પંચમહોત્સવનો ત્રીજો દિવસ,લોકગાયિકાસુશ્રી ઉર્વશી રાદડીયા દ્વારા સંગીત સંધ્યા રજૂ કરાઈ
રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરા શાખા દ્વારા બ્લડ ડોનેટ વાન થકી પ્રચાર કરાયો
આજરોજ તા.૨૮ ડિસેમ્બરના રોજ લોકગાયકશ્રી ધર્મેશ બારોટ અને અભિતા પટેલ દ્વારા સંગીત સંધ્યા રજૂ કરાશે,મુખ્ય કાર્યક્રમ રાત્રે ૮ વાગ્યાથી શરૂ થશે
ગોધરા
પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા "વર્લ્ડ હેરિટેજ સાઇટ" તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.આજ રોજ પંચમહોત્સવના ત્રીજા દિવસે લોકગાયિકાસુશ્રી ઉર્વશી રાદડીયા દ્વારા સંગીત સંધ્યા રજૂ કરી હતી. કાર્યક્રમની શરૂઆત બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ થકી થઈ હતી. શ્રી વિજાનંદ દ્વારા રાવણહથ્થા દ્વારા લોક સંગીત રજૂ કરાયું હતું. સ્થાનિક લોક ગાયકશ્રી કાર્તિક પારેખ અને રુદ્રાક્ષ મ્યુઝિક ગ્રુપ દ્વારા સંગીત રજૂ કરાયું હતું. આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલ ચાર તથા પ્રવાસન વિભાગ દ્વારા નિર્મિત ખુશ્બુ ગુજરાત કી ફિલ્મનું એલઇડી પર નિદર્શન કરાયું હતું. અહીં નોધનીય છે કે સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી પંચમહોત્સવને આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળી છે. પંચમહોત્સવ ખાતે રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરા શાખા દ્વારા બ્લડ ડોનેટ વાન થકી પ્રચાર કરાયો હતો.
આ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પંચમહોત્સવ ખાતે નાગરિકો માટે કરેલ બેઠક વ્યવસ્થામાં જાહેર પ્રતિસાદને માન આપીને પાસમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સાથે આજરોજ તા.૨૮ ડિસેમ્બરના રોજ લોકગાયકશ્રી ધર્મેશ બારોટ અને અભિતા પટેલ દ્વારા સંગીત સંધ્યા રજૂ કરાશે જે મુખ્ય કાર્યક્રમ રાત્રે ૮ વાગ્યાથી શરૂ કરવામાં આવશે.
આ પ્રસંગે હાલોલ ધારાસભ્યશ્રી જયદ્રહસિંહ પરમાર, જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા,પ્રાંત અધિકારીશ્રી હાલોલ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.