કુવૈતના ઈતિહાસની સૌથી ભીષણ આગ:સવારે 4 વાગ્યે અંદાજે 40થી વધુ ભારતીય મજૂર ઊંઘમાં જ ભડથું થયા, મોટાભાગના મૃત્યુ શ્વાસ રૂંધાવાથી થયા: કુવૈત ગૃહમંત્રી - At This Time

કુવૈતના ઈતિહાસની સૌથી ભીષણ આગ:સવારે 4 વાગ્યે અંદાજે 40થી વધુ ભારતીય મજૂર ઊંઘમાં જ ભડથું થયા, મોટાભાગના મૃત્યુ શ્વાસ રૂંધાવાથી થયા: કુવૈત ગૃહમંત્રી


કુવૈતમાં બુધવારે વહેલી સવારે એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 50થી વધુ લોકોના મોત થયા હોવાનો અહેવાલ છે. મળતી માહિતી મુજબ મૃતકોમાં 40થી વધુ ભારતીય નાગરિક છે. આ આગને લઈને કુવૈતથી લઈને ભારતમાં સનસનાટી મચી ગઈ છે. કુવૈત સરકારે આ ઘટનામાં બેદરકારીનો આરોપ લગાવીને બિલ્ડિંગ માલિક અને અન્ય લોકોની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. સરકારે આ આગને લાલચનું પરિણામ ગણાવ્યું છે. વધુમાં PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને મૃતકોનાં પરિવારજનોને 2-2 લાખનું વળતર આપવાનું જાહેર કર્યું છે. અચાનક આગ કેવી રીતે લાગી?
NBTC ગ્રૂપે દક્ષિણ કુવૈતના મંગફમાં આ બિલ્ડિંગ ભાડે આપ્યું હતું. કંપનીએ તેના કામદારો માટે આ બિલ્ડિંગમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. આ બિલ્ડિંગમાં કુલ 196 લોકો રહેતા હતા, જે ક્ષમતા કરતાં ઘણી વધારે હતા. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ મજૂરોને આ બિલ્ડિંગમાં રહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા હતા. નાઇટ શિફ્ટમાંથી પરત આવેલા કામદારો સૂતા હતા
આ આગ બુધવારે સવારે 4 વાગ્યાની આસપાસ લાગી હતી. આ છ માળની ઈમારતના રસોડામાં આગ ફાટી નીકળી હતી, જે આખી ઈમારતમાં ફેલાઈ ગઈ હતી. અહીં રહેતા મોટાભાગના મજૂરો નાઇટ શિફ્ટમાંથી પરત ફર્યા હતા અને સૂતા હતા. આગના કારણે ઘણા લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. જગ્યા ચુસ્ત હોવાને કારણે ઘણા લોકોને બચવાની તક ન મળી. તે જ સમયે કેટલાક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે પોતપોતાના માળેથી કૂદકો પણ માર્યો હતો. ગૃહમંત્રીનું કહેવું છે કે, મોટાભાગના મૃત્યુ શ્વાસ રૂંધાવાને કારણે થયા છે. તે જ સમયે, કુવૈતના અમીર મિશાલ અલ અહેમદ અલ જાબેર અલ સબાહે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. કુવૈત સરકારે ઉઠાવ્યા પ્રશ્નો?
આ આગ બાદ કુવૈત સરકાર ફુલ એક્શન મોડમાં આવી ગઈ છે. આગની ઘટના બાદ કુવૈતના ગૃહમંત્રી શેખ ફહાદ અલ યુસુફ અલ સબાહ ઘટનાસ્થળે પહોંચ્યા અને બિલ્ડિંગ માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, આ કેસમાં હાઉસિંગ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. વિદેશી કામદારોને નિયમોનું ઉલ્લંઘન કરીને અત્યંત અસુરક્ષિત સ્થિતિમાં રહેવાની ફરજ પાડવામાં આવી હતી. જેથી કંપનીના માલિકો ખર્ચમાં ઘટાડો કરી શકે. બિલ્ડિંગનો માલિક મલયાલી
કુવૈતમાં જે બિલ્ડિંગમાં આગ લાગી છે. તે કેજી અબ્રાહમ નામના મલયાલી બિઝનેસમેનનું છે. કે.જી. અબ્રાહમ કેરળના થિરુવલ્લાના એક વેપારી છે, જેમની કંપની 1977થી કુવૈતના તેલ અને ઉદ્યોગનો એક ભાગ છે. માર્યા ગયેલા કામદારો આ કંપનીમાં કામ કરતા હતા. કુવૈતનું અર્થતંત્ર વિદેશી કામદારો પર નિર્ભર
કુવૈતનું અર્થતંત્ર મોટાભાગે વિદેશી કામદારો પર નિર્ભર છે, જેઓ બાંધકામ ઉદ્યોગમાં મોટી સંખ્યામાં કામ કરે છે. કુવૈતમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. આંકડાઓ અનુસાર કુવૈતમાં હાલમાં લગભગ 10 લાખ ભારતીયો રહે છે. તેમાંથી મોટી સંખ્યામાં મજૂરો, એન્જિનિયરો, ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, સોફ્ટવેર નિષ્ણાતો અને ટેક્નિશિયન છે. અગાઉની આગમાં 57 લોકોનાં મોત થયાં હતાં
આ આગને કુવૈતના ઈતિહાસની સૌથી ભીષણ આગ ગણાવવામાં આવી રહી છે. આ પહેલાં 2009માં કુવૈતમાં એક મહિલાએ બદલો લેવાના ઈરાદે એક લગ્ન સમારોહમાં આગ લગાવી દીધી હતી, જેમાં 57 લોકોનાં મોત થયાં હતાં. PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, મૃતકોનાં પરિવારજનોને 2 લાખનું વળતર જાહેર કર્યું
કુવૈતના મંગાફ શહેરમાં 6 માળની ઈમારતમાં લાગેલી આગમાં 49 કામદારોનાં મોત થયાં છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા લોકોમાંથી લગભગ 40 ભારતીયો છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 42 મૃતકોની ઓળખ ભારતીય તરીકે થઈ છે. અન્ય મૃતકો પાકિસ્તાન, ફિલિપાઈન્સ, ઈજિપ્ત અને નેપાળના છે. કુવૈતના સમય મુજબ બુધવારે સવારે લગભગ સાડા ચાર વાગ્યે આ અકસ્માત થયો હતો. 6 માળની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રસોડામાં લાગેલી આગ ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. ઘણા લોકો બિલ્ડિંગની અંદર ફસાયા હતા અને ધુમાડામાં ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ બુધવારે દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે મૃત્યુ પામેલા ભારતીયોના પરિવારોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. પીએમ મોદીએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.