ટેન્કર પાછળ સ્કૂટર ઘુસી જતાં મોરબી રોડના યુવાનનું મોત
રાજકોટમાં જીવલેણ માર્ગ અકસ્માતમાં વધુ એકનો ઉમેરો થયો હોય તેમ આજે બપોરે જુના માર્કેટ યાર્ડ પાસે સર્જાયેલા અકસ્માતમાં સ્કૂટર ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પાણીના ટેન્કર પાછળ સ્કુૂટર ઘુસી જતાં આ પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની પ્રાથમિક વિગતો પ્રમાણે જુના માર્કેટ યાર્ડ પાસે બપોરે 12-30 વાગ્યાના અરસામાં પાણીના ટેન્કરની પાછળ સ્કૂટર ઘુસી ગયું હતું અને તેના ચાલકનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું.
અકસ્માત સર્જાયાના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને યુવકને સારવાર માટે ખસેડવાના પ્રયત્ન થયા હતા પરંતુ ઘટના સ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હોવાનું જાહેર થયું હતું. દુર્ઘટનામાં મોતને ભેટેલો યુવાન આજી ડેમ માંડાડુંગર પાસે જલારામ ઓટો ગેરેજ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે.
મોરબી રોડ પર સેટેલાઇટ ચોક નજીક ઘનશ્યામનગરમાં રહેતા યુવકનું નામ પ્રદિપ રાજેન્દ્રભાઇ પ્રજાપતિ હોવાનું બહાર આવ્યું છે. 27 વર્ષીય યુવાન પરિણીત હોવાનું અને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો અને ત્રણ વર્ષના માસૂમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
દુર્ઘટનાની કરૂણતા તો એ છે કે યુવકને અકસ્માત નડ્યો તે દરમિયાન તેના મોબાઇલ ફોન પર તેની પત્નીનો ‘ક્યારે જમવા આવો છો ’ તેવું પુછાણ કરતો ફોન આવ્યો હતો. આ સમયે ઘટના સ્થળે હાજર લોકોએ ફોન ઉપાડીને બનાવ વિશે જાણ કરતાં પરિવાર પર આભ તુટી પડ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.