપાલિકાના ચિફ ઓફિસરની સીધી સૂચનાથી દબાણો દૂર કરવા માટે એક ટીમની રચના કરવામાં આવી હતી. ટીમનાં ઈનચાર્જ તરીકે સંજયભાઈ ઈનામદારની નિમણૂંક કરવામાં આવી હતી અને સાથે બીજા બાર જેટલાં કર્મચારીઓને મૂક્યા છે. આ દબાણો હટાવવા માટેની ટીમે આજે વહેલી સવારથી જ પોતાની કડક કાર્યવાહીનો નગરનાં મહુળી ભાગોળ વિસ્તારમાંથી આરંભ કર્યો હતો.

જી.ડી.સી.આર.નો ભંગ કરી બનાવેલાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાનું શરૂ

દબાણકર્તાઓ દ્રારા કરવામાં આવેલાં દબાણો દૂર કરવા પ્રાદેશિક કમિશનર અને જીલ્લા કલેકટર દ્વારા પણ આદેશો કરવામાં આવેલ છે. નગરનાં મહુળી ભાગોળ વિસ્તારમાં આ જ વિસ્તારનાં એક બિલ્ડર દ્રારા બનાવવામાં આવેલ ત્રેવીસ દુકાનો એક સાથે દૂર કરવાનું ટીમ દ્રારા શરૂ કરી દેવામાં આવ્યું છે.

નગરના ગેરકાયદેસર દબાણો દૂર કરાતા અફડાતફડીનો માહોલ

નગરનાં મહુળી ભાગોળ વિસ્તારમાં એક બિલ્ડર દ્વારા પ્રવર્તમાન નીતિ નિયમોને બાજુએ મૂકી બનાવવામાં આવેલ એક શોપિંગ સેન્ટરની એક સાથે ત્રેવીસ જેટલી દુકાનો તોડવાનું પાલિકાની ટીમ દ્વારા શરૂ કરવામાં આવતાં વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કેટલાક નાગરિકો પાલિકા તંત્રની આ કામગીરીની પ્રશંસા પણ કરતાં જોવા મળ્યા હતાં અને આશા રાખી રહયાં હતાં કે, ડભોઈ નગરમાંથી આવાં તમામ ગેરકાયદેસરના બાંધકામો અને દબાણો દૂર થશે તો ડભોઈ નગરને પુનઃ દર્ભાવતિ નગરી તરીકે આગવી ઓળખ પ્રાપ્ત થશે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ

ડભોઈ નગરપાલિકા તંત્ર દ્વારા આ ગેરકાયદેસરના બાંધકામો દૂર કરવા માટેની કામગીરી સમયે કોઈ અનિચ્છનીય બનાવ બને નહિ તેની તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી રહી છે. આ દબાણો અને બાંધકામો હટાવવાની કામગીરી આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેવાની છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળી રહયું છે. આ દબાણ હટાવવાની કામગીરી સમયે વહેલી સવારથી જ ટીમ સાથે સ્થળ ઉપર પાલિકાનાં ચીફ ઓફિસર જય કિશન તડવી પણ જોવા મળ્યાં હતાં અને ટીમને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. ચૂંટાયેલા સભ્યોમાથી મોટાભાગના નેતાઓએ આ કામગીરીના સ્થળે આવવાનું ટાળી દીધું હોવાનું જોવા મળ્યું હતું. એક માત્ર બિરેન શાહ વહેલી સવારથી જ કામગીરીના સ્થળે જોવા મળ્યા હતાં.

ડભોઇ નગરના મુખ્ય માર્ગો પણ આડેધડ થતાં ગેરકાયદેસર બાંધકામ - દબાણો

ડભોઈ નગરનાં મુખ્ય માર્ગો ઉપર છેલ્લાં કેટલાય સમયથી ગેરકાયદેસર રીતે આડેધડ દબાણો અને બાંધકામો થતાં હોવાની ફરિયાદો પાલિકા તંત્ર સુધી જાગૃત નાગરિકો દ્રારા કરવામાં આવી હતી. હવે પાલિકાનું તંત્ર આજથી આ દબાણો અને બાંધકામો દૂર કરવા કામે લાગી ગયું છે. હવે જોવું રહયું કે નગરનાં તમામ ગેરકાયદેસરના બાંધકામો અને દબાણો દૂર થાય છે કે, પછી અમુક જ કામગીરી કરી તંત્ર અટકી જાય છે, એ તો આવનાર સમય જ બતાવશે.

નગરમાં ટ્રાફિકનો મોટો પ્રશ્ન

ડભોઈ નગરનાં સાંકળા માર્ગોને કારણે અંદરનાં કોટ વિસ્તારમાં કાયમ માટે ટ્રાફિકનું ભારણ રહે છે અને નગરજનોને ભારે મુશ્કેલી પડી રહી છે. જો આ માર્ગો ઉપરનાં દબાણો અને ગેરકાયદેસરના બાંધકામો દૂર કરાય તો નગરજનોને મોટી રાહત થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે હવે જોવું રહયું કે પાલિકા તંત્ર કેટલા દબાણો અને ગેરકાયદેસરના બાંધકામો દૂર કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]