પંચમહાલ જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજીને ઓબ્ઝર્વરશ્રીઓએ ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરી - At This Time

પંચમહાલ જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજીને ઓબ્ઝર્વરશ્રીઓએ ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરી


ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેમજ ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સુદૃઢ સ્થિતિ જળવાય તે દિશામાં કામગીરી હાથ ધરવા ઓબ્ઝર્વરશ્રીઓએ સૂચનો કર્યા

ગોધરા પંચમહાલ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ નિષ્પક્ષ,સ્વતંત્ર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી, ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની સમગ્ર કાર્યવાહી પર દેખરેખ રાખવા ઓબ્ઝર્વરશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સ્થિત કલેકટર કચેરીના સભાખંડ ખાતે, ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ઓબ્ઝર્વરશ્રીઓએ પંચમહાલ જિલ્લાની ચૂંટણીલક્ષી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી હતી.તેઓએ જિલ્લામાં થયેલી ચૂંટણી સંબંધિત સમગ્ર કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવી,તમામ નોડલ અધિકારીશ્રીઓને સૂચનો પણ કર્યા હતા.

નિરીક્ષકશ્રીઓએ વિધાનસભાની તમામ બેઠકના મતદારોની પ્રોફાઈલ, પોલિંગ સ્ટેશનની વિગતો, જિલ્લામાં કાર્યરત ચેક પોસ્ટ, ઇ.વી.એમ તથા વીવીપેટની થયેલી ફાળવણી, ઇવીએમ સ્ટોરેજની વ્યવસ્થા, ઇવીએમ રૂટ તથા ઇવીએમ સંબંધિત સુરક્ષા વ્યવસ્થા, મતદાન મથકો ખાતે પોલીસ સ્ટાફની ફાળવણી, ચૂંટણી સ્ટાફની તાલીમ, ચૂંટણી અંગેના વાહનોની ફાળવણી, સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા, મતદાન જાગૃતિ કાર્યક્રમો તથા કાયદો વ્યવસ્થાની સ્થિતિ વગેરે બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી નેહા ગુપ્તાએ જિલ્લામાં થયેલી ચૂંટણીલક્ષી પૂર્વ તૈયારીઓની માહિતી પ્રેઝન્ટેશન રૂપે પ્રસ્તુત કરી હતી.

પંચમહાલ જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વરશ્રી ડૉ.કે.વાસુકી (IAS)KL-2008ની ૧૨૬-ગોધરા,૧૨૭-કાલોલ વિધાનસભા મતવિસ્તાર માટે, જનરલ ઓબ્ઝર્વરશ્રી શકિતસિંહ રાઠોર (IAS)RJ-2010ની ૧૨૪-શહેરા,૧૨૫- મોરવા હડફ (ST) વિધાનસભા મતવિસ્તાર માટે,જનરલ ઓબ્ઝર્વરશ્રી દેબા જયોતિ દત્તા (IAS)AM-2010ની ૧૨૮-હાલોલ, વિધાનસભા મતવિસ્તાર માટે,ખર્ચ ઓબ્ઝર્વરશ્રી આર.સી.ચેતન (IRS) 2006ની ૧૨૪-શહેરા,૧૨૫- મોરવા હડફ (ST) વિધાનસભા મતવિસ્તાર માટે,ખર્ચ ઓબ્ઝર્વરશ્રી અનુજ ગર્ગ (IRS) 2011ની ૧૨૬-ગોધરા,૧૨૭- કાલોલ ૧૨૮-હાલોલ,વિધાનસભા મતવિસ્તાર માટે,પોલીસ ઓબ્ઝર્વરશ્રી રાહુલ શર્મા (IPS) 2009ની ૧૨૪-શહેરા,૧૨૫- મોરવા હડફ (ST), ૧૨૬-ગોધરા,૧૨૭- કાલોલ ૧૨૮-હાલોલ, વિધાનસભા મતવિસ્તાર માટે નિમણૂક કરાઈ છે.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયા,પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, અધિક જિલ્લા કલેક્ટરશ્રી એમ.ડી.ચુડાસમા સહિત જિલ્લામાં ચૂંટણી કામગીરી માટે નિમાયેલા તમામ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ ,વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon