સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર ક્યારે પરત ફરશે? નાસાએ કરી ચોંકાવનારી જાહેરાત
ભારતીય મૂળનાં અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (નેશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)ના અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ-સ્ટેશનમાં સંશોધન કરવા માટે ગયાં છે પરંતુ તેઓ પાછા આવવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે.
5મી જૂનના રોજ બૉઇંગની નવી સ્ટારલાઇનર અવકાશયાનમાં સુનીતા વિલિયમ્સ અને બચ વિલમોર અંતરિક્ષમાં ગયાં હતાં. બંને અવકાશયાત્રીઓ આઠ દિવસમાં સંશોધન પૂર્ણ કરીને પૃથ્વી પર પરત આવવાના હતા પરંતુ આટલા દિવસો બાદ પણ તેઓ પરત ફરી શક્યા નથી. સ્ટારલાઇનર અવકાશયાનમાં ટૅક્નિકલ ખામી સર્જાવાને કારણે આમ થયું છે.
નાસાએ જણાવ્યું છે કે સ્ટારલાઇનર અવકાશયાનમાં જે ટૅક્નિકલ ખામી સર્જાઈ છે તેને રિપેર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
18મી ઑગષ્ટના રોજ ‘ક્રુ નાઇન’ પ્રોજેક્ટ અંતર્ગત નાસા ચાર સભ્યોની એક ટીમ ઇન્ટરનેશનલ સ્પેસ-સ્ટેશનમાં મોકલશે. આ પ્રોજેક્ટ માટે નાસાએ ઇલોન મસ્કની કંપની સ્પેસ એક્સ સાથે જોડાણ કર્યું છે.
શું સ્ટારલાઇનર અવકાશયાનમાં સર્જાયલી ખામીના કારણે 'ક્રુ નાઇન પ્રોજેક્ટ'માં વિલંબ થઈ શકે છે? સુનીતા વિલિયમ્સ સામે પૃથ્વી પરત આવવામાં કયા પડકારો છે
ઇન્ટરનેશનલ સ્પેસ-સ્ટેશનમાં અવકાશયાત્રીઓને મોકલવા માટે નાસા સંસ્થા બે ખાનગી કંપનીઓ સાથે કામ કરી રહી છે. એક કંપની છે સ્પેસ એક્સ અને બીજી કંપની છે બૉઈંગ.
પોતાનું અવકાશયાન બનાવવાની અને ઑપરેટ કરવાની જગ્યાએ નાસા ખાનગી કંપનીઓની મદદ લઈ રહી છે. નાસા સંસ્થા અનુસાર અવકાશયાત્રાનો ખર્ચ ઘટાડવા માટે અને કૉમર્શિયલ સ્પેસ ઇન્ડસ્ટ્રી ઊભી કરવા માટે તે આમ કરી રહી છે.
અત્રે નોંધનીય છે કે 2015માં સ્ટારલાઇનર પોતાની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ પર જવાનું હતું પરંતુ સૉફ્ટવેરમાં તકનીકી ખામીના કારણે 2019 સુધી ટેસ્ટ ફ્લાઇટ શક્ય બની નહોતી. અંતે આ પ્રોજેક્ટને અટકાવી દેવો પડ્યો હતો.
ઑગસ્ટ 2021માં ફરીથી સ્ટારલાઇનરને અવકાશયાત્રાએ મોકલવાનું નક્કી થયું હતું. પરંતુ મે 2022 સુધી પ્રોજેક્ટ ફળીભૂત થયો નહોતો. ત્યારે નાસાએ કારણ આપ્યું હતું કે સ્ટારલાઇનરની થ્રસ્ટ સિસ્ટમમાં ખામી હોવાના કારણે ટેસ્ટ ફ્લાઇટ શક્ય બની નથી.
આ બધી ખામીઓ ઉપરાંત સ્ટારલાઇનરની વાઇરીંગ અને પૅરાશૂટમાં પણ ખામી સર્જાતા અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં લઈ જવાની યોજનામાં સતત વિલંબ થતો ગયો.
બાદમાં નાસાએ દાવો કર્યો કે સ્ટારલાઇનરની દરેક ખામી સુધારી લેવામાં આવી છે. જાહેર કરવામાં આવ્યું કે 7મી મેના રોજ અવકાશયાન પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ માટે ટેકઑફ કરશે. પરંતુ લૉન્ચ થવાના 90 મિનિટ પહેલાં જાહેરાત થઈ કે ટૅક્નિકલ સમસ્યાના કારણે લૉન્ચ રદ કરવામાં આવ્યું હતું.
સુનીતા વિલિયમ્સ અને બચ વિલમોર સ્ટારલાઇનરમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી જતાં યાત્રા રદ કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.