ઇડરમાં 26 મી રથયાત્રા યોજાઈ મગ અને કાકડીની પ્રસાદ વિતરણ થયું; અખાડાના યુવકોએ હેરત અંગેઝ કરતબો રજૂ કર્યા - At This Time

ઇડરમાં 26 મી રથયાત્રા યોજાઈ મગ અને કાકડીની પ્રસાદ વિતરણ થયું; અખાડાના યુવકોએ હેરત અંગેઝ કરતબો રજૂ કર્યા


સાબરકાંઠા જિલ્લામાં ઇડર,ખેડબ્રહ્મા, ગઢડા શામળાજી અને હિંમતનગરમાં રથયાત્રા યોજાય છે ત્યારે, ઈડરમાં સૌથી મોટી રથયાત્રા યોજાય છે. આજે સવારે ઈડરના ઘાટીમાં રામદ્વારા મંદિરેથી 26મી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી રથયાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને જલારામ મંદિરે મોસાળમાં રોકાણ કર્યું હતું. ત્યાર બાદ ત્યાંથી પરત મંદિર તરફ જવા પ્રસ્થાન થઇ હતી. રથયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો અને ભક્તો જોડાયા હતા.
ઇડરમાં રામદ્વારા મંદિરેથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને અલગ અલગ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. પૂજન અર્ચન સાથે મંદિરેથી રથનું ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સહિત આગેવાનો પ્રસ્થાન કરાવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન નગરચર્યા કરવા નીકળ્યા હતા. રામદ્વારા મંદિરેથી 26મી રથયાત્રા નીકળી હતી. જે પાંચ હાટડીયા થઈને કસ્બા વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં મુસ્લિમ બિરાદરોએ સ્વાગત કર્યું હતું.
ઇડર નગરપાલિકા આગળ રથયાત્રા પહોંચી હતી. જ્યાં અખાડાના યુવાનોએ હેરત અંગેઝ કરતબો રજૂ કર્યા હતા. ત્યાર બાદ પાલિકાથી રેલવે સ્ટેશન તરફ જવા રવાના થઇ હતી. વાજતે ગાજતે ભજન મંડળીઓ બગીમાં બિરાજમાન થઈને મહંતો ભગવાનના રથ સાથે જલારામ મંદિરે મોસાળમાં પહોચ્યા હતા.જ્યાં ત્રણેય રથનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. એક કલાકના રોકાણ કરી ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યા બાદ નિજ મંદિરે પરત જવા માટે પ્રસ્થાન કર્યું હતું અને ત્રણ રથ સાથેનો 17 વાહનોનો કાફલો ભક્તો સાથે ઇડર પોલીસ સ્ટેશન આગળ થઇને તિરંગા સર્કલથી નગરપાલિકાથી પર નિજ મંદિરે સાંજે પહોંચશે. ઇડરમાં નીકળેલી 26મી રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઇ હતી.

રિપોર્ટર હસન અલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.