બસની બારીમાંથી ટપોટપ નીચે પડતા લોકો:ચારે તરફ વિખરાયેલા મૃતદેહ, 100 ફૂટ ખાઈમાં ઝાડ પર લટકેલા યુવકે ફોન કર્યો, જણાવી 36 લોકોનાં મોતની દર્દનાક કહાની
મારો ભાઈ વિનોદ પોખરિયાલ બસમાં ડ્રાઇવરની સામેની સીટ પર બેઠો હતો. જ્યારે બસ ખાઈમાં પડી ત્યારે તે 100 ફૂટ નીચે ખાઈમાં પડ્યો અને એક ઝાડ પર લટકી ગયો, જેના કારણે તેનો જીવ બચી ગયો. તે મને મળવા જ રામનગર આવી રહ્યો હતો. સવારે લગભગ 8 વાગ્યે મારા પર તેનો ફોન આવ્યો. વિનોદે ખૂબ જ ગભરાતા અવાજમાં કહ્યું- હું 100 ફૂટ નીચે ખીણમાં લટકેલો છું, મને બચાવી લે પ્લીઝ. આ તમામ વાતો ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં બચી ગયેલાં મુસાફર વિનોદના ભાઈ અરુણ જણાવી રહ્યો છે. અલ્મોડામાં મુસાફરોથી ભરેલી બસ 150 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં 36 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 19 લોકો વિવિધ હોસ્પિટલમાં દાખલ છે. બચાવકાર્યમાં મોડું થયું હતું. ઘાયલોને ઝડપથી સારવાર મળી શકી ન હતી. ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકાર આ બધાને લઈને આરોપોથી ઘેરાયેલી છે. ભાસ્કરની ટીમ અકસ્માતનું કારણ અને સંજોગો સમજવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. એ સમયે બસમાં મુસાફરી કરી રહેલા લોકો પાસેથી આ અકસ્માતની આખી વાર્તા સમજવાનો પ્રયાસ કર્યો. વાંચો સંપૂર્ણ અહેવાલ... બસ રામનગરથી 60 મુસાફરને લઈને રવાના થઈ હતી ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં આવેલા રામનગર જિમ કોર્બેટ પાર્ક માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ રામનગરથી એક રસ્તો જિમ કોર્બેટના જંગલમાંથી પસાર થાય છે અને આગળ મર્ચુલા તરફ જાય છે. રામનગરથી લગભગ 30 કિમી દૂર આવેલા મર્ચુલાથી, એક રસ્તો સીધો પૌરી તરફ જાય છે, જ્યારે બીજો રસ્તો કુમાઉ અને ગઢવાલ પ્રદેશો થઈને ગોલી ખાલ, સરાઈ ખેત તરફ જાય છે. આ રસ્તો ખૂબ જ સાંકડો છે અને એની હાલત ખૂબ જ ખરાબ છે. જિમ કોર્બેટની વચ્ચે હોવાને કારણે અને સિંગલ રોડ હોવાને કારણે આ રોડ પરનો ટ્રાફિક સૂર્યાસ્ત બાદ બંધ કરી દેવામાં આવે છે, આથી આ રોડ સાથે જોડાયેલાં ગામડાંના લોકો પોતાનાં કામકાજ પૂર્ણ કરવા માટે વહેલી સવારે ઘરેથી નીકળી જાય છે. સૂર્યાસ્ત પહેલાં ઘરે પાછા ફરે છે. આ રસ્તા પર સરાઈ ખેત પહેલાં કિનાથ બારથ નામનું ગામ આવેલું છે. આ ગામ પૌડી જિલ્લામાં આવે છે. આ કિનાથ બારથથી ગઢવાલ મોટર્સ યુઝર્સ (GMU) બસ દરરોજ રામનગર સુધી ચાલે છે. સોમવારે પણ આ જ બસ સવારે બરાબર 6.15 વાગ્યે 60થી વધુ મુસાફરો સાથે રામનગર જવા રવાના થઈ હતી. બસમાં સવાર મોટા ભાગના લોકો નજીકનાં ગામોના રહેવાસી હતા. પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે રામનગર ગયા હતા. સોમવારે સવારે 7:30 વાગ્યે, બસ મર્ચુલા પહોંચતાં ત્રણ કિમી પહેલાં કુપ્પી બંધ (અલમોરા જિલ્લાની સરહદમાં) નજીક 150 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. બસમાં મુસાફરી કરનારા લોકોની આપવીતી... 'બસ 150 ફૂટ ખીણમાં પડી' રામનગરની રામદત્ત જોશી સરકારી સંયુક્ત હોસ્પિટલમાં ICUમાં દાખલ કરણે કહ્યું - 'હું પૌરી જિલ્લાના ગોલી ખાલ ગામનો રહેવાસી છું. હું દિલ્હીમાં અભ્યાસ કરું છું અને ત્યાં ડેટા ફીડિંગનું કામ પણ કરું છું. દિવાળીના દિવસે દાદા-દાદી સાથે તહેવાર ઊજવવા ગામમાં આવ્યો હતો. અમે સવારે 6:15 વાગ્યે બસમાં ચડ્યા. બસ ભરચક હતી. એમાં લગભગ 60-70 લોકો સવાર હતા. બસને આગળ વધ્યાને માંડ દોઢ કલાક જેટલો સમય વીતી ગયો હતો. માર્ચુલા પહેલાં કુપ્પી બેન્ડ પરના રસ્તા પરથી એક તીવ્ર યુ-ટર્ન લેવો પડે છે, પરંતુ અમારી બસે અહીં યુ-ટર્ન લીધો નહોતો. બસ એ જ સ્થળે અચાનક ખીણમાં પડી. જાણે બસની નીચે પથ્થર આવી ગયો હોય એવું લાગ્યું. બસની સ્પીડ પણ વધારે હતી. અમે કંઈ સમજીએ એ પહેલાં બસ 150 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ. હું બસની છેલ્લી સીટ પર બેઠો હતો. બસ પહેલા ઝાડમાં ફસાઈ અને પછી નીચે પડી. હું નીચે પડ્યો ત્યાં સુધી ભાનમાં હતો. લોકો બસની બારીઓમાંથી કૂદીને નીચે પડી રહ્યા હતા. બસ પડતાંની સાથે જ લોકો એકબીજા પર પડવા લાગ્યા. કોઈક રીતે હું ત્યાંથી નીકળી ગયો. થોડાં ડગલાં દૂર એક નદી વહી રહી હતી. મેં ત્યાં જઈને બે ઘૂંટ પાણી પીધું અને પછી મારો ચહેરો ધોઈ નાખ્યો. આ પછી હું બેભાન થઈ ગયો. અમે બધા આ સ્થિતિમાં અડધો કલાક ત્યાં રહ્યા. ત્યાર પછી આસપાસનાં ગામના 10-15 છોકરાઓ સ્થળ પર પહોંચ્યા અને અમારી મદદ કરી. અમને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલ્યા. ખીણમાં લટકતા વિનોદે તેના ભાઈને બોલાવ્યો આ બસ દરરોજ રામનગર જતી હતી. બારથ મલ્લા ગામના 8 લોકો પણ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. વિનોદ પોખરિયાલ તેમાંથી એક છે. 48 વર્ષીય વિનોદ પોખરિયાલ પોતાના ગામમાં ખેતી કરે છે. સોમવારે તે તેના ભાઈ અરુણ પોખરિયાલને મળવા રામનગર આવી રહ્યો હતો. અરુણે ભાસ્કરને જણાવ્યું - બસ નીચે ખાઈમાં પડી ત્યાં કોઈ મોબાઈલ ફોન પર સિગ્નલ નહોતું. પરંતુ વિનોદ રસ્તાથી લગભગ 50 ફૂટ નીચે વચ્ચોવચ ઝાડ પર લટકતો હતો. એટલા માટે તેના ફોનમાં સિગ્નલ આવી રહ્યા હતા. જ્યારે તે ઝાડ પર લટકતો હતો ત્યારે તેણે મને બોલાવ્યો. ફોનમાં વાત કરીને મેં તાત્કાલિક મેરક્યુલા પોલીસચોકીને અકસ્માત અંગે જાણ કરી હતી. પોલીસને અકસ્માતની જાણ કરનાર હું પહેલો હતો. આ પછી મેં દેહરાદૂનમાં ડાયલ 108 પર પોસ્ટ કરેલા મારા એક પરિચિતને પણ અકસ્માત વિશે જણાવ્યું. વિનોદ એક કલાક સુધી ઝાડ પર લટકતો રહ્યો રામનગરની રામદત્ત જોશી સરકારી જોઈન્ટ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ વિનોદે કહ્યું - મને ઝાડ પર લટક્યાને લગભગ એક કલાક વીતી ગયો હતો. ભાઈ અરુણને ફોન કર્યાને અડધો કલાક થઈ ગયો હતો, પરંતુ ત્યાં સુધી મદદ અમારા સુધી પહોંચી ન હતી. મને મારો હાથ ગુમાવવાનો ડર હતો. હું સતત હિંમત હારી રહ્યો હતો. અવારનવાર જ્યારે હું 100 ફૂટ ઊંડી ખાઈ તરફ જોતો, ત્યારે મારા રુવાંટાં ઊભાં થઈ જતાં હતાં. નીચે મૃતદેહો અને ઘાયલોનો ઢગલો હતો. બધા ચીસો પાડી રહ્યા હતા, પરંતુ એક કલાક સુધી કોઈએ અમારી નોંધ લીધી નહીં. બાદમાં કેટલાક સ્થાનિક યુવાનો આવી પહોંચ્યા અને દોરડાની મદદથી મને બહાર કાઢ્યો. સીએમ ધામીને રામનગરમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો અકસ્માત બાદ બચાવકાર્યમાં મોડું થવું અને ઘાયલોને સારી સારવાર ન મળવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોમવારે સાંજે લગભગ 5 વાગ્યે જ્યારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી રામનગર હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો. ગુસ્સે ભરાયેલા લોકોએ સીએમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને તેમની કાર આગળ બેસી ગયા. પોલીસે કોઈક રીતે મુખ્યમંત્રીના કાફલાને હોસ્પિટલ પરિસરમાંથી બહાર કાઢ્યો હતો. આ પહેલાં મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં જઈને ઈજાગ્રસ્તોની ખબર પૂછી હતી અને તબીબોને સારી સારવાર માટે સૂચના આપી હતી. મૃત્યુ પામેલા લોકોમાં 6 એકલા બરાથ ગામના હતા અલ્મોડા બસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 36 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 13 ઘાયલ રામનગરની રામદત્ત જોશી સરકારી સંયુક્ત હોસ્પિટલમાં દાખલ છે. આ સિવાય 6 ગંભીર રીતે ઘાયલ લોકોને એરલિફ્ટ કરીને AIIMS ઋષિકેશમાં લઈ જવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોને તેમના સંબંધીઓ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં 6 લોકો એકલા બરાથ ગામના હતા, જ્યાંથી આ બસ દરરોજ ચાલે છે. આ ગામના બે લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઉત્તરાખંડમાં બસ અકસ્માતમાં 36નાં મોત, 6 ઘાયલ:બસમાં 42 લોકો સવાર હતા, 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી; ઘણા મુસાફરો બારીઓમાંથી ફંગોળાઈને બહાર પડ્યા ઉત્તરાખંડના અલ્મોડામાં સોમવારે સવારે 8 વાગ્યે એક પેસેન્જર બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 36 લોકોના મોત થયા હતા, જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત અલ્મોડાના કુપી પાસે થયો હતો. બસમાં 42 મુસાફર સવાર હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક હજુ વધી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.