ચોટીલા ઉત્સવ પ્રકારના ઉત્સવોથી આપણા સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન થઈ રહ્યું છે. - At This Time

ચોટીલા ઉત્સવ પ્રકારના ઉત્સવોથી આપણા સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન થઈ રહ્યું છે.


તા.11/03/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પ્રથમ દિવસે તલવાર રાસ સહિતની વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ અનેરું આકર્ષણ જન્માવ્યું.

પવિત્ર યાત્રાધામ ચોટીલા બે દિવસીય 'ચોટીલા ઉત્સવ ૨૦૨૩'નો આજ રોજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ભારત વિશ્વભરમાં તેના ઉત્સવોની વિવિધતા માટે પ્રખ્યાત છે અને ભારતવાસીઓ અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવો અનેરા ઉમંગ, ઉત્સાહથી મનાવે છે. પરંપરાગત સંસ્કૃતિની જાળવણી અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં ઉત્સવોની ઉજવણીની ભૂમિકા સમજી રાજ્ય સરકાર દ્વારા સોમનાથ, ડાકોર, શામળાજી, ચોટીલા સહિતના ૧૧ ધાર્મિક સ્થળોએ દર વર્ષે દ્વિદિવસીય ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે તેમ જણાવતા નાયબ દંડકએ ઉમેર્યું હતું કે આ પ્રકારની ઉજવણીથી ગુજરાતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન તો થઈ જ રહ્યું છે એ ઉપરાંત પ્રતિભાશાળી સ્થાનિક કલાકારોને પોતાના કલાકૌશલ્યનું પ્રદર્શન કરવા માટે એક સુંદર મંચ પણ ઉપલબ્ધ થઈ રહ્યું છે કોરોનાના કારણે મોકૂફ રહ્યા બાદ પવિત્ર ચોટીલા ધામમાં મા ચામુંડાના આશીર્વાદ તળે આ કાર્યક્રમ થઈ રહ્યો છે તેનો આનંદ વ્યક્ત કરતા તેમણે સુંદર આયોજન બદલ વહીવટી તંત્રને અભિનંદન પાઠવતા જિલ્લા વાસીઓને આ ઉત્સવ અંતર્ગત યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોને મનભરી માણવા અપીલ કરી હતી ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે ચોટીલા ઉત્સવ યુવા શક્તિને પ્રોત્સાહન આપતો ઉત્સવ બની રહ્યો છે. આ ઉત્સવના માધ્યમથી કલાને જીવંત રાખવાના સરકારના પ્રયાસને સરાહનીય ગણાવતા તેમણે ચોટીલાવાસીઓ અને જિલ્લાવાસીઓ માટે આ ઉત્સવ આનંદ અને ઉજવણી નો અનેરો અવસર બની રહેશે તેમ જણાવ્યું હતું ઇન્ચાર્જ જિલ્લા કલેકટર પી. એન. મકવાણા દ્વારા ઉપસ્થિત મહેમાનો અને ઉપસ્થિતજનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચોટીલા નગરપાલિકા પ્રમુખ જયદીપભાઈ પરમાર, ચોટીલા મંદિરના મહંત અમૃતગીરી બાપુ, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, સરપંચ રઘુભાઈ, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણી, પ્રાંત અધિકારી પ્રિયંક ગલચર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫થી ગીર સોમનાથ ખાતે સોમનાથ ઉત્સવ, બનાસકાંઠા ખાતે અંબાજી ઉત્સવ, દ્વારકા ખાતે દ્વારકા ઉત્સવ, ખેડામાં ડાકોર ખાતે ડાકોર ઉત્સવ, અરવલ્લીમાં શામળાજી ઉત્સવ જેવા અલગ-અલગ ૧૧ પવિત્ર યાત્રાધામો ખાતે બે દિવસનાં ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે ઉજવાતા રાજ્યકક્ષાના ચોટીલા ઉત્સવ કોરોનાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી મોકૂફ રાખવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon