બોટાદમાં કલા મહાકુંભ સ્પર્ધાનું ભવ્ય આયોજન: કલારસિકો ૨૩ ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે - At This Time

બોટાદમાં કલા મહાકુંભ સ્પર્ધાનું ભવ્ય આયોજન: કલારસિકો ૨૩ ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે


સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ,
ચિત્રકલા, સુગમ સંગીત, લગ્નગીત, લોકગીત સહિતની અનેક સ્પર્ધાઓ યોજાશે

તા.૫ :ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, બોટાદ દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લાકક્ષાએ આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે ઓફ લાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૨૩ ઓગસ્ટ છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૦ જેટલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ થી શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા,સુગમ સંગીત,લગ્નગીત,લોકગીત/ભજન,તબલા,હાર્મોનિયમ અને નિબંધ અને સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી અને ઓરગન,શાસ્ત્રીય કંઠ્ય સંગીત,તેમજ તેમજ સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન,વાંસળી અને સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો વગેરે કૃતિઓ યોજાશે.
જિલ્લા રમત ગમત અધિકારી કચેરી બોટાદ ખાતે તા.૨૩/૦૮/૨૦૨૨ સુધીમાં સ્પર્ધામાં ભાગ લેવા માટેની એન્ટ્રી મોકલી આપવાની રહેશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને આથી જણાવવામાં આવે છે કે ઝોનકક્ષાએથી ઝોન કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે. જેથી જે તે ઝોનના કલાકારોને પોતાનું અરજીફોર્મ જે તે ઝોનનાં કન્વીનરશ્રીઓને પહોચાડવાનું રહેશે.

બોટાદ જિલ્લાએ તાલુકાકક્ષાની આયોજક સંસ્થામાં બોટાદ તાલુકા –મનુભાઈ જાદવ, આદર્શ વિદ્યાલય, ગઢડા તાલુકા- મનોજભાઈ મિયાંણી- સરદાર પટેલ વિદ્યાલય, ઉગામેડી, બરવાળા તાલુકા- જયપાલસિંહ ઝાલા, સંસ્કાર ભારતી વિદ્યાલય.રાણપુર તાલુકા- ઘનશ્યામભાઈ મેર, કે.ડી. પરમાર વિદ્યાલય આ રીતે તાલુકાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર કલાકાર/સંસ્થાએ જે તે તાલુકામાં પ્રવેશપત્ર આપવાનો રહેશે.

કલા મહાકુંભની વધુ વિગત તેમજ નિયમોની જાણકારી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન,A/S-૧૩,ખસ રોડ, બોટાદથી મેળવી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી સીમાબેન ગાંધીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon