રાજકોટ શહેર ખાતે ૧૦૧ તેજસ્વી તારલાઓનુ બહુમાન કરાયું.
રાજકોટ શહેર તા.૨૭/૬/૨૦૨૨ ના રોજ વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ ક્ષત્રિય સમાજના સભ્યોને મૂલ્યનિષ્ઠ જીવન ઘડતર કરવા પર ભાર મૂક્યો હતો. સમાજના તેજસ્વી તારલાઓને સન્માનીત કરતી વેળાએ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરવાનું આહવાન કર્યુ હતું અને વિચારોનું આદાન-પ્રદાન કરી સમગ્ર સમાજને ઉન્નત બનવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારની શક્ય તમામ મદદની ખાત્રી ઉચ્ચારતા મંત્રીશ્રી રાણાએ બધા ક્ષેત્રોમાં ઉચ્ચતમ વિકાસ કરવા શુભેચ્છા પાઠવી હતી. અને તે માટે અથાગ પરિશ્રમ કરવા પર ભાર મૂક્યો હતો. પ્રાથમિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી કિર્તિસિંહ વાઘેલાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે કાર્યક્રમનો મુખ્ય હાર્દ સમાજને બેઠો કરી તેની ખૂબીઓને પ્રોત્સાહન આપવાનો છે. એક વિચાર, એક લક્ષ, એક કાર્યની વિચારધારા સાથે સંગઠનાત્મક રીતે કાર્ય થાય તો ચોક્કસ સફળતા મળે છે. ક્ષત્રિય યુવાનો ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ મંત્રીશ્રી વાઘેલાએ ઉપસ્થિતોને આપી હતી. સ્પોર્ટ્સ યુનિવર્સિટી ના કુલપતિ ડો.અર્જુનસિંહ રાણા, પૂર્વ મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શ્રી હકુભા જાડેજા તથા ચારણ સંતશ્રી પાલુબાપુએ પ્રાસંગિક પ્રવચનોમા સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી યુવાનોને વધુ પ્રગતિ કરવા શુભકામનાઓ પાઠવી હતી. આમંત્રિતોના હસ્તે તલવારબાજી, રાયફલ શૂટિંગ, હોકી, ખેલમહાકુંભ, સંગીત, સાહિત્ય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધનીય પ્રદાન કરનાર ૧૦૧ યુવાનોને શિલ્ડ તથા પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન પ્રેરિત શ્રીકૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર દ્વારા યોજાયેલા સ્કીલ સેરેમની એવોર્ડ-૨૦૨૨માં આમંત્રિતોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિન્હથી બહુમાન કર્યા બાદ પૂર્વ નાયબ સચિવશ્રી અશોકસિંહજી પરમારે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ તકે એડીશ્નલ કલેકટરશ્રી એન.આર.ધાધલ, જીલ્લા યુવા અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, તથા વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.