બહુચરાજીમાં ગટર ઉભરાવાની સમસ્યા: સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા
મહેસાણા, તા. 16 ઓગસ્ટ 2022 મંગળવારયાત્રાધામ બહુચરાજીમાં 12 કરોડ રૂપિયાના ખર્ચે નાખેલી ભૂગર્ભ ગટર યોજના આડેધડ કામગીરીના કારણે સદંતર નિષ્ફળ ગઈ છે. જેના કારણે આજે ગટર ઉભરાવાની સમસ્યા સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. ગંજબજારની પાછળ છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાઈ રહી છે અને તેનું ગંદુ પાણી ગંજબજારના મકાનોમાં ભરાવા લાગ્યું છે. આ બાબતે મકાન માલિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નઘરોળ ગ્રામ પંચાયત દ્વારા આજદિન સુધી કોઈ ઉકેલ લાવવામાં નહીં આવતાં રહેવાસીઓનુ રહેવું મુશ્કેલ બની ગયું છે.બહુચરાજી ગંજબજારની પાછળના ભાગેથી પસાર થતી ભૂગર્ભ ગટર લાઈનની કુંડી છેલ્લા એક મહિનાથી ઉભરાઈ રહી છે અને તેનું ગંદુ પાણી પાછળ ગંજ બજારના ઘરોમાં ભરાઈ રહ્યું છે. આ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરીમાં વારંવાર જાણ કરવા છતાં આજદિન સુધી તેનો કાયમી ઉકેલ લવાયો નથી. પરિણામે આજે આ પરિવારના લોકો બીમારીનો ભોગ બન્યા છે. બુધવારે તાલુકા વિકાસ અધિકારીએ ગંજ બજારની રૂબરૂ મુલાકાત લીધી હતી. પરંતુ તલાટીઓ હડતાળ પર હોવાથી તેમજ ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ રક્ષાબંધનના તહેવારોને લઈ રજા પર હોવાથી તેમણે કામગીરી માટે લાચારી દર્શાવી હતી. બીજી બાજુ ગટરનું ગંદુ પાણી પીવાના પાણી સાથે પણ ભળી જતાં આ વિસ્તારના રહીશોના આરોગ્ય સામે જોખમ ઊભુ થયુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.