અરવલ્લી જિલ્લામાં તા.5 થી 19 જુલાઇ દરમ્યાન વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે- મોડાસાના ભામાશા હોલ ખાતેથી માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે યાત્રાનો પ્રારંભ થશે
ગુજરાતના 20 વર્ષના પુરૂષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કરવા સમગ્ર ગુજરાતમાં 'વંદે ગુજરાત વિકાસયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તા. 5 થી 19 જુલાઇ દરમ્યાન વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે. જેનો પ્રારંભ માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના વરદહસ્તે તા. 5 મી જુલાઈએ સાંજે 5.00 કલાકે મોડાસાના ભામાશા હોલ ખાતેથી કરવામાં આવશે.
અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં યોજાનાર વંદે ગુજરાત વિકાસ યાત્રા પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોનું ખાતમૂર્હત, લોકાર્પણ અને લાભાર્થીઓને યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવશે. વંદે ગુજરાતનો રથ તાલુકાઓના ગામોમાં પરિભ્રમણ કરીને છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસથી લોકોને વાકેફ કરશે.વંદે ગુજરાત વિકાસ યાત્રાના સુચારૂ આયોજન અંગે કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મિના અને અધિક નિવાસી કલેકટર શ્રી એન.ડી.પરમારના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં યાત્રાના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કલેકટરશ્રીએ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન મહેસૂલ વિભાગ દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજી લાભાર્થીઓને એક જ સ્થળે સેવાઓ અને લાભો અપાશે. વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ, પશુપાલન વિભાગ દ્વારા પશુ સારવાર કેમ્પ, નગરપાલિકાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકડાયરો અને ભવાઇના કાર્યક્રમો યોજાશે. જેના માધ્યમથી સરકારશ્રીની પ્રજાલક્ષી કલ્યાણકારીની યોજનાઓનો પ્રચાર- પ્રસાર કરવામાં આવશે.
છેલ્લા 20 વર્ષ, એટલે કે બે દાયકામાં ગુજરાતે તમામ ક્ષેત્રોમાં સિધ્ધિઓના સોપાનો સર કરીને નવી ઉંચાઇઓ હાંસલ કરી છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર ખુબ તેજ ગતિથી આગળ ધપાવી રહી છે ત્યારે આ વિકાસયાત્રાની જન જનને પ્રતિતિ થાય તે માટે ગામે ગામે જઇને લાભાર્થીઓને લાભો પણ આપવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.