ઝાલાવાડ પંથકમાં પૂજન સાથે શિતળા સાતમની ઉજવણી કરાઈ - At This Time

ઝાલાવાડ પંથકમાં પૂજન સાથે શિતળા સાતમની ઉજવણી કરાઈ


- કોરોના કાળના બે વર્ષ હબાદ તહેવારોમાં ઉત્સાહ- લખતરમાં મોતીસર તળાવની બાજુમાં શીતળા માતાજીના પૌરાણિક મંદિરે પુજા કરવા મહિલાઓનો સવારથી ધસારો થયો, મંદિરોમાં સવારથી ભકતોની ભીડ જામી સુરેન્દ્રનગર : શ્રાવણ વદ સાતમ એટલે કે શ્રાવણી સાતમે એટલે કે શીતળા સાતમની સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લા તેમજ લખતર તાલુકામાં ભારે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ વદ સાતમ એટલે કે શીતાળા સાતમના દિવસે શીતળામાતાજીનુ પૂજન અર્ચન અને વ્રત કરવાનો પર્વ છે. તેઓ શાંતિ અને ઠંડકના દેવી માનવામાં આવે છે આ શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત કરે છે. તે દિવસે નદી કે તળાવે અથવા ઘરે ઠંડા પાણીએ સ્નાન કરે છે તથા આખો દિવસ ટાઢુ ખાવાની પરંપરાઓ જોવા મળે છે. સાતમના દિવસે ઘરમાં ચુલો સળગાવવામાં આવતો નથી. ઘીનો દિવો કરી શીતળા માતાનુ પૂજન કરે છે. તેમજ કુલેરનુ નૈવૈદ્ય ધરે છે.સુરેન્દ્રનગર શહેર સહીત ઝાલાવાડના વિવિધ શહેરો અને ગામડાઓમાં ગઈકાલે શિતળા સાતમની ભકિતભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના મિલ રોડ ઉપર આવેલા ૧૦૦ વર્ષથી પણ જુના મંદિરે બહેનોએ શિતળા માતાનું પૂજન કરેલ હતું. કુંથુનાથ દેરાસર ચોકમાં આવેલા શિતળામાતાના મંદિરે સવારથી જ ભકતોની ભીડ જામી હતી. ધ્રાગધ્રા, પાટડી, દસાડા, લીંબડી સહીતના તમામ તાલુકામાં પણ આસ્થાપુર્વક શિતળા સાતમની ઉજવણી કરાઈ હતી. લખતર શહેરમાં મોતીસર તળાવની બાજુમાં ૧૦૦ વર્ષ જુનુ શીતળા માતાજીનુ મંદિર આવેલુ છે જે શીતળા માતાની આંબલી તરીકે ઓળખાય છે. શીતળા સાતમ નિમિતે બે વર્ષ બાદ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. શીતળા માતાની પુજા કરવા માટે સવારથી મોટી સંખ્યામાં મહિલાઓનો ઘસારો જોવા મળ્યો હતો. શીતળા માતા તેમના પરિવારને શીતળા નામના રોગ સામે રક્ષણ પુરૂ પાડે તેવી આસ્થા સાથે સાતમનો તહેવાર મનાવવાની પરંપરા શરૂ થઈ હતી. જે આજે આધુનિક યુગમાં પણ ખુબ જ ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.