બિહારી શ્રમિક સાડા ત્રણ કિલો ગાંજા સાથે ઝબ્બે

બિહારી શ્રમિક સાડા ત્રણ કિલો ગાંજા સાથે ઝબ્બે


રાજકોટ, તા.22 : મેટોડાનો બિહારી શ્રમિક સાડા ત્રણ કિલો ગાંજા સાથે ઝડપાયો હતો, રૂરલ એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ટીમે દરોડો પાડયો હતો. જેમાં ગાંજાનો જથ્થો અને એક મોબાઈલ ફોન મળી રૂ.40,400નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ રૂરલ એસઓજીના સૂત્રોએ આપેલી માહિતિ મુજબ, રેન્જ આઈજી સંદીપસિંહ અને એસપી જયપાલસિંહ રાઠોડની સૂચનાથી એસઓજીની ટીમ નારકોટિક્સ ગુનાઓની શોધમાં હતી ત્યારે એએસઆઈ પરવેઝભાઈ સમા અને હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ કનેરીયાને

બાતમી મળતા ઇન્ચાર્જ પીઆઇ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, હિતેશભાઇ અગ્રાવત, કોન્સ્ટેબલ રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, નિરાલીબેન વેકરીયા, ડ્રા.એ.એસ.આઇ. રાયધનભાઇ ડાંગર વગેરેએ મેટોડા જીઆઈડીસીના ગેટ નં.3 અંદર મચ્છોનગર (અંધેરી), ગેલેક્સી સ્ટેમ્પિંગની બાજુમાં રહેતો અકબાલ ખલિલમિયા નામના શખ્સના ઘરમાં દરોડો પાડ્યો હતો જ્યાંથી 3 કિલો 540 ગ્રામ ગાંજો મળી આવતા એફએસએલના પ્રાથમિક રિપોર્ટને આધારે ગુનો નોંધી આરોપી અકબાલ ઘરે હાજર જ હોય, તેની ધરપકડ કરી લેવાઈ હતી.
ગાંજો બિહારથી મેટોડા પહોંચ્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં કેટલીક કડીઓ મળી છે. જેમાં આ ગાંજો ક્યાંથી આવ્યો તે અંગે પૂછપરછમાં આરોપીએ કબૂલાત આપી છે કે, તેણે બિહારના તેમના ઓળખીતા કોઈ શખ્સ પાસેથી ગાંજો મંગાવ્યો હતો. આ બિહારના શખ્સ તેને મેટોડા આવી ગાંજાની ડિલિવરી આપી ગયા હતા.
આરોપી અકબાલે અહીં પોતાની માલિકીનું મકાન પણ વસાવી લીધું
એસઓજી ટીમે બાતમીના આધારે બિહારી શ્રમિકના ઘરમાં દરોડો પાડેલો, પ્રથમ મેટોડા જીઆઈડીસીના ગેટ નં.3 અંદર મચ્છોનગર (અંધેરી), ગેલેક્સી સ્ટેમ્પિંગની બાજુમાં તે રહેતો હોય, ભાડાના મકાનમાં ગાંજો છુપાવ્યો હોય તેવો અંદાજ હતો પણ દરોડા બાદ પોલીસની પૂછપરછમાં ખુલ્યું હતું કે, અકબાલે અહીં પોતાની માલિકીનું મકાન પણ વસાવી લીધું છે.
પ્રથમ વાર પકડાયો પણ લાંબા સમયથી અહીંના શ્રમિકોને ગાંજો વેચતો હોવાની સંભાવના
એસઓજીએ અકબાલનો એક રૂ.5000ની કિંમતનો ફોન પણ કબ્જે કર્યો છે. બિહારથી તેણે ગાંજો મંગાવ્યો હોય, ફોન ડિટેલના આધારે તપાસ થશે. અકબાલ આ પ્રથમ વાર જ પકડાયો છે. પરંતુ તે લાંબા સમયથી અહીંના શ્રમિકોને ગાંજો વેચતો હોવાની સંભાવના છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »