14 ડિસેમ્બર:‘રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’, જાણો તેનું મહત્વ અને ઊર્જાની બચત કરવાની સરળ રીતો - At This Time

14 ડિસેમ્બર:‘રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’, જાણો તેનું મહત્વ અને ઊર્જાની બચત કરવાની સરળ રીતો


14 ડિસેમ્બર:‘રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’, જાણો તેનું મહત્વ અને ઊર્જાની બચત કરવાની સરળ રીતો

પ્રતિવર્ષ 14મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ(National Energy Conservation Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ સંદેશ આપે છે કે, પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરીને આપણે ઉર્જાનાં ખતમ થતાં સ્ત્રોતોનું જતન કરવું જોઈએ. તેનો હેતુ લોકોને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ વિશે જાગૃત કરવા અને ઊર્જા સ્ત્રોતોની બચત માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. ઊર્જા સંરક્ષણ એ બળતણનો વપરાશ ઘટાડી તેનો ભવિષ્યની પેઢી માટે બચત કરવાનો તેમજ ઓછાંમાં ઓછાં ઊર્જા સંસાધનોનો ઉપયોગ કરવાનો સુંદર પ્રયાસ છે.

ઊર્જાનું સંરક્ષણ એ ભવિષ્ય અને વર્તમાન માટે એક મોટી જરૂરિયાત છે. દરેક વ્યક્તિએ ઊર્જા સંરક્ષણને આદત બનાવવી જોઈએ. ઊર્જા સંરક્ષણનાં મહત્વ વિશે જાગૃતિ લાવવા ઉપરાંત, સંસાધનો અને ઊર્જાના મહત્વ વિશે પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. અશ્મિભૂત ઇંધણ, ક્રૂડ તેલ, કોલસો, કુદરતી ગેસ, વીજળી વગેરે પુનઃ અપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત છે કે જેના દ્વારા જીવન વિતાવવું શક્ય નથી. આ ઊર્જા સ્ત્રોતોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૯૧થી ૧૪ ડિસેમ્બરનાં રોજ રાષ્ટ્રીય ઊર્જાસંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે.

ઊર્જાસંરક્ષણના પ્રયાસો સામાન્ય લોકોથી પણ થઈ શકે છે. જેમ કે,
- બળતણ માટે ગાયનાં છાણનો પણ ઉપયોગ કરી શકાય છે.
- પાણીનો વધુ પડતો વેડફાટ ન કરતા જરૂર પડે ત્યાં જ પાણીનો ઉપયોગ કરવો.
- જ્યારે લાઇટ અને ઉપકરણો ઉપયોગમાં ન હોય ત્યારે બંધ કરવા.
- સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરીને સૌર ઊર્જા જેવા ઊર્જાના નવીનીકરણીય સ્ત્રોતો પર નિર્ભર થવું.
- નવા ખરીદવાને બદલે ઈલેક્ટ્રોનિક્સનો શક્ય તેટલો પુનઃઉપયોગ કરવો.
- LED બલ્બ જેવા ઊર્જા કાર્યક્ષમ ઉત્પાદનોનો ઉપયોગ કરવો.
- ટ્રાફિક સિગ્નલ પર રાહ જોતી વખતે વાહનના એન્જિનને બંધ કરવું.

ભારત સરકાર વિવિધ યોજનાઓ અને નીતિઓ દ્વારા સતત ઊર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણના કાર્યને આગળ ધપાવી રહી છે.

સૌર ઉર્જાનાં નવતર સ્વરૂપ સોલર પેનલ્સનાં છે અઢળક ફાયદા
આલેખન: હેમાલી જે. ભટ્ટ
પર્યાવરણનાં જતન અને સંવર્ધન માટે આજે પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધ્યો છે. ત્યારે આજે આપણે વાત કરીએ સૌર ઉર્જાનાં નવતર સ્વરૂપ સોલર પેનલ્સનાં અઢળક ફાયદા વિશે. સોલર પેનલનો સૌથી મોટો ફાયદો એ છે કે એક વાર ખર્ચ કર્યા પછી તમને વીજળીના બિલમાંથી મુક્તિ મળી જાય છે. તેની સાથે જ તે પર્યાવરણ માટે પણ ઘણું જ ફાયદાકારક છે. ઉપરાંત, સોલાર પેનલ્સમાંથી મેળવેલી ઊર્જાને બેટરીમાં સંગ્રહિત કરી શકાય છે અને જ્યારે સૂર્યપ્રકાશ ન હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. સૌર પેનલ્સ સંપૂર્ણપણે સ્વચ્છ ઊર્જાનો એક પ્રકાર પ્રદાન કરે છે. વાતાવરણને બગાડતા અને આબોહવા પરિવર્તન સાથે સહયોગ કરતા પ્રદૂષિત પદાર્થોનું ઉત્સર્જન ઉત્પન્ન થતું નથી. સોલાર પેનલ્સ સરળ-ઇન્સ્ટોલ ટેક્નોલોજીનું પ્રતિનિધિત્વ કરે છે. સોલર પેનલ્સની સાથેસાથે આજે ગ્રામ્ય સ્તરે કૃષિમાં પણ સૌર ઊર્જાનો ઉપયોગ થઇ રહ્યો છે. પિયત અને પીવાના પાણી માટે સોલર ફોટોવોલ્ટિક, કૃષિ પેદાશની સૂકવણી માટે સોલાર ડ્રાયર, જમીનની માવજત હેતુ સોઈલ સોલરાઈઝેશન, શાકભાજી-ફળ પાકોના સંગ્રહ હેતુ સોલાર શીતગૃહ વગેરે. ઉપરાંત સૂર્ય કૂકર, સૌર ફાનસ, સોલાર વોટર હીટર, સૌર શેરી બત્તી, હોમ લાઈટ અને સોલાર પાવર પ્લાન્ટ ગૃહ વપરાશ માટે ઉપયોગી ગણી શકાય. રાજ્ય સરકારશ્રીએ સૌર ઊર્જાનાં ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ‘સોલર પેનલ સ્કીમ’ શરૂ કરી છે. સરકારશ્રીના મતે સૌર ઊર્જા જેવી સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ કરીને આપણે પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડી શકીએ છીએ. સોલર પેનલ સ્કીમ અંતર્ગત વિવિધ પ્રકારના સોલર પ્લાન્ટ માટે સરકારશ્રી દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે. જેનાંથી આપણાં રાજ્યમાં અનેક લોકો લાભાન્વિત થયા છે.

Report, Nikunj Chauhan Botad
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.