જામજોધપુર ના નરમાણા ગામે વંદે ગુજરાત વિકાસયાત્રાનું ગ્રામજનો દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું
*સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા*
*૧૦૦% કોવિડ વેક્સીનેશન પૂર્ણ કરવા પર સરપંચશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું*
જામજોધપુર ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત રાજ્યભરમાં ઠેર- ઠેર વંદે ગુજરાત વિકાસયાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના નરમાણા ગામ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની પૂર્વ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. નરમાણા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા વંદે ગુજરાત રથનું સ્વાગત કરી દેશભક્તિ ગીત કૃતિ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેમ કે બહેનોને પોષણ કીટનું વિતરણ, પીજીવીસીએલ દ્વારા વિનામૂલ્યે વીજળી જોડાણ, વહાલી દીકરી યોજના, આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને લાભો અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગ્રામજનોએ છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસની ઝલક દર્શાવતી ફિલ્મ નિહાળી હતી.
કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે આજે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની સૌથી ખાસ વાત એ છે કે તમામ લાભાર્થીઓને સ્થળ પર જ લાભ અર્પણ કરવામાં આવે છે.
કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ચેતનભાઈ કડીવાર, જિલ્લા ભાજપ મંત્રી શ્રી કૌશિકભાઈ રાબડીયા, જામજોધપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી હિતેશભાઈ વાઘેલા, જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખાના ચેરમેન શ્રી હર્ષદીપભાઈ સુતરીયા, જામજોધપુર માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી કિશોરસિંહજી વાઘેલા, નરમાણા ગામના સરપંચ શ્રી પરેશભાઈ ખીરપરા, લુવાસર ગામના સરપંચ શ્રીમતી રેખાબેન, આગેવાન શ્રી પંકજભાઈ, શ્રી પ્રદીપભાઈ પાલનપુરા, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, આઈસીડીએસ શાખાના કર્મચારીશ્રીઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ વિજય બગડા જામજોધપુર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.