ભારતના પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રી બાઈ ફૂલે નો ઇતિહાસ આવો જાણીએ - At This Time

ભારતના પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રી બાઈ ફૂલે નો ઇતિહાસ આવો જાણીએ


*અણ ઉકેલ્યો ઇતિહાસ*
________________________
--------------------------------------

રાજેશ સોલંકી
(લેખક,ચિંતક,ઈતિહાસવિદ)

*શિક્ષક દિવસ અને ભારતના પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફુલેનો ઇતિહાસ*

*વિધા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઇ, નીતિ વિના સંપતિ ગઈ અને શૂદ્ર થયો નાસીપાસ - જ્યોતિરાવ ફૂલે*

ઓગણીસમી સદીમાં એક તરફ અંગ્રેજોની ગુલામી હતી તો બીજી તરફ સંસ્કૃતિના નામે સ્ત્રી શોષણ અને શિક્ષણ ઉપર પ્રતિબંધ....જયારે મહાત્મા ગાંધીજી જન્મ્યા પણ નહોતા એ સમયે એક ક્રાંતિકારી મહિલાએ ભારતમાં જન્મ લીધો અને ભારતમાં એક નૂતન સામાજિક અને રાષ્ટ્રીય ક્રાંતિની શરૂઆત કરી. અંગ્રેજો અને ૫૬૨ રજવાડાઓ ભારતને છિન્ન ભિન્ન કરી રહ્યા હતા તો બીજી તરફ આ સમયે ભારતમાં સામાજિક ધાર્મિક સુધરકો અને સંસ્થાઓ કાર્યરત બની ગઇ હતી. બ્રહ્મ સમાજ, આર્ય સમાજ તેમજ સત્ય શોધક સમાજ અને મિશનરીઓ ભારતમાં શિક્ષણ અને સામાજિક અને ધાર્મિક ક્રાંતિનું કાર્ય કરી રહી હતી. આ સમયે જયારે સ્ત્રીઓને સમાજમાં કોઈ દરજ્જો કે સ્થાન એક વસ્તુ સમાન હતુ ત્યારે સામાજિક ક્રાંતિ અને શિક્ષણની કામગીરી કરવી એ ખૂબ જ કઠિન બાબત હતી. એક ટીપા મધથી સમગ્ર સમુદ્રને મીઠો કરવાની વાત હતી. શાસનમાં અંગ્રેજોની ગુલામી અને સ્ત્રીઓની સામાજિક અને ધાર્મિક ગુલામી તોડવા માટે અનેક મહાન સમાજ સુધરકોએ કાર્ય કર્યુ અને ભારતને ગૌરવ અપાવ્યુ તેવા એક નારી રત્ન એટલે સાવિત્રીબાઇ ફૂલે. ભારતીય સમાજમાં સમાજ સુધારક અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર શિક્ષણવિદ્ અને કવયિત્રી હતા. તેમને ભારતના પ્રથમ મહિલા શિક્ષક માનવામાં આવે છે તેમજ તેમણે ગુલામીની દશામાં સામાજિક દાસીત સમાજની સ્ત્રીઓને કન્યાઓને કેળવણી આપીને ક્રાંતિ સર્જી હતી. તેઓના જીવન કવન વિશે જાણ્યા પૂર્વે આપણે તેમની સામાજિક ક્રાંતિની સફરનો ઇતિહાસ જાણીએ તો તેમણે એ સમયે શિક્ષકની તાલીમ લઈને શિક્ષક બન્યા એટલુ જ નહિ પણ તેમણે શિક્ષકની તાલીમ પૂર્ણ કર્યા પછી કોઈ નોકરી કે રોજગારી અર્થે ટયુશન કે સ્કૂલ જોઇન કરી નહિ પણ સવિત્રીબાઈએ પુણેના મહારવાડામાં કન્યાઓને ભણાવવાનું શરૂ કર્યું. આ એ સમયે ઓગણીસમી સદીનું સૌથી ક્રાંતિકારી પગલુ હતુ. તેમણે ૧ લી મે ૧૮૪૭ એટલે કે આજથી ૧૭૫ વર્ષ પહેલા એક શાળા શરૂ કરવી એ પણ કન્યાશાળા અને એ પણ અછૂત વિસ્તારમાં આ ક્રાંતિકારી પગલુ વંદનીય હતુ. હમણા જ ભારતની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા અને આઝાદીના ૧૦૦ વર્ષ પહેલા સાવિત્રીબાઇ ફૂલેએ ના. તેમણે જ્યોતિરાવના માર્ગદર્શક અને સલાહકાર સગુણાબાઈની સાથે મળીને આ કાર્યની શરૂઆત કરી. બાદમાં ફુલે દંપતી અને સગુણબાઈએ મળીને ભીડેવાડામાં એક કન્યાશાળાની સ્થાપના કરી. ઓગણીસમી સદીના ઉતરાર્ધ સુધીમાં જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ત્રણ કન્યાશાળાઓ ચલાવી રહ્યા હતા. સંયુક્ત રીતે ત્રણે શાળામાં કુલ મળીને સો થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. આ શાળાઓનો અભ્યાસક્રમ અને શિક્ષણપદ્ધતિ સરકારી શાળાથી અલગ હતી તેમજ અદભૂત હતી. એ જ પ્રમાણે સરકારી શાળામાંથી શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતા સાવિત્રીબાઇ ફુલેની શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનીઓની સંખ્યા પણ વધુ હતી તેમ ઇતિહાસ કહે છે. સાવિત્રીબાઇ ફુલે અને જયોતિરાવ ફૂલેના શિક્ષણકાર્ય અને સેવાકાર્યને પરંપરાગત સ્થાપિત હિતોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઓગણીસમી સદીના ઉતરાર્ધ સુધીમાં તો તેમણે પોતાના પરિવારમાથી પણ નિષ્કાસિત કરી દીધા હતા કેમકે પરંપરાઓ અનુસાર શૂદ્રો શિક્ષણ ના લઇ શકે ના આપી શકે.......અનિષ્ઠ પરંપરાઓને તોડવા જતા તેમનો પરિવાર તૂટી ગયો હતો. ઓગણીસમી સદીના પૂર્વાધ સુધીમાં સાવિત્રીબાઈ અને જ્યોતિરાવ ફૂલે દ્વારા બે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપના કરવામા આવી હતી. જ્યોતિરાવના સહયોગથી તેમણે અલગ - અલગ જાતિ સમુદાયના બાળકોના અભ્યાસ માટે ૧૮ જેટલી શાળાઓ શરૂ કરી હતી. સ્ત્રી અત્યાચાર બાબતે પણ તેમણે જાગૃતિનું કાર્ય કર્યુ હતું. સ્ત્રી અત્યાચાર અને અધિકાર અને એજ્યુકેશનના ક્ષેત્રમાં ક્રાંતિકાર્ય કર્યું હતું. ફુલે દંપતીએ ૧૮૪૮માં પુણેના ભીડેવાડામાં પહેલી ભારતીય કન્યા શાળાની સ્થાપના કરી હતી.તેઓ એ યુગના સમાજ સુધારક મહિલા છે જ્યારે ગાંધીજીનો જન્મ પણ નહોતા થયો. સમાજના કેટલાક પરિવર્તન અને પ્રગતિ વિરુધ ના તત્વોએ તેમને અપમાનિત કર્યા હતા.... માન અપમાનને ગળી જઈને અનુ.તેમજ પછાત સમાજની દીકરીઓને શિક્ષાનો અધિકાર આપવાનું નક્કી કરનાર મહિલા સાવિત્રીબાઈ ફૂલેને આજે શિક્ષક દિવસ નિમિતે કોટિ કોટિ વંદન. આટલા ક્રાંતિકારી મહિલા તેમના શિક્ષણ વિશે જોઇએ તો લગ્ન સમયે સાવિત્રીબાઈ શિક્ષિત નહોતા કારણ કે ભારતમાં રૂઢવાદી સમૂહ નિમ્ન જાતિના લોકો અને સ્ત્રીઓ માટે શિક્ષિણની મનાઈ ફરમાવી હતી. તે કાયદા અનુસાર તેમણે શિક્ષણ મળ્યુ નહિ તેમના લગ્ન થયા બાદ તેમણે શિક્ષણ મેળવ્યુ તેમના પતિ જ્યોતિરાવ પણ પોતાની નિમ્ન જાતિના કારણે અસ્થાયી રૂપથી શિક્ષણ છોડવા બાધ્ય થયા હતા પરંતુ આખરે તેઓ સ્કોટલેન્ડની એક મિશિનરી શાળામાં પ્રવેશ મેળવવામાં સફળ થયા હતા જ્યાં તેમણે સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. જેને પ્રાથમિક અભ્યાસ કહેવામાં આવે છે. કહેવાય છે કે જ્યોતિરાવે સવિત્રીબાઈને ઘરે જ ભણાવ્યા હતા. તેમના જ્યોતિરાવ સાથેના પ્રાથમિક શિક્ષણ બાદ આગળની જવાબદારી તેમના મિત્રો સખારામ યશવંત પરાંજપે અને કેશવ શિવરામ ભાવલકરની હતી. તેમણે બે શિક્ષક પ્રશિક્ષણ અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ મેળવ્યો. પ્રથમ તેમણે અહમદનગર સ્થિત અમેરિકી મિશિનરી સિંથિયા ફર્રાર દ્વારા સંચાલિત સંસ્થામાં પ્રવેશ મેળવ્યો. ઉપરાંત પુણેની નોર્મલ સ્કૂલમાં પણ તાલીમ મેળવી હતી...આ તાલીમના આધારે તેમને ભારતના પ્રથમ મહિલા શિક્ષક માનવામાં આવે છે. જેમને ભણવાનો અધિકાર નહોતો તે મહિલાએ શિક્ષણ લઈને અન્યને ભણાવ્યા આ બાબતથી મોટી કોઈ ક્રાંતિકારી બાબત ના હોઈ શકે.......!!!!! જેવું તેમનું જીવન મહાન હતુ તેવુ જ તેમનું મૃત્યુ મહાન હતુ. ઓગણીસમી સદીના ઉતરાર્ધના અંતભાગ સુધીમાં રોગચાળાએ ભરડો લિધો અને નાલાસોપારાની આજુબાજુના વિસ્તારોમાં પ્લેગની મહામારી ફેલાતાં સાવિત્રીબાઈ અને તેમના દત્તકપુત્ર યશવંતરાવે અસરગ્રસ્તોની સારવાર માટે એક દવાખાનું શરૂ કર્યુ અને અને પ્લેગની આ મહામારીથી સંક્રમિત એક બાળકની સારવાર કરતાં સાવિત્રીબાઈને આ રોગ લાગુ પડી ગયો અને ૧૦ માર્ચ ૧૮૯૭ના રોજ તેમનું નિધન થઈ ગયું. આ રીતે ભારતના એક મહાન મહિલા સામાજિક સુધારક અને ક્રાંતિકારી શિક્ષકનો જીવનનો અંત આવ્યો પણ તેમના કરેલા કર્મો એ તેમને ભારતીય ઇતિહાસમાં અમર કરી દીધા. ભારતની પહેલી મહિલા શિક્ષક કે જેઓ જ્યારે શાળાએ જતા ત્યારે લોકો તેમની પર છાણ અને પત્થર ફેંકતા હતા તો પણ તેમણે સમાજના છેવાડાના મનુષ્યો સુધી શિક્ષણ પહોંચાડ્યુ હતુ.
ઓગણીસમી સદીમાં સ્ત્રીઓના અધિકારો, અશિક્ષા, અછૂત, અધિકાર, બાળ કે વિધવા વિવાહ જેવી કુરીતિયો અને કુરિવાજ સામે બંડ પોકારી અને ક્રાંતિ કરનાર ભારતની પ્રથમ મહિલા શિક્ષિકાને શિક્ષક દિવસ નિમિતે વંદન......!!!! આજે શિક્ષક દિવસ નિમિતે ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઇ ફુલેને આ ઇતિહાસ લેખ અર્પણ કરી ગૌરવ અનુભવું છું.

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon