26/11 મુંબઈ હુમલો: કાળમુખા આ દિવસે મુંબઈમાં ખેલાયું હતું મોતનું તાંડવ, માયાનગરી થઈ હતી લોહીલુહાણ - At This Time

26/11 મુંબઈ હુમલો: કાળમુખા આ દિવસે મુંબઈમાં ખેલાયું હતું મોતનું તાંડવ, માયાનગરી થઈ હતી લોહીલુહાણ


પાકિસ્તાનથી આવેલા 10 આતંકીઓ દરિયાના રસ્તે મુંબઈમાં એન્ટ્રી કરી હતી. દરિયામાં ભારતીય નૌસેનાને ખો આપીને તેમણે ભારતીય નાવનો સહારો લીધો.

મુંબઈ: 26 નવેમ્બર 2008, આ એજ દિવસ હતો, જ્યારે માયાનગરી મુંબઈમાં આતંકીઓના કાળા પગલા પડ્યા હતા. તે સાંજ પણ દરરોજની માફક જ હતી. સૌ કોઈ પોતાની મસ્તીમાં હતા. કોઈને પણ જરાયે અણસાર નહોતો કે, થોડી વારમાં અહીં મોતનું તાંડવ ખેલાવાનું છે. મરીન ડ્રાઈવ પર લોકો સમુદ્રમાંથી આવતી ઠંડી ઠંડી લહેરોનો આનંદ લઈ રહ્યા હતા. તેમણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે, મોત તેમની સામે લહેરોની માફક ઉડીને આવી રહ્યું છે.

દરિયાઈ માર્ગે આવ્યા હતા હૈવાનો
પાકિસ્તાનથી આવેલા 10 આતંકીઓ દરિયાના રસ્તે મુંબઈમાં એન્ટ્રી કરી હતી. દરિયામાં ભારતીય નૌસેનાને ખો આપીને તેમણે ભારતીય નાવનો સહારો લીધો. આ તમામ લોકો રાતના લગભગ 8 વાગે કોલાબાથી મચ્છી માર્કેટ બજારમાં ઉતર્યા. લોકોને ખ્યાલ પણ નહોતો કે, આ 20-25ના યુવાનો નથી, પણ યમદૂત છે. તેમના ખભ્ભે લટકેલા બેગમાં કપડા નહીં પણ મોતનો સામાન હતો. લોકો સાથે વાત કર્યા વિના તેઓ સીધા રસ્તે આગળ નિકળી ગયાં.

મુંબઈમાં મોતનું તાંડવ
કોલાબાથી તેઓ 4-4 ગ્રુપમાં ફંટાઈ ગયા અને ટેક્સી પકડીને પોતાની મંઝિલ તરફ આગળ નિકળ્યા. તેમને એટલી ખતરનાક ટ્રેનિંગ આપવામાં આવી હતી કે મુંબઈનો આખો નકશો તેમના મગજમાં છપાયેલો હતો. તેઓ મુંબઈના રસ્તા પર એવી રીતે ભાટકી રહ્યા હતા કે, જાણે કેમ એક એક રસ્તો તેમને ઓળખતો હોય. આતંકીઓનું એક જૂથ રાતના સાડા 9 વાગે છત્રપતિ શિવાજી ટર્મિનલ રેલવે સ્ટેશન પહોંચી જાય છે અને તાબડતોડ ફાયરિંગ શરુ કરી દે છે. પોલીસ કંઈ પણ સમજે તે પહેલા ફરી વાર ફાયરિંગ શરુ કરી દે છે.

NSGએ નરકનો રસ્તો દેખાડી દીધો
આતંકીઓએ તે રાતે મુંબઈના કેટલાય પ્રખ્યાત સ્થળોને ટાર્ગેટ કર્યા હતા. મુંબઈની શાન કહેવાતી તાજ હોટલ, ઓબેરોય ટ્રાઈડેંટ હોટલ અને નરીમન હાઉસને ટાર્ગટે બનાવ્યું હતું, સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે 3 દિવસ સુધી અથડામણ ચાલતી રહી. આતંકીને બહાર બેઠેલા તેમના આકા ફોનથી મદદ કરી રહ્યા હતા. તેની સાથે જ સેનાનું ઓપરેશન પણ ફેલ થતું દેખાયું. બાદમાં એનએસજી કમાંડોને બોલાવ્યા. એનએસજી કમાંડોએ મોતના એ તમામ સોદાગરોને નરકનો દરવાજો દેખાડી દીધો.

આ હુમલામાં સામેલ આતંકી અજમલ કસાબ જીવતો પકડાયો હતો. તેને પણ ફાંસી આપવામાં આવી છે. આ ઘટનાને આજે 14 વર્ષ થયા, પણ તેને યાદ કરીને આજે પણ દરેક ભારતીય હચમચી જાય છે. એવુ કહીએ તો પણ ખોટું નથી કે, આઝાદ ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટો આતંકી હુમલો હતો. આ હુમલામાં 18 સુરક્ષાકર્મી સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા અને 300થી વધારે લોકો ઘાયલ થયા હતા.

Bharat bhadaniya
9904355753


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.