બિહારને વિશેષ દરજ્જાની નીતિશની માગ ૧૨ વર્ષથી કેન્દ્રે સ્વીકારી નથી
નવી દિલ્હી, તા.૯મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં વ્યસ્ત એનડીએએ બિહારમાં સત્તા ગુમાવવાનો સમય આવ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે પાંચ વર્ષમાં યુ-ટર્ન મારતા ફરી એક વખત રાજદ સાથે સત્તાના સૂત્રો સંભાળવાની તૈયારી કરી લીધી છે. જદયુના ભાજપ સાથે છેડો ફાડવાના કારણો અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ નીતિશ કુમારની બિહારને વિશેષ દરજ્જો આપવાની માગ તરફ કેન્દ્ર સરકારની અવગણના પણ એક મહત્વનું કારણ હોવાનું મનાય છે.નીતિશ કુમાર વર્ષ ૨૦૧૦થી બિહારને વિશેષ દરજ્જો આપવાની તેમજ છેલ્લા પાંચ વર્ષથી રાજ્યને વિશેષ પેકેજ આપવાની માગણી કરી રહ્યા છે. નીતિશ કુમારે પાંચ વર્ષ પહેલાં ૨૦૧૭માં બિહારની આર્થિક સ્થિતિ સુધારવાનો દાવો કરતાં રાજદનો સાથ છોડીને ભાજપનો હાથ પકડયો હતો. તે સમયે તેમણે કેન્દ્ર સરકારને રાજ્યના વિકાસ માટે ૨.૭૫ લાખ કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ આપવાની માગણી કરી હતી. નીતિશ કુમારની વિશેષ પેકેજની માગ અને ભાજપના સાથના કારણે લાગતું હતું કે હવે બિહારના અચ્છે દિન આવશે. પરંતુ પાંચ વર્ષ પછી પણ કેન્દ્ર સરકારે નીતિશની માગની અવગણના કરી છે. જોકે, ભાજપે દાવો કર્યો હતો કે, બિહારને ૧.૨૫ લાખ કરોડનું મોટું પેકેજ અપાયું હતું.બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી પણ વર્ષ ૨૦૧૦થી થઈ રહી છે અને હજુ સુધી આ માગણી પણ પૂરી થઈ નથી. નીતિશ કુમારે ૧૭મી માર્ચ ૨૦૧૩માં મોટી અધિકાર રેલી કાઢીને દિલ્હીના રામલીલા મેદાનમાં તંબુ નાંખી વિશેષ રાજ્યના દરજ્જાની માગણી કરી હતી. જોકે, ભાજપ સાથે જોડાયા પછી તેમની આ માગણી પૂરી થવાની આશા હતી, પરંતુ કેન્દ્ર સરકારે આ મુદ્દે પણ કોઈ નિર્ણય લીધો નહીં. બિહાર દેશનું સૌથી વધુ વસતી ધરાવતું બીજું મોટું રાજ્ય છે. રાજ્યના ૩૮ જિલ્લામાંથી ૧૫ને પૂર અસરગ્રસ્ત જાહેર કરાયા છે. મોટાભાગની વસતી ખેતી પર નિર્ભર હોવાથી પૂરની સમસ્યાના કારણે સ્થિતિ વધુ ગંભીર થઈ જાય છે. દર વર્ષે પૂરના કારણે કરોડોની સંપત્તિનું નુકસાન થાય છે. આથી નીતિશ વિશેષ દરજ્જાની માગ કરી રહ્યા છે.વધુમાં જે રાજ્યને વિશેષ દરજ્જો મળે છે તેને કેન્દ્ર સરકાર પાસેથી ૯૦ ટકા ગ્રાન્ટ મળે છે. બાકીના ૧૦ ટકા વ્યાજ વિનાનું ભંડોળ મળે છે. સાથે આવા રાજ્યોને એક્સાઈઝ, કસ્ટમ, કોર્પોરેટ, ઈન્કમ ટેક્સમાં પણ છૂટ અપાય છે. દેશમાં વર્ષ ૧૯૬૯થી નાણામંચની ભલામણથી વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું શરૂ થયું છે. હાલ દેશમાં આસામ, નાગાલેન્ડ, જમ્મુ-કાશ્મીર,મણિપુર, મેઘાલય, ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડને વિશેષ રાજ્યનો દરજ્જો મળેલો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.