બોટાદ જિલ્લાના વરિષ્ઠ-દિવ્યાંગ મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો : સહાયરૂપ બનતા એન.એસ.એસ.ના ૩૦ વોલેન્ટિયર્સ - At This Time

બોટાદ જિલ્લાના વરિષ્ઠ-દિવ્યાંગ મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો : સહાયરૂપ બનતા એન.એસ.એસ.ના ૩૦ વોલેન્ટિયર્સ


જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શનમાં જિલ્લાના તમામ મતદાન મથકો પર અશક્ત, વૃધ્ધ અને દિવ્યાંજનોને લાંબી હરોળમાં ઉભું ન રહેવું પડે તેમજ અન્ય કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કરાઇ જરૂરી વ્યવસ્થા

આજે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાઇ રહી છે ત્યારે જિલ્લાની બંન્ને બેઠકો પર ૪૯૪૫ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. જિલ્લામાં વરિષ્ઠ-દિવ્યાંગજન મતદારો લોકશાહીના મહાપર્વમાં જોડાઇને મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની બંન્ને વિધાનસભામાં દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત ૧-૧ દિવ્યાંગ મતદાન મથકોની રચના કરવામાં આવી છે. તેમજ બોટાદ જિલ્લાના ૫૨ ગામોમાં ૧૨૯ જેટલી વ્હિલચેર ફાળવવાની સાથે ૩૦ જેટલાં વોલેન્ટિયર્સને મદદમાં મુકવામાં આવ્યાં છે.

સામાન્ય રીતે ચાલવામાં કે રોજીંદા કામોમાં શારીરિક ક્ષતિના લીધે તકલીફ વેઠતા દિવ્યાંગો અને બુઝુર્ગો જયારે લોકશાહીમાં ફરજની વાત આવે ત્યારે જોમ અને જુસ્સા સાથે મતદાન કરવા ઉમટી પડતા હોય છે. બોટાદમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં આવા અનેક દ્રશ્યો જોવા મળ્યાં. અનેક દિવ્યાંગો અને વડીલ મતદારો મતદાન માટે વ્હીલચેર અને લાકડીના ટેકે આવીને, યુવાઓને પણ શરમાવે તે રીતે ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરી પ્રેરણા પુરી પાડી રહ્યા છે.

પ્રથમ તબક્કામાં અનેક બૂથ પર બુઝુર્ગ મતદારો તેમજ દિવ્યાંગ મતદારો મતદાન માટે આવી રહ્યા છે ત્યારે એન.એસ.એસ. ના વોલેન્ટિયર્સ સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે. એન.એસ.એસ. ના વોલેન્ટિયર્સને વિવિધ મતદાન બૂથ પરની કામગીરી અંગે બોટાદની પ્રાંત કચેરી અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા બોટાદકર કોલેજ સાથે સંકલન કરી ૩૦ જેટલા વોલિયન્ટર્સને મદદમાં મુકવામાં આવ્યા છે. આ સ્વયંસેવકો વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદાતાઓને જરૂર પડ્યે, વ્હીલચેર સાથે મતદાન રૂમ સુધી લઈ જવામાં, પાણી પીવડાવવા સહીતની બાબતોમાં મદદરૂપ બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મતદાન બૂથ પર વ્હીલચેર સહિતની સુવિધા રાખવામાં આવી છે, તો વડીલો મતદાન કરવા આવે ત્યારે સુરક્ષા જવાનો પણ તેમને ટેકો આપીને મતદાન મથક સુધી દોરી જતા હોય છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ મતદાન મથકો પર અશક્ત, વૃધ્ધ અને દિવ્યાંજનોને લાંબી હરોળમાં ઉભું ન રહેવું પડે તેમજ અન્ય કોઇ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

અત્રે નોંધનીય છે કે, જિલ્લામાં ૧૦૬- ગઢડા વિધાનસભા મતદાર વિભાગ માટે બ્રાંચ શાળા નં.૨, ઉતર પૂર્વ તરફનો રૂમ નં.૨ ગઢડા મતદાન મથક નં.૨૦૬-ગઢડા ૧૬-સ્ટેશન રોડ અને ૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગ માટે નારાયણનગર-૨, પ્રાથમિક શાળા, દક્ષિણ તરફનો રૂમ નં.૧, બોટાદ મતદાન મથક નં.૧૮૮-બોટાદ, ૪૮ પાંચપડા ખાતે દિવ્યાંગ મતદાન મથક કાર્યરત કરવામાં આવ્યાં છે. આ મતદાન મથક પર વરિષ્ઠ-દિવ્યાંગ મતદારો ઉત્સાહભેર મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon