રાજકોટ ફ્લાવર માર્કેટના 47 થડાં અને આવાસ શોપિંગ સેન્ટરની 53 દુકાનોની હરાજી કરાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રામનાથપરા મુક્તિધામ પાસે ફ્લાવર માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ઘણા સમયથી 47 થડાંઓ ખાલી પડ્યા છે. આ થડાંની ફાળવણી કરવા માટે આગામી 16મી જાન્યુઆરીના રોજ જ્યારે અલગ-અલગ પાંચ આવાસ યોજનાની 53 દુકાનો માટે 18 અને 25 જાન્યુઆરીના રોજ જાહેર હરાજી કરવામાં આવશે.
ફ્લાવર માર્કેટના 47 થડાંની ફાળવણી કરવા માટે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે 16મીએ સવારે 9 કલાકે હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે મવડી-પાળ રોડ પર સેલેનીયમ હાઇટ્સની સામે શિવ ટાઉનશીપની 22 દુકાનોની હરાજી કરવા માટે 18મી જાન્યુઆરીએ સવારે 9 કલાકથી જાહેર હરાજી હાથ ધરવામાં આવશે. જ્યારે મવડી વિસ્તારમાં સ્લીડ વેલ પાર્ટી પ્લોટની પાછળ શ્રી સીતારામ ટાઉનશીપમાં 19 દુકાનો, પારડી રોડ પર લાલપાર્ક સોસાયટી પાસે કવિ કલાપી ટાઉનશીપની 9 દુકાનો, ગોંડલ રોડ પર સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વીર નર્મદ ટાઉનશીપની બે દુકાનો અને કુવાડવા રોડ પર વૃંદાવન સોસાયટી પાસે ભક્ત કવિ નરસિંહ મહેતા ટાઉનશીપની એક દુકાન સહિત કુલ 31 દુકાનો માટે 25મી જાન્યુઆરીના રોજ સવારે 9 કલાકથી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે જાહેર હરાજી હાથ ધરવામાં આવશે. ફ્લાવરના થડાંની હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ સ્થળ પર ડિપોઝીટ પેટે રૂ.10 હજાર રોકડા ભરવાના રહેશે. જ્યારે શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજીમાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ ડિપોઝીટ પેટે બે લાખનો ચેક અથવા ડીડી હરાજી સમયે જમા કરાવવાનો રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.