બેનામી સોદામાં હવે ૩ વર્ષની જેલ નહીં થાય, સુપ્રીમે કાયદાની જોગવાઈ ફગાવી
નવી દિલ્હી, તા.૨૩સુપ્રીમ કોર્ટે મંગળવારે બેનામી સોદા અંગેના કાયદા મુદ્દે મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવતા ત્રણ વર્ષની સજાની જોગવાઈ રદ કરી દીધી. બેનામી ટ્રાન્ઝેક્શન (પ્રોહિબિશન) એક્ટ ૧૯૮૮ની કલમ ૩(૨)ને ગેરબંધારણીય ગણાવતા સુપ્રીમ કોર્ટે આ જોગવાઈને સ્પષ્ટરૃપે 'મરજી મુજબ'ની દર્શાવી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે આ કાયદામાં મોદી સરકારે ૨૦૧૬માં કરેલા સુધારાને પણ ગેરકાયદે ગણાવ્યો છે.આ કેસની સુનાવણી કરી રહેલા મુખ્ય ન્યાયાધીશ એનવી રમણ, ન્યાયમૂર્તિ સીટી રવિકુમાર અને હેમા કોહલીની બેન્ચે બેનામી સોદા કાયદા, ૧૯૮૮માં મોદી સરકારે ૨૦૧૬માં કરેલા સુધારાને પણ ખોટો ઠરાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ૨૦૧૬નો બેનામી વ્યવહારો (પ્રતિબંધ) સુધારા કાયદો પણ ગેરબંધારણીય છે, કારણ કે તે બંધારણની કલમ ૨૦(૧)નો ભંગ કરે છે. વધુમાં કોર્ટે ઠરાવ્યું કે, બેનામી કાયદામાં ૨૦૧૬ના સુધારાને પાછલી અસરથી લાગુ કરી શકાય નહીં. મુખ્ય ન્યાયાધીશ એનવી રમણની આગેવાનીવાળી બેન્ચે કોલકાતા હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ કેન્દ્ર દ્વારા દાખલ અરજીમાં સુનાવણી કરતાં આ ચૂકાદો આપ્યો હતો. કોલકાતા હાઈકોર્ટે તેના ચૂકાદામાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૬નો સુધારો સંભાવનાઓ પર આધારિત છે, પરંતુ તેને પાછલા સમયના કેસો માટે લાગુ કરી શકાય નહીં.કોલકાતા હાઈકોર્ટના ચૂકાદા સાથે સહમત થતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કાયદાને પાછલી અસરથી લાગુ કરી શકાય નહીં. સુપ્રીમે કહ્યું કે કેન્દ્ર સરકારનો આ સુધારો આપખુદ છે અને નાગરિકોના મૌલિક અધિકારોનો ભંગ કરે છે. આ કાયદાને અમલમાં મુકાયાના દિવસથી જ લાગુ કરી શકાય. જૂના કેસોમાં ૨૦૧૬ના સુધારેલા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં ના આવે. બેનામી લેવડદેવડ કાયદાની કલમ ૩ બેનામી ટ્રાન્ઝેક્શન્સના મુદ્દા સાથે સંબંધિત છે અને તેની પેટા કલમ (૨) કહે છે કે કોઈ વ્યક્તિ બેનામી સંપત્તિની લેવડ-દેવડમાં સામેલ હોવાનું જણાય તો તેને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. આ કાયદામાં ૨૦૧૬ના સુધારા હેઠળ બેનામી સંપત્તિઓને જપ્ત કરવાનો આદેશ પણ જોગવાઈનો ભાગ હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.