પ્રધાનમંત્રી આવાસ યોજના થકી નળિયાવાળા ઘરમાંથી મુક્તિ મેળવતા બાદલપરાના જેઠાભાઈ ચાવડા - At This Time

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી નળિયાવાળા ઘરમાંથી મુક્તિ મેળવતા બાદલપરાના જેઠાભાઈ ચાવડા


પ્રધાનમંત્રી આવાસ યોજના થકી નળિયાવાળા ઘરમાંથી મુક્તિ મેળવતા બાદલપરાના જેઠાભાઈ ચાવડા
---------
ઘર બની જતા માથેથી મોટો ભાર ઉતરી ગયો હોય એવો હાશકારો અનુભવી રહ્યો છું
: પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જેઠાભાઈ
---------
ગીર સોમનાથ, તા.૧૯: ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના માધ્યમથી ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ સરકારની કલ્યાણકારી ૧૭ જેટલી વિવિધ યોજનાઓનો લાભ લઈ રહ્યાં છે અને ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓ પોતાને મળેલી વિવિધ સુવિધાના સુખદ અનુભવ પણ જણાવી રહ્યાં છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત બાદલપરા ગામના લાભાર્થી જેઠાભાઈ ચાવડાએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા ગદગદિત થઈ પોતાનો સુખદ અનુભવ વ્યક્ત કર્યો હતો.

૪૫ વર્ષના જેઠાભાઈ ચાવડાને મહાનુભાવના હસ્તે ચાવીની પ્રતિકૃતિ આપવામાં આવી હતી. ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થતાં જ જેઠાભાઈએ સુખદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘ઘર બની જતા દીકરીઓને ભણાવવા માટે ટેકો મળ્યો છે. મારા માથેથી મોટો ભાર ઉતરી ગયો હોય એવો હાશકારો અનુભવાય છે. મારા પરિવારમાં હું અને મારી બે દીકરીઓ છીએ. જેમાંથી એક દીકરી ભણી રહી છે. હું મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છું. અમે પહેલા પતરા અને નળિયાવાળા મકાનમાં રહેતા હતાં. જેથી ઘણી અગવડતાઓ ભોગવવી પડતી હતી. પરંતુ હવે તમામ મુશ્કેલીઓનો અંત આવ્યો છે.’ આમ કહી જેઠાભાઈએ જીવન સુવિધાયુક્ત બનાવવા બદલ સરકારનો આભાર માન્યો હતો.

નોંધનીય છે કે વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી ગીર સોમનાથના જન-જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ પહોંચી રહ્યો છે. આ રથના માધ્યમથી શિક્ષણ, પોષણ, આરોગ્ય તેમજ ખેતી સહિત ૧૭ વિવિધ યોજનાઓના લાભથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓ લાભાન્વિત થઈ રહ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.