ઓલિમ્પિક પહેલાં ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો:3 હાઈસ્પીડ લાઇન પર આગ લગાડી, અઢી લાખ લોકોને અસર; બ્રિટને એડવાઇઝરી જાહેર કરી
ફ્રાન્સમાં ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન સમારોહના લગભગ 10 કલાક પહેલા શુક્રવારે સવારે 5:15 વાગ્યે ટ્રેન નેટવર્ક પર હુમલો થયો હતો. ઘણી રેલવે લાઈનો પર તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. રેલવે લાઈનો પર કોણે હુમલો કર્યો અને શા માટે કર્યો તે અંગેની માહિતી હજુ સુધી બહાર આવી નથી. ફ્રાન્સની રાષ્ટ્રીય રેલવે કંપની SNCF અનુસાર, હુમલાના અડધા કલાકમાં પેરિસ જતી-આવતી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હતી. ઘણી ટ્રેનો 90 મિનિટ સુધી મોડી ચાલી રહી છે. હુમલાને કારણે આજે લગભગ 2.5 લાખ મુસાફરો પ્રભાવિત થયા છે. જ્યારે આ સમગ્ર સપ્તાહ (28 જુલાઈ) સુધી લગભગ 8 લાખ લોકો પ્રભાવિત થઈ શકે છે. તે જ સમયે, પીએમ ગેબ્રિયલ અટ્ટલે આ હુમલાને ઓલિમ્પિકમાં ખલેલ પહોંચાડવાનું ષડયંત્ર ગણાવ્યું છે. ઓલિમ્પિક ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ પેરિસમાં રાત્રે 11 વાગ્યે છે. 26મી જુલાઈથી 11મી ઓગસ્ટ દરમિયાન તે યોજાશે. રમતગમતના આ મહાકુંભમાં 206 દેશોના 10 હજાર 500 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારતના 117 ખેલાડીઓ ફ્રાન્સ ગયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.