ભાસ્કર ખાસ:ભારતમાંથી વિદેશમાં ફરવા જનારાની સંખ્યા 1.3 કરોડથી વધી 2040 સુધીમાં 8 કરોડ પહોંચશે
ભારત હવે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તેની વસ્તી ચીનને વટાવીને વિશ્વની સૌથી મોટી બની ગઈ છે અને સરેરાશ વસ્તી યુવાન (ઉંમર 27.6) છે, જે ચીન કરતા દસ વર્ષથી વધુ નાની છે. આને કારણે આગામી વર્ષોમાં હરવું- ફરવું, આરામ અને મનોરંજન સહિત માલ અને સેવાઓનો વપરાશ 2030 સુધીમાં બમણો થવાની આગાહી છે. વધતી જતી આર્થિક સમૃદ્ધિ અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાને કારણે ભારત લિઝર ટ્રાવેલ માટે એક મહત્વપૂર્ણ વૈશ્વિક સ્ત્રોત બજાર બન્યું છે. ભારતમાંથી વિદેશમાં ફરવા જનારાની સંખ્યા 2040 સુધીમાં 8 કરોડે પહોંચશે, જે હાલ 1.3 કરોડ છે એમ એક અભ્યાસમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. દક્ષિણ પૂર્વિય દેશો દ્વારા ભારતના ટુરિસ્ટને આકર્ષવા માટે વિવિધ યોજનાઓ અને લાભો ઓફર કરાઈ રહ્યા છે. મલેશિયા દ્વારા ભારતીય ટુરિસ્ટોને આકર્ષવા માટે વિઝા ફ્રિ પ્રવાસની ઓફર કરાઈ હતી અને તેની મોટી અસર થઈ છે. તાજેતરના પ્રાપ્ત ડેટા અનુસાર, વિઝા ફ્રિ કર્યા પછી મલેશિયા ફરવા જનારાની સંખ્યામાં 100 ટકાની વૃદ્ધિ થઈ હોવાનું મલેશિયા ટુરિઝમ પ્રમોશન બોર્ડના ડિરેક્ટર નોરિહ જાફરનું કહેવું છે. કોરોના પછી દક્ષિણ એશિયાના વિવિધ સ્થળો જેવા કે ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, સાઉથ કોરિયા, હોંગકોંગ, સિંગાપોર જનારા ટુરિસ્ટની સંખ્યામાં 4.3 ટકાથી લઇને 11 ટકા સુધીની વૃદ્ધિ 2022માં જોવા મળી છે. છેલ્લા બે વર્ષથી આ વૃદ્ધિદરમાં સતત વધારો થયો છે અને વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે એરલાઇન્સ કંપનીઓ દ્વારા પણ વિવિધ ઓફરો તરતી મૂકવામાં આવી છે. કોરોના પછી ભારતથી વિદેશ ફરવા જનારાની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને તે દર વર્ષે વધી રહી છે. ભારતથી વિદેશ ફરવા જનારા હવે ટૂંકા ગાળાની ટ્રીપ વધુ પસંદ કરી રહ્યા છે, જે પાંચ દિવસથી એક સપ્તાહની હોય. જેને ધ્યાનમાં લઇને એરલાઇન્સ કંપનીઓ પણ સંખ્યામાં માત્ર વધારો નથી કરી રહી પણ સાથે ભારતના વિવિધ શહેરો સાથે સીધી વિમાન સેવા શરૂ કરીને વધુને વધુ લોકોની નજીક પહોંચવાના પ્રયાસ કરી રહી છે. આગામી સપ્ટેમ્બરમાં એર ઇન્ડિયા અમદાવાદથી મલેશિયાની સેવા શરૂ કરે તેવી સંભાવના હોવાનું ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વર્ગનું કહેવું હતું. ઉદ્યોગના સૂત્રોના કહેવા પ્રમાણે આ સેવાથી મલેશિયાના વિવિધ ક્ષેત્રમાં આવેલા સ્થળો જેવા કે કુઆલા લુમ્પર, જોહોર, સબાહ, સારાવાક, પેંનાગની મુલાકાત સરળ બનશે. આગામી સમયગાળામાં વૈશ્વિક ટૂરીઝમ સેગમેન્ટનો ગ્રોથ મજબૂત જોવા મળી શકે છે. દેશનું આઉટબાઉન્ડ ટુરિઝમ માર્કેટ 1882 કરોડ ડોલર સુધી પહોંચશે
ભારતનું આઉટબાઉન્ડ ટુરિઝમ માર્કેટ 2024માં 1882 કરોડ ડોલર સુધી પહોંચવાની અને 2024થી 2034 વચ્ચેના દાયકામાં 11.4 ટકાના સીએજીઆરથી વધીને આ સમયગાળાના અંત સુધીમાં અંદાજે 5539 કરોડ ડોલર સુધી પહોંચવાની ધારણા છે, FICCI-ની જાણકારી અનુસાર. ‘નેવિગેટિંગ હોરાઇઝન્સઃ ધ રાઇઝ એન્ડ ફ્યુચર ઓફ ઇન્ડિયન આઉટબાઉન્ડ ટૂરિઝમ’, બુધવારે ‘3જી આઉટબાઉન્ડ ટુરિઝમ સમિટ’ દરમિયાન રિલીઝ કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.