વૃદ્ધાનો શિકારી કોણ…સિંહ કે દીપડો? કપડાં ધોતી વેળાએ 55 વર્ષીય આધેડને માનવભક્ષી જાનવર ઢસડી ગયો; ગ્રામજનો બોલ્યા- ‘જે પણ હોય, એને ગોળી મારો, નહિ તો આંદોલન’
ગીરમાં અવારનવાર માનવભક્ષી જાનવરોના કિસ્સા સામે આવતાં હોય છે. જ્યાં ક્યારેક જાનવર શિકાર બને છે. તો ક્યારેક જાનવરનો શિકાર કોઈ માનવ બને છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ઘાટવડ ગામે સીમ વિસ્તારમાં ખેતરના મકાનમાં મોડી સાંજે કપડાં ધોતી 55 વર્ષીય આઘેડને પાછળથી માનવભક્ષી દીપડાએ હુમલો કરી શિકાર બનાવી છે. ઘટના બનતા ગ્રામજનોમાં રોષ સાથે ભયની લાગણી પ્રસરી છે. આ ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ રાત્રિના જ સ્થળ ઉપર દોડી આવી દીપડાને કેદ કરવા કવાયત શરૂ કરી છે. જ્યારે માનવભક્ષી બનેલો દીપડો વધુ કોઈનો જીવ લે તે પહેલા તેને ગોળી મારવા અથવા બાર કલાકમાં પાંજરે પૂરો નહીંતર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે
200 મીટર દુર લોહીથી ખરડાયેલી હાલતમાં વૃધ્ધા મળી
આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ, કોડીનાર તાલુકાના ઘાટવડ ગામની સીમમાં પોતાના ખેતરે સાંજે આઠેક વાગ્યા આસપાસ 55 વર્ષીય અંતુંબા ગંભીરસિંહ ઝાલા નામની વૃધ્ધા મકાનની બહાર કપડાં ધોઈ રહ્યા હતા. એ સમયે અચાનક જ પાછળની ખુંખાર દીપડાએ તરાપ મારી હુમલો કર્યો હતો. બાદમાં દીપડાએ વૃધ્ધાને ઝડબામાં દબોચીને 200 મીટર દુર શેરડીના વાડમાં ઘસડીને લઈ જઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ સમયે મકાનમાં રહેલા અન્ય પરિવારજનોને વૃધ્ધા જોવા ન મળતા તેઓએ તપાસ હાથ ધરતા 200 મીટર દુર ખરડાયેલી હાલતમાં વૃધ્ધા અંતુંબાનો મૃતદેહ લોહીથી શેરડીની વાડમાંથી મળી આવ્યો હતો. જેના પગલે પરિવારજનોમાં શોક સાથે ગમગીની પ્રસરી ગઈ હતી
આરએફઓ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી
આ માનવભક્ષી દિપડાના હુમલામાં વૃધ્ધાનું મૃત્યુ થયાના સમાચાર પંથકમાં પ્રસરી જતાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચી ગયા હતા. જયારે વનવિભાગને જાણ થતાં આરએફઓ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. વનવિભાગના પ્રાથમિક અનુમાન મુજબ ખુંખાર દીપડાએ જ હુમલો કર્યો હોવાનું જણાયું હતું. જેથી હુમલાખોર દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઘટનાના સમાચાર વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં ગ્રામજનોમાં શોક સાથે ભયની લાગણી પ્રસરી ગઈ હતી
માનવભક્ષી બનેલા દીપડાને ગોળીએ ધરબી દો-સરપંચ
આ ઘટના અંગે સરપંચના પ્રતિનિધિ અબ્દુલ મેહતરે જણાવ્યું હતું કે, અમે ખેડૂતો જંગલની બોર્ડરના વિસ્તારમાં રહીને ખેતીકામ કરીએ છે. અમારા વિસ્તારમાં જો કોઈ જાનવર સાથે બનાવ બને તો અધિકારીઓ અમારા ઉપર ચડી જાય છે. ત્યારે આજની ઘટનામાં તો વન્યપ્રાણીએ હુમલો કરી વૃધ્ધાને મોતને ઘાટ ઉતારી દીધા છે. ત્યારે અન્ય કોઈ વ્યક્તિનો જીવ લે તે પહેલા વન વિભાગ માનવભક્ષી બનેલા દીપડાને ગોળીએ ધરબી દઈ અથવા બાર કલાકની અંદર કેદ કરે તેવી અમારી માંગણી છે. જે નહીં સંતોષાય તો ગ્રામજનોને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર
9824884786
9724884786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.