સરસપુરની ધાબાવાળી ચાલીમાં કુખ્યાત સહદેવ તોમરે ફાયરિંગ કરી આધેડને છાતીમાં ગોળી મારી - At This Time

સરસપુરની ધાબાવાળી ચાલીમાં કુખ્યાત સહદેવ તોમરે ફાયરિંગ કરી આધેડને છાતીમાં ગોળી મારી


અમદાવાદ,તા.23 ઓગષ્ટ 2022,મંગળવારસરસપુરની ધાબાવાળી ચાલીમાં કુખ્યાત સહદેવ તોમરે બે રાઉન્ડ ફાયરિંગ કરી આધેડને છાતીમાં ગોળી મારી ફરાર થઈ ગયો હતો. સહદેવના હાથમાંથી ભોગ બનનારના મિત્રએ તમંચો આંચકી લેતા આરોપીએ કમરમાં ભરાવેલો બીજો તમંચો કાઢી ફાયરિંગ કરી આધેડને છાતીમાં ગોળી મારી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા બાદ સહદેવે ફોન કરી ધમકી આપી હતી કે, આજે દિલીપસિંહને ગોળી મારી, હવે, ભદ્રેશ પટેલ અને પવન તોમરનો વારો છે. બનાવને પગલે શહેરકોટડા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઝપાઝપી દરમિયાન સ્થળ પર પડેલા  બે તમંચા કબજે લઈ તપાસ હાથ ધરી હતી. સહદેવ તોમર વિરૂદ્ધ  હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ મુજબ પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી.  આજે દિલીપસિંહને ગોળી મારી હવે, ભદ્રેશ અને પવનનો વારોઃ પોલીસે આરોપીને ઝડપ્યોસરસપુરની ધાબાવાળી ચાલીમાં રહેતાં દિલીપસિંહ ચૌહાણ રવિવારે રાત્રે ૧૧ વાગ્યે તેમના પડોશી જયપ્રકાશ સેન સાથે જમવા માટે બેઠા હતા. તે સમયે અચાનક ઘરનો દરવાજો ખોલી સહદેવ તોમર હાથમાં તમંચો લઈને ઘસી આવ્યો હતો. સહદેવ દિલીપસિંહ પર ફાયરિંગ કરી તે પહેલા તેઓેએ કાચનો ગ્લાસ છૂટો મારતા આરોપીના ચશ્મા પડી ગયા અને તે બહાર ભાગ્યો હતો. દિલીપસિંહ અને જયપ્રકાશ સેન બંનેએ બહાર જઈને સહદેવને પકડી લીધો હતો. સહદેવે ઝપાઝપી કરી તેની પાસેના તમંચામાંથી એક રાઉન્ડ ફાયર કરતા જયપ્રકાશે તેના હાથમાંથી તમંચો ઝૂંટવી લીધો હતો. સહદેવ અને દિલીપસિંહ બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ દરમિયાન આરોપીએ કમરમાંથી બીજો તમંચો કાઢયો હતો. સહદેવે બીજા તમંચામાંથી ફાયરિંગ કરી દિલીપસિંહની છાતીમાં ગોળી મારી દીધી હતી. ફાયરિંગનો અવાજ સાંભળી સ્થળ પર દોડી આવેલા રણજીતે આરોપી સહદેવના હાથમાંથી તમંચો ઝૂંટવી લીધો હતો. સહદેવ બનાવને પગલે સ્થળ પરથી ફરાર થઈ ગયો પણ તેનો ફોન પડી ગયો હતો. ઈજાગ્રસ્ત દિલીપસિંહને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલ અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ દરમિયાનમાં સહદેવ તોમરે તેના ફોન પર અજાણ્યા નંબરથી કોલ કરતા જયપ્રકાશે ફોન રિસિવ કર્યો હતો. આરોપીએ ફોન પર ધમકી આપી કે, હું સહદેવ તોમર, મેં આજે દિલીપસિંહને ગોળી મારી, હવે ભદ્રેશ પટેલ અને પવન તોમરને ગોળી મારવાનો છું. બનાવને પગલે શહેરકોટડા પોલીસે જયપ્રકાશ સેનની ફરિયાદ આધારે કુખ્યાત ગુનેગાર સહદેવસિંહ લાયકસિંહ તોમર વિરૂદ્ધ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી હતી. આરોપી સહદેવ તોમરે અગાઉ પણ પવન તોમરના પાન પાર્લરમાં ઘૂસીને મારામારી કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. સહદેવ તોમર પર હત્યાની કોશિષ, મારામારી, આર્મ્સ એક્ટ, લૂંટ સહિતના અનેક ગુના દાખલ થયેલા છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.