"અવસર લોકશાહીનો": નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી રહ્યો છે "અવસર રથ" - At This Time

“અવસર લોકશાહીનો”: નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી રહ્યો છે “અવસર રથ”


તા.14/11/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આજથી તા.૧૭/૧૧/૨૦૨૨ સુધી એમ કુલ ૫ દિવસ અવસર રથ જિલ્લાના ગામડાઓમાં કરશે ભ્રમણ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા 'અવસર લોકશાહીનો' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ચુંટણી પંચ દ્વારા આયોજિત અવસર કેમ્પેઇન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી. સંપટના સફળ માર્ગદર્શન હેઠળ અવસર રથ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી તા.૧૭/૧૧/૨૦૨૨ સુધી એમ કુલ ૫ દિવસ અવસર રથ જિલ્લાના ગામડાઓમાં ભ્રમણ કરશે. આજે ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી એમ.પી.પટેલ અને મામલતદારશ્રી ડી. એલ. ભાટીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રાથી અવસર રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.વિધાનસભા ચુંટણી-૨૦૧૭ દરમિયાન ઓછું મતદાન થયેલ છે એવા મતદાન મથકોમાં અવસર રથ થકી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે.જેમા આજે ધ્રાંગધ્રાના શહેરી વિસ્તારોમાં સર અજીતસિંહ હાઈસ્કૂલ, શાળા નંબર-૨, શિશુકુંજ હાઈસ્કૂલ અને શાળા નંબર-૧૪માં અવસર રથ ફેરવવામાં આવ્યો હતો. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારોના જેગડવા, ડુમાણા અને મેથાણ ગામોમાં ભ્રમણ કરી તેમજ મતદારોને આગામી ચુંટણીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગ્રામજનોને મતનું મહત્વ સમજાવી મતદાન અંગે જાગૃત અને પ્રેરિત કરવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને અવસર રથ ઉપર “હું વોટ કરીશ” નો સંકલ્પ લઇ ગ્રામજનોએ સહી કરી આગામી ચૂંટણીમાં ચોક્કસ મત આપવાનો સંકલ્પ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં લોકો વધુને વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા અવસર રથ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર ફરીને લોકોમાં મતદાન અંગે જાગૃતતા લાવશે.જે અંતર્ગત અવસર રથ તા.૧૪ના રોજ રથ ૬૦-દસાડા વિધાનસભા મત વિસ્તારમાં, તા.૧૫ના રોજ ૬૨-વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં, તા. ૧૬ના રોજ ૬૩- ચોટીલા વિધાનસભા મત વિસ્તારમાં અને તા.૧૭ના રોજ અવસર રથ ૬૧-લીંબડી વિધાનસભા મત વિસ્તારમાં ભ્રમણ કરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon