અમરોલીમાં વિધીના બહાને કિન્નરના વેશમાં આવેલા બે ગઠિયા રૂ. 96 હજારના દાગીના લઇ રફુચક્કર
- શ્રાવણ મહિનો શરૂ થતો હોવાથી ડાપુ લેવા આવ્યા છે સમજી 100 રૂપિયા આપ્યાઃ ચાર રસ્તે વિધી કરીને અડધો કલાકમાં આવ્યા કહીને ગયા હતા સુરત,તા.28 જુલાઈ 2022,ગુરૂવારઅમરોલીના સાંઇ રો હાઉસમાં ગૃહિણીને મનમાં ધારેલા બે કામ થઇ જશે, પરંતુ અમારે વિધી કરવી પડશે એમ કહી સોનાના પાંચ દાગીના મંગાવી ચાર રસ્તા પર વિધી કરવાના બહાને 21.5 ગ્રામ વજનના રૂ. 96.750 ના દાગીના લઇ રફુચક્કર થઇ જનાર કિન્નરના વેશમાં આવેલા બે ગઠિયા વિરૂધ્ધ અમરોલી પોલીસમાં ફરીયાદ નોંધાય છે. અમરોલીના સાંઇ રો હાઉસમાં રહેતા રત્ન કલાકાર અશ્વીન જેરામ શેલીયાની પત્ની ભાવના (ઉ.વ. 44) બપોરના અરસામાં સિલાઇ કામ કરી રહી હતી ત્યારે બે કિન્નર આવ્યા હતા. શ્રાવણ મહિનો શરૂ થઇ રહ્યો હોવાથી ડાપુ લેવા આવ્યા હશે એમ સમજી ભાવનાએ 100 રૂપિયા આપ્યા હતા. પરંતુ કિન્નરઓએ ભાવનાને કહ્યું હતું કે તારા મનમાં બે સારા કામ ધારેલા છે તે થઇ જશે. પરંતુ અમારે વિધી કરવી પડશે અને તેના માટે તમારા સોનાના પાંચ દાગીના લઇ આવો. જેથી ભાવનાએ સોનાની ચેઇન, બુટ્ટી, વીંટી, પેન્ડલ અને મંગળસૂત્ર મળી કુલ 21.5 ગ્રામ સોનાના દાગીના રૂ. 96,750 ની કિંમતના આપ્યા હતા. બંને કિન્નરે આગળ ચાર રસ્તા પર અડધો કલાકની વીધી પૂરી કરીને તમારા દાગીના પરત આપી જઇશું એમ કહીને ચાલ્યા ગયા હતા. પરંતુ ત્રણેક કલાક સુધી કિન્નરના વેશમાં આવનાર બંને ગઠિયા પરત આવ્યા ન હતા. જેથી ભાવનાએ સોસાયટી અને આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરી હતી. પરંતુ બંનેનો પત્તો નહીં મળતા બીજા દિવસે આ અંગેની જાણ પતિ અને પુત્રને કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.