*નસવાડી તાલુકાના કુકરદા ગામની ૧,૨૩૮ એકર જમીન શ્રી સરકાર કરવામાં આવી* - At This Time

*નસવાડી તાલુકાના કુકરદા ગામની ૧,૨૩૮ એકર જમીન શ્રી સરકાર કરવામાં આવી*


*છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને જમીનની લે વેચ કરતા પહેલા નમૂના ૬ ની ચકાસણી કરવાની જિલ્લા કલેકટરશ્રીની અપીલ*
*******

*નસવાડી તાલુકાના કુકરદા ગામની ૧,૨૩૮ એકર જમીન શ્રી સરકાર કરવામાં આવી*
*******

*છોટાઉદેપુર,મંગળવાર :* છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ખાતે વિકાસ કામોની ચકાસણી કરતા ઠાકોર રણધીરસિંહ ચંદ્રસિંહ દ્વારા ખેતીના ઉપયોગની, જરાયત જમીન ૨૨ ટુકડા કરી લોકોને વેચી દેવામાં આવી હોવાનું જાણમાં આવ્યું હતું. જેની જાણ જિલ્લા કલેક્ટરશ્રીને થતાં જ કાયદાની જોગવાઈ અનુસાર નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ સામા પક્ષ વાળા દ્વારા સમયમર્યાદામાં જવાબ આપવામાં આવ્યો ન હતો. જેને ધ્યાને લઈ ૧,૨૩૮ એકર જમીનને વિના વળતર તમામ બોજાઓમાંથી મુક્ત "શ્રી સરકાર" કરવામાં આવી હતી .

જિલ્લા કલેકટરશ્રીએ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ ૧૯૬૧ હેઠળ નિયત મર્યાદા કરતા વધારે જમીન ધારણ કરનારાઓએ અધિનિયમની જોગવાઈઓ મુજબ સંબંધિત મામલતદારને જાણ કરવાની હોય છે અને પોતે કેટલી જમીન ધારણ કરે છે તે સોગંદનામામાં જણાવવાનું હોય છે, પરંતુ આ જમીનના માલિક રણધીરસિંહ ચંદ્રસિંહ ઠાકોર આ પ્રકારની નિયત મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરતા હોવા છતાં મામલતદારને જાણ કરી નહોતી. કલેક્ટર વડોદરા દ્વારા જે તે સમયે તેની સામે કાર્યવાહી કરવા જણાવેલું હોવા છતાં તેઓએ આ જમીનના ટુકડા પાડી અને વેચાણ કરી સરકારના અધિનિયમને નિષ્ફળ બનાવવાનું કાવતરા પૂર્વક આયોજન કર્યું હતું. જેની જાણ થતાં હાલ કબજેદાર રણધિરસિંહ ચંદ્રસિંહ ઠાકોર પાસેની ચંદનપુરા, સીમેલ, મોટીઝરી, ભીલબોરીયાદ, જામલી, પંખાડા, રાજપુરા, કોલીબોરીયાદ,ગોયાવાંટ ગામની જમીન પર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાંતઅધિકારીશ્રીના નેતૃત્વમાં ટીમ બનાવી જમીનનો કબજો લેવાની કાર્યવાહી કરવામા આવી રહી છે.

શ્રી અનિલ ધામેલિયાએ છોટાઉદેપુરના નાગરિકોને જમીનની લે-વેચ કરતા પહેલા નમૂના ૬ ની ચકાસણી કરવા અપીલ કરીને જણાવ્યું હતું કે, જો નમૂના ૬ માં રણધિરસિંહ ચંદ્રસિંહ ઠાકોર તથા તેમના પરિવારના નામ હોય તો આ જમીનના બાનાખત કે ગીરોખત અથવા અન્ય કોઇ વ્યવહાર ન કરવા. જેથી ભવિષ્યમાં કોઇ છેતરપીંડીનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય. વધુમાં તત્કાલીન કબજો ધારણ કરતા અને તબદીલ કરતા તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવા આવશે તેમ જણાવી આ ફોજદારી કાર્યવાહી માટે પ્રાંતઅધિકારીનો એસ.આઈ.ટી. માટેનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે, જે આવ્યા બાદ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
અલ્લારખા પઠાણ નસવાડીવાલા


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.