માત્ર રૂ.3 લાખમાં સિમ્બા કોઈનની વેબ અને એપ બનાવી કરોડોનો ચૂનો ચોપડાયો હતો

માત્ર રૂ.3 લાખમાં સિમ્બા કોઈનની વેબ અને એપ બનાવી કરોડોનો ચૂનો ચોપડાયો હતો


- દિલ્હીની સોફ્ટવેર કંપનીના સંચાલક અંકીત ચહરે સિમ્બા કોઈનની વેબસાઈટ માટે ડોમેઈન વર્ષ 2021 માં યુ.કે.થી ખરીદ્યું હતું- અંકીતે વેબસાઈટ અને એપ્લીકેશન બનાવી આપ્યા બાદ નાણાંકીય વ્યવહારો માટે પોતાનું વર્ચ્યુઅલ વોલેટ પણ વાપરવા આપ્યું હતું સુરત, : સુરત-બારડોલીના 80 થી વધુ રોકાણકારોના રૂ.2 કરોડથી વધુ જે કોઈનમાં ડૂબ્યા છે તે સિમ્બા કોઈનની વેબસાઈટ અને એપ્લીકેશન બનાવનાર દિલ્હીની સોફ્ટવેર કંપનીના ડિરેક્ટર અંકીત ચહરની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેની પુછપરછમાં ખુલાસો થયો છે કે કર્ણાટક અને મહારાષ્ટ્રના બે પ્રમોટરોએ અંકીત પાસે માત્ર રૂ.2.50 થી 3 લાખના ખર્ચમાં સિમ્બા કોઈનની વેબસાઈટ અને એપ્લીકેશન બનાવડાવી હજારો લોકોને કરોડોનો ચૂનો ચોપડયો હતો. આર્થિક ગુના નિવારણ શાખાના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ફોરેક્ષ ટ્રેડીંગનું કામ કરતા યુકેના એલેક્સ જેમ્સને શરૂ કરેલી સિમ્બાકોઈન.લાઈવ વેબસાઈટમાં આઈડી ધરાવતા કર્ણાટક અને મહારાષ્ટ્રના બે પ્રમોટરોએ દિલ્હીના યુવાન સાથે મળી બાદમાં સિમ્બા કોઈન લોન્ચ કરી હજારો લોકોને ચૂનો ચોપડતા સુરત-બારડોલીના 80 થી વધુ રોકાણકારોના રૂ.2 કરોડથી વધુ ડૂબ્યા હતા. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી તેની એસઆઇટીએ દિલ્હીના યુવાન અંકીત લક્ષ્મણસીંગ ચહર ( રહે.જી/1037/બી બ્લોક, ન્યુ અશોકનગર, દિલ્હી ( ઈસ્ટ ) ની અટકાયત કર્યા બાદ ધરપકડ કરી હતી. બી.ટેક સુઘીનો અભ્યાસ કરી દિલ્હીમાં વેરટો ઈન્ફોસોલ્યુશન્સ ઈન્ડિયા પ્રા.લી. નામની સોફ્ટવેર કંપની ચલાવતા અંકીતની પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. અંકીતે જણાવ્યું હતું કે સંગમેશ હરલાપુર અને શશીકાંત અઢવ બેંગ્લોરના સોફ્ટવેર ડેવલોપર કરીસપ્પા મારફતે વર્ષ 2021 માં તેને મળ્યા હતા અને સિમ્બાકોઈનની વેબસાઈટ બનાવી માત્ર એક વર્ષ માટે ચાલુ રાખવાની વાત કરી હતી.આથી અંકીતે યુ.કે.ની હોસ્ટીંગર ડોમેઈન પ્રોવાઇડર કંપની પાસેથી સિમ્બાકોઈન.લાઈવ નામથી ડોમેઈન માત્ર રૂ.500 માં એક વર્ષ માટે ખરીદ્યું હતું. બાદમાં તે નામે ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી તેમજ તે નામે એપ્લીકેશન પણ બનાવી તેમાં રોકાણકારો પાસે રોકાણ કરાવી તેમને આઈડી આપવામાં આવતું હતું. જોકે, અંકીતે ખુલાસો કર્યો હતો કે સિમ્બાકોઈનના નામે કોઈ વેબસાઈટ અગાઉ નહોતી તેણે જ પહેલી વખત સંગમેશ અને શશીકાંતના કહેવાથી તૈયાર કરી હતી. યુ.કે.ના એલેક્સ જેમ્સે પણ કરોડોનું રોકાણ કર્યું છે તે પણ એપ્લીકેશન તૈયાર કરીને દર્શાવાયું હતું સંગમેશ અને શશીકાંતે ફોરેક્ષ ટ્રેડીંગનું કામ કરતા યુ.કે.ના એલેક્સ જેમ્સને આ વેબસાઈટ શરૂ કરી છે અને તેણે પણ રોકાણ કર્યું છે તેવી હવા ચલાવી એપ્લીકેશનમાં કરોડોનું રોકાણ થયું છે તેવું બતાવવા અંકીતને કહેતા તેણે એપ્લીકેશનમાં રોકાણ પણ બતાવ્યું હતું. રૂ.2.50 લાખથી વધુમાં તેણે એપ્લીકેશન બનાવી આપ્યા બાદ અંકીતે રોકાણકારોના પૈસા જે ગ્લોબલ ટ્રેડીંગના બેન્ક એકાઉન્ટમાં જમા થતા હતા તેને પોતાના પેટીએમ એકાઉન્ટ સાથે કનેક્ટ કરી બાદમાં પોતાની કંપનીના વર્ચ્યુઅલ વોલેટમાંથી રોકાણકારો સાથે તમામ નાણાંકીય વ્યવહારો કર્યા હતા. આ હકીકતના આધારે પોલીસ સિમ્બાકોઈનમાં અંકીત પણ ભાગીદાર હોવાનું માની રહી છે.જોકે, તે ઈન્કાર કરે છે. આર્થિક ગુના નિવારણ શાખાએ તેને કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વધુ તપાસ પીએસઆઈ સાગર પ્રધાન કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »