કોરોનાગ્રસ્ત સોનિયા ગાંધી હોસ્પિટલમાં, રાહુલ આજે ઈડી સમક્ષ હાજર થશે - At This Time

કોરોનાગ્રસ્ત સોનિયા ગાંધી હોસ્પિટલમાં, રાહુલ આજે ઈડી સમક્ષ હાજર થશે


નવી દિલ્હી, તા.૧૨કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને રવિવારે કોરોના સંબંધિત સમસ્યાના પગલે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં તેમની સ્થિતિ હાલ સ્થિર છે. તેમને કેટલાક દિવસ માટે નિરીક્ષણ હેઠળ રખાશે તેમ કોંગ્રેસના મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું હતું. બીજીબાજુ મની લોન્ડરિંગના કેસમાં સમન્સને પગલે રાહુલ ગાંધી સોમવારે ઈડી સમક્ષ હાજર થશે.કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે ટ્વિટર પર જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ શ્રિમતી સોનિયા ગાંધીને કોરોના સંબંધિત સમસ્યાના કારણે આજે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે અને તેમને હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રખાશે. તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરનારા બધા જ કોંગ્રેસી નેતા-કાર્યકરો અને મહિલાઓ તેમજ શુભેચ્છકોનો અમે આભાર માનીએ છીએ. ૭૫ વર્ષીય સોનિયા ગાંધી બીજી જૂને કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. તેમણે મની લોન્ડરિંગના એક કેસમાં ૮મી જૂને ઈડી સમક્ષ હાજર થવાનું હતું. જોકે, તેમણે ઈડી પાસે વધુ સમય માગ્યો છે. ઈડીએ હવે તેમને ૨૩મી જૂને હાજર થવા નવું સમન્સ પાઠવ્યું છે.ઈડીએ નેશનલ હેરાલ્ડ-એસોસિએટેડ જર્નલ્સ લિ.ના સોદા સંદર્ભે મની લોન્ડરિંગના કેસમાં સોનિયા ગાંધીની સાથે રાહુલ ગાંધીને પણ સમન્સ પાઠવ્યું છે. ભાજપ પર બદલાના રાજકારણનો આક્ષેપ કરતાં કોંગ્રેસના પીઢ નેતા દિગ્વિજય સિંહે રવિવારે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સોમવારે સવારે ઈડી સમક્ષ હાજર થશે. તેઓ કોંગ્રેસના મુખ્યાલયથી સવારે ઈડીની ઓફિસમાં હાજર થશે. કોંગ્રેસના સાંસદો અને કારોબારી સમિતિના સભ્યો આ સમયે પક્ષની ઓફિસમાં હાજર રહેશે.રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસ સાંસદો અને કારોબારીના સભ્યો ઈડીની ઓફિસ સુધી માર્ચ કાઢશે કે કેમ તેવા સવાલના જવાબમાં દિગ્વિજયે જણાવ્યું હતું કે, આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. કારોબારી સમિતિ સ્થાનિક વહીવટી તંત્ર સાથે ચર્ચા કરશે ત્યાર પછી કેટલાક નેતાઓ રાહુલ ગાંધી સાથે જશે કે નહીં તેનો નિર્ણય લેવાશે.તેમણે દાવો કર્યો હતો કે આ કેસમાં કોઈ હકીકત ન હોવાનું જણાયા પછી ઈડીએ ૨૦૧૫માં કેસ બંધ કરી દીધો હતો. આ કેસમાં હજી સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. તેમાં કોઈ પુરાવા નથી. આ માત્ર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર દબાણ બનાવવાની વર્તમાન સરકારની નીતિ છે. રાજકીય બદલો લેવા માટે વર્તમાન સરકાર ખોટા કેસો ઊભા કરે છે, પરંતુ ગાંધી પરિવાર સરકાર સામે ઝૂકશે નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon