પાટડી તાલુકાની જોરાવરનગર પ્રથામિક શાળાના શિક્ષકો અને છાત્રો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આતુર - At This Time

પાટડી તાલુકાની જોરાવરનગર પ્રથામિક શાળાના શિક્ષકો અને છાત્રો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આતુર


એટ ધીસ ટાઈમ ન્યૂઝ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર

દેશને આઝાદ થયે 75 વર્ષ પૂર્ણ થનાર છે, જેની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની આન, બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજ પ્રત્યે દરેક નાગરિકના મનમાં રહેલો સન્માન-ભાવ ઉજાગર થાય તેવા શુભ આશયથી 'હર ઘર તિરંગા' કાર્યક્રમ 13થી 15 ઓગસ્ટ દરમિયાન યોજવાનું આહવાન કર્યું છે. ગુજરાતમાં 'હર ઘર તિરંગા' કાર્યક્રમ અંતર્ગત એક કરોડ ઘર ઉપર રાષ્ટ્રધ્વજ-તિરંગો લહેરાવાનો નિર્ધાર સાથે રાજ્ય સરકારે વ્યાપક આયોજન કર્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાંચ લાખ તિરંગા ફરકાવવાના લક્ષ્ય સાથે સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પાટડી તાલુકાની જોરાવરનગર પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકો પણ આ અભિયાનમાં જોડાવા આતુર છે.જોરાવરનગર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શૈલેષકુમાર પટેલે જણાવે છે કે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત દેશભરમાં યોજાઈ રહેલા હર ઘર તિરંગા અભિયાન બાળકોમાં દેશદાઝના ગુણોનું સિંચન કરવાનો અને નાગરિકોમાં દેશપ્રેમની ભાવનાને બળવત્તર બનાવવાનો અત્યંત ઉમદા પ્રયાસ છે. શાળાના બાળકો અને શિક્ષકો વધુને વધુ પ્રમાણમાં સહભાગી થાય તે માટે તેમને તારીખ ૧૨ ઓગસ્ટના રોજ શપથ લેવડાવવામાં આવશે. બાળકોના વાલીઓ અને સમગ્ર ગામમાં આ અભિયાનની જાણકારી મળે તે હેતુસર ગામમાં પ્રભાતફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બાળકોમાં રાષ્ટ્રભાવના જાગે અને તિરંગાનું મહત્વ સમજે એ માટે આઝાદીના ઇતિહાસની જાણકારી આપવામાં આવશે જેથી તેમનામાં દેશપ્રેમના ગુણો કેળવી શકાય. આમ આ અભિયાનમાં ગ્રામવાસીઓ સક્રિયપણે સહભાગી થાય તેવા પ્રયત્નો કરાઇ રહ્યા છે. ગામના દરેક ઘર પર તિરંગો ફરકાય એવું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.વધુમાં આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે તારીખ ૧૫ના રોજ ધ્વજવંદન, રાષ્ટ્રગીત, પ્રભાતફેરી સહિતના કાર્યક્રમો હાથ ધરી દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને યાદ કરવામાં આવશે અને એ રીતે ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરને યાદગાર બનાવવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓ પણ સમગ્ર આયોજનને લઈ અતિ ઉત્સાહી જણાઈ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon