મહિલાનું ફેસબુક એકાઉન્ટ હેક કરી ગઠિયાએ રૂ.2500 પડાવ્યા
રાજકોટના નિર્મલા કોન્વેન્ટ રોડ પરના બાલમુકુંદ પ્લોટમાં રહેતા ક્રિમીબેન પંકજભાઇ વાગડિયા (ઉ.વ.31)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રિમીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.24 માર્ચના તેમના ફેસબુક એકાઉન્ટ પર તેમની સહેલી મિતલ પાટડિયાનો મેસેજ આવ્યો હતો અને તેણે નોટિફિકેશનમાં આવેલો કોડ માગ્યો હતો. ક્રિમીબેને તે નંબર અાપતા જ તેમનું ફેસબુક એકાઉન્ટ થોડીવારમાં હેક થઇ ગયું હતું. ત્યારબાદ ક્રિમીબેનના પતિ પંકજભાઇને મેહુલનગરમાં રહેતા તેમના સંબંધી પૂર્વેશભાઇ લલિતભાઇ શાહનો ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, ક્રિમી સોની વાળા ફેસબુક આઇડીના કહેવાથી રૂ.2500 ટ્રાન્સફર કર્યા છે. સાયબર ફ્રોડ થયાનું સ્પષ્ટ થતાં ક્રિમીબેને પોલીસમાં જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને ખેડાના નેનપુરની અજિત સોસાયટીમાં રહેતા પ્રિતેશ મહેશ પ્રજાપતિએ પ્રથમ મિતલ પાટડિયાનું એકાઉન્ટ હેક કરી તેના આધારે ક્રિમીબેનને જાળમાં ફસાવી પૈસા પડાવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.