બોટાદમાં બંને વિધાનસભા બેઠકોમાં ઇકો ફ્રેન્ડલી મતદાન મથક દ્વારા પર્યાવરણ જાળવણીનો શુભ સંદેશ અપાશે - At This Time

બોટાદમાં બંને વિધાનસભા બેઠકોમાં ઇકો ફ્રેન્ડલી મતદાન મથક દ્વારા પર્યાવરણ જાળવણીનો શુભ સંદેશ અપાશે


જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેક્ટરશ્રી બી.એ.શાહનાં માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટિક મુક્ત મતદાન મથકો પર તમામ કાગળની ચીજવસ્તુઓનો ઉપયોગ કરાશે

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે લોકશાહીનાં પર્વમાં મતદારો ઉત્સાહભેર સામેલ થાય તે હેતુસર અવનવા રચનાત્મક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેક્ટરશ્રી બી.એ.શાહ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અન્વયે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વચ્છ અને સ્વસ્થ્ય પર્યાવરણની જાગૃતિનાં સંદેશ સાથે જિલ્લાની બંને વિધાનસભા બેઠકોમાં એક-એક ઇકો-ફ્રેન્ડલી મતદાન મથક તૈયાર કરવામાં આવશે. આ પ્લાસ્ટિક મુક્ત મતદાન મથકો પર માત્ર કાગળની ચીજવસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવશે.

બોટાદ જિલ્લામાં 106-ગઢડા વિધાનસભા મતવિસ્તાર ખાતે 201-ગઢડા-11 બોટાદ રોડ ખાતેની બ્રાંચ શાળા નં-2 તેમજ 107-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં 92-જોટીંગડા ખાતે પ્રાથમિક શાળામાં ઇકો-ફ્રેન્ડલી મતદાન મથક ઉભું કરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ બુથની વિશેષતા એ છે કે ત્યાં પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવામાં આવે. આ બૂથ પર મતદાનની તમામ પ્રક્રિયાઓમાં કાગળની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે અને પ્લાસ્ટિકથી દૂર રહી ઇકો-ફ્રેન્ડલી બુથનાં નવતર અભિગમ થકી લોકોમાં પર્યાવરણ માટેની જાગૃતિ બાબતે પ્રેરણા આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon