ચાંદીના વેપારી પાસેથી રૂ.4 લાખના જાંગડમાં દાગીના લઇ જઇ નાણાં ન ચૂકવી ઠગાઇ કરી
વેપારીએ અનેક વખત દાગીના-પૈસાની માંગ કરી, દર વખતે બહાના આપ્યા
શહેરના ઉપલાકાંઠા વિસ્તારના ચાંદીના દાગીનાના વેપારી પાસેથી જાંગડમાં રૂ.4 લાખના ચાંદીના દાગીના વેચવા માટે લઇ ગયા બાદ વાણિયાવાડીના શખ્સે દાગીના પરત નહીં કરી તેમજ નાણાં નહીં ચૂકવી ઠગાઇ કરી હતી. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
યુનિવર્સિટી રોડ પરના શારદાનગરમાં રહેતા અને પેડક રોડ પર સત્યમ ઓર્નામેન્ટ નામની પેઢી ધરાવતાં જીજ્ઞેશભાઇ મનસુખભાઇ સોઢા (ઉ.વ.52)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં વાણિયાવાડીના પવન એપાર્ટમેન્ટમાં રહેતા મિલન મુકેશ શેઠનું નામ આપ્યું હતું. જીજ્ઞેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે હોલસેલમાં ચાંદીના દાગીનાનું વેચાણ કરે છે. પાંચેક વર્ષ પહેલાં સંબંધી મારફત મિલન શેઠે વેપારી જીજ્ઞેશભાઇનો સંપર્ક કર્યો હતો અને પોતે પણ ચાંદીના દાગીનાનું વેચાણ કરતો હોવાનું કહી હોલસેલમાં દાગીના આપો તો તેનું વેચાણ કરી નાણાં ચૂકવી દઇશ તેવી વાત કરી હતી. ચારેક વખત મિલન શેઠે દાગીના લઇ જઇ અને નાણાં ચૂકવી વિશ્વાસ જીત્યો હતો.
તા.9 ઓક્ટોબર 2023ના મિલન રૂ.4 લાખની કિંમતના 10.060 કિલોગ્રામના ચાંદીના દાગીના જીજ્ઞેશભાઇ પાસેથી લઇ ગયો હતો અને અઠવાડિયામાં નાણાં ચૂકવી જશે તેવી વાત કરી હતી, પરંતુ સમય વીતી ગયા પછી તે નાણાં આપવા ગયો નહોતો. જીજ્ઞેશભાઇએ દાગીના અથવા નાણાં આપી જાવ તેમ કહેતા મિલને ઉઘરાણી કરવા આવતા નહીં, ફોન કરતા નહીં, નાણાં કે દાગીના અાપવા નથી, થતું હોય તે કરી લેજો તેમ કહી નાણાં નહીં ચૂકવી ઠગાઇ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.