“મહાપ્રજ્ઞ ભિક્ષુણીશ્રાવિકાઓમાં ખેમા શ્રેષ્ઠ છે.” ― ભગવાન બુદ્ધ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sbaixxnnu17kywh0/" left="-10"]

“મહાપ્રજ્ઞ ભિક્ષુણીશ્રાવિકાઓમાં ખેમા શ્રેષ્ઠ છે.” ― ભગવાન બુદ્ધ.


"મહાપ્રજ્ઞ ભિક્ષુણીશ્રાવિકાઓમાં ખેમા શ્રેષ્ઠ છે." ― ભગવાન બુદ્ધ.

એનો જન્મ મદ્દરાષ્ટ્રમાં સાગલ નામના નગરમાં રાજકુળમાં થયો હતો. એ અત્યંત દેખાવડી હતી. એનું લગ્ન મગધ દેશના બિંબિસાર રાજા સાથે થયું હતું. ભગવાન રાજગૃહ પાસે વેળુવનમાં રહેતા હતા ત્યારે બિંબિસાર રાજા વારંવાર એમનાં દર્શન માટે જતો હતો. પરંતુ 'રૂપ અનિત્ય છે, રૂપ પર આસક્તિ રાખશો નહી', એવો વૈરાગ્ય ઉપજાવે તેવો ઉપદેશ ભગવાન કરે છે, એવું ખેમાના સાંભળવામાં આવ્યું હતું ; તેથી એ વેળુવનમાં જવા ઇચ્છતી નહોતી. તે ત્યાં જાય એ હેતુથી રાજાએ પોતાના કવિ પાસે વેળુવનની વનશ્રી પર કાવ્ય બનાવડાવી એ એની આગળ ગવડાવ્યું. ઉદ્યાનશ્રીનાં એ રસમય વર્ણન સાંભળી ખેમાને ત્યાં જવાની ઉત્કટ ઇચ્છા થઈ. અને એણે રાજાની પરવાનગી માગી.

રાજાએ કહ્યું, "વેળુવનમાં જઈ ભગવાનનું દર્શન કર્યા વગર આવીશ નહીં." એ કંઈ પણ બોલી નહીં. પણ રાજાએ એની સાથેના નોકરોને કહ્યું કે, જો ખેમાં ભગવાનનું દર્શન કર્યા વગર પાછી ફરે તો મારી આજ્ઞા એને યાદ દેવડાવજો.

ખેમા વેળુવનની શોભાનું અવલોકન કરી, ભગવાનનું દર્શન કર્યા વગર પાછી ફરવા લાગી ત્યારે નોકરોએ એને રાજાજ્ઞાનું સ્મરણ કરાવ્યું. તેથી કમને એને ભગવાનના દર્શને જવાની ફરજ પડી. ભગવાનની પાસે આવીને જુએ છે તો તેમની પાછળ એક અત્યંત લાવણ્યવતી સ્ત્રી પવન નાંખતી ઊભી છે. એને જોઈ ખેમાએ પોતાના મનમાં કહ્યું,

"આવી દિવ્ય સ્ત્રીઓ જે મહર્ષિની સેવા માટે તત્પર હોય છે, તેનાં દર્શન માટે જતાં મને શરમ આવે છે? ધિક્કાર છે મને અને મારી મોટાઈને! આ અપ્સરાની દાસી તરીકે પણ હું શોભું નહી!"

ખેમાના મનમાં આ વિચારપરંપરા ચાલુ હતી એટલામાં જ એ સુંદર સ્ત્રીમાં ધીમે ધીમે ફેરફાર થવા લાગ્યો. થોડી વારમાં એ પ્રૌઢ, ઘરડી અને મરી ગયેલી દેખાઈ. એ જોઈ ખેમાનું પોતાના રૂપનું અભિમાને નષ્ટ થયું.

ત્યારે ભગવાન બોલ્યા, "કરોળિયાની જાળની માફક પોતાની આસપાસ જાળ ગૂંથી કામાસક્ત મનુષ્યો એમાં બદ્ધ થાય છે. પરંતુ એને પણ તોડી નાંખી અને કામસુખનો ત્યાગ કરી (સત્પુરુષો) નિરપેક્ષતાથી પરિવ્રાજક બને છે."

આ ઉપદેશ કાને પડતાંની સાથે જ ખેમા ત્યાં ને ત્યાં જ અર્હત્પદ પામી. પછીથી બિંબિસાર રાજાની પરવાનગીથી એ ભિક્ષુણી થઈ.

અબ્યાકતસંયુત્તના પહેલા સુત્તમાં ખેમા અને પસેનદિ કોસલ રાજાનો સંવાદ છે; તેનો સારાંશ આ પ્રમાણે છે :

ભગવાન શ્રાવસ્તીમાં જેતવનમાં અનાથપિડિકના આરામમાં રહેતા હતા . તે વખતે ખેમા ભિક્ષુણી કોસલ દેશમાં પ્રવાસ કરતાં શ્રાવસ્તી અને સાકેતની વચમાં આવેલા તોરણવત્થુ ગામમાં વર્ષાવાસ માટે રહી હતી. પસેનદિ કોસલ રાજાએ સાંકેતથી શ્રાવસ્તી આવતાં એક રાત તોરણવત્યુ મુકામ કર્યો. એ રાત્રે કોઈ શ્રમણબ્રાહ્મણનો ઉપદેશ સાંભળવાની એને ઈચ્છા થઈ; અને ગામમાં તપાસ કરવા માટે એણે માણસ મોકલ્યો. પણ ખેમા વગર બીજો કોઈ વિદ્વાન શ્રમણ કે બ્રાહ્મણ ત્યાં આગળ નહોતો.

એ માણસે જ્યારે ખેમાના પાંડિત્યનું વર્ણન કર્યું, ત્યારે રાજાએ એની જ મુલાકાત લેવાનો નિશ્ચય કર્યો; અને એ હતી ત્યાં જઈ, એને નમસ્કાર કરી એ એક બાજુએ બેઠો અને બોલ્યો, "આર્યે, તથાગત મરણ પછી હોય છે કે નહીં?"

ખેમા : મહારાજ , ભગવાને આ કહ્યું નથી.

રાજા : એનું શું કારાણ વારું?

ખેમા : મહારાજ, આ ઠેકાણે હું તમને એવો પ્રશ્ન પૂછું છું કે, તમારી પાસે એવો કોઈ ગણક છે કે જે આ ગંગા નદીની રેતીની ગાણના કરી શકે, અથવા જે મહાસાગરનું પાણી માપી શકે?

રાજા : આર્યે, આમ શી રીતે કરી શકાય? મહાસાગર તો ગંભીર હોઈ અમાપ છે.

ખેમા : મહારાજ, તેવી જ રીતે, જે રૂપથી તથાગતનું માપ કાઢી શકાય તે તથાગતનું રૂપ નાશ પામ્યું છે. જે વેદનાઓથી . . . જે સંજ્ઞાથી . . . જે સંસ્કારોથી . . . જે વિજ્ઞાન માપી શકાય તે નષ્ટ થયું છે. તેથી મરણ પછી તથાગત હોય છે કે નહીં, વગેરે પ્રશ્નોના સીધા જવાબ આપી શકાય તેમ નથી.

પસેનાદિ રાજા ખેમાનું અભિનંદન કરી શ્રાવસ્તી આવ્યો, અને ત્યાં એને ભગવાનને એ જ પ્રશ્ન પૂછયા. ભગવાને પણ ખેમાની માફક જ એના જવાબ આપ્યા. ત્યારે તે બોલ્યો, "આ ઘાણી નવાઈની વાત છે. ખેમા ભિક્ષુણીએ પણ આ પ્રશ્નોના આવી રીતે જ જવાબ આપ્યા."

આ ઉપરથી ખેમાને પ્રજ્ઞાવતી ભિક્ષાણીઓમાં અગ્રસ્થાન કેમ પ્રાપ્ત થયું હતું , તે સહેજે ધ્યાનમાં આવે તેમ છે.

ગ્રંથ:- બૌદ્ધસંઘનો પરિચય
લેખક :- ધર્માનંદ કોસમ્બી
પૃષ્ઠ:- ૨૩૦/૩૧

પરિશુદ્ધ બૌદ્ધ સંઘ, મહેસાણા.
રિપોર્ટર અમૃતભાઈ રાઠોડ રાજકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]